<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર: ભારતે આંતરરાષ્ટ્રીય મંચ પર બાંગ્લાદેશની 'અવગણના'ની કાઢી ઝાટકણી

માત્ર ડિસેમ્બરમાં જ 10 હિન્દુઓની હત્યા અને હિંસાની 2,900 થી વધુ ઘટનાઓનો પર્દાફાશ: "મીડિયા અતિશયોક્તિ કહીને ગુનેગારોને છાવરવાનું બંધ કરો" : વિદેશ મંત્રાલયે પાડોશી દેશને સ્પષ્ટ શબ્દોમાં સંભળાવ્યું

નવી દિલ્હી:  બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુ સમુદાય પર થઈ રહેલા જીવલેણ હુમલાઓને લઈને ભારત સરકારે હવે લાલ આંખ કરી છે. શુક્રવારે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બાંગ્લાદેશની વચગાળાની સરકારના વલણની આકરી ટીકા કરી હતી. ભારતે સ્પષ્ટપણે જણાવ્યું છે કે બાંગ્લાદેશમાં હિન્દુઓ, તેમના ઘરો અને ધાર્મિક સ્થળોને નિશાન બનાવવાની એક 'ચિંતાજનક પેટર્ન' ઉભી થઈ છે. સૌથી ગંભીર બાબત એ છે કે બાંગ્લાદેશ પ્રશાસન આ ઘટનાઓને વ્યક્તિગત અદાવત કે રાજકીય વિવાદ ગણાવીને નકારી રહ્યું છે, જે ગુનેગારોને વધુ હિંમત આપી રહ્યું છે.

આંકડાકીય વિગતો રજૂ કરતા ભારતે જણાવ્યું કે, બાંગ્લાદેશ હિન્દુ બૌદ્ધ ખ્રિસ્તી એકતા પરિષદના અહેવાલ મુજબ માત્ર ડિસેમ્બર 2025માં જ સાંપ્રદાયિક હિંસાના 51 કિસ્સા બન્યા છે, જેમાં 10 નિર્દોષ લોકોની હત્યા કરવામાં આવી છે. વચગાળાની સરકાર સત્તામાં આવી ત્યારથી અત્યાર સુધીમાં લઘુમતીઓ વિરુદ્ધ હિંસા, આગચંપી અને જમીન પચાવી પાડવાની 2,900 થી વધુ ઘટનાઓ નોંધાઈ છે. જયસ્વાલે ઉમેર્યું કે, આ વાસ્તવિકતાને માત્ર 'મીડિયાની અતિશયોક્તિ' કહીને નજરઅંદાજ કરી શકાય નહીં, કારણ કે તે ત્યાં રહેતા લાખો લઘુમતીઓમાં ભય અને અસુરક્ષાનું વાતાવરણ પેદા કરી રહ્યું છે.

ભારતનું આ કડક વલણ સૂચવે છે કે હવે પાડોશી દેશમાં માનવ અધિકારોના ઉલ્લંઘન મુદ્દે ભારત ચૂપ રહેશે નહીં. વિદેશ મંત્રાલયે બાંગ્લાદેશ સરકારને તાકીદ કરી છે કે તેઓ લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે નક્કર અને કડક પગલાં ભરે. બાંગ્લાદેશ દ્વારા હિંસાને બાહ્ય પરિબળો પર ઢોળવાની રમતને ભારતે 'અવગણના' ગણાવી છે અને ચેતવણી આપી છે કે જો સમયસર કાર્યવાહી નહીં કરવામાં આવે તો આ સ્થિતિ વધુ સ્ફોટક બની શકે છે. આ મુદ્દો આગામી સમયમાં ભારત-બાંગ્લાદેશ સંબંધોમાં નિર્ણાયક વળાંક લાવી શકે છે.

(10:24 PM IST)