<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

મહારાષ્ટ્રના રાજકારણમાં ભીષણ બળવો: અંબરનાથમાં અજિત પવારના 'પાવર' પ્લેથી ભાજપ-કોંગ્રેસનું ગઠબંધન તૂટ્યું

સૌથી મોટી પાર્ટી શિવસેનાને સત્તા બહાર રાખવાનો દાવ ઉંધો પડ્યો: NCPના 4 સભ્યોએ ટેકો પાછો ખેંચતા ભાજપના પ્રદેશ પ્રમુખ રવિ ચવ્હાણનું ગણિત બગડ્યું

અંબરનાથ:  મહારાષ્ટ્રના રાજકારણમાં ક્યારે કયો વળાંક આવશે તે કહેવું મુશ્કેલ છે, અને આવો જ એક મોટો રાજકીય ભૂકંપ અંબરનાથ મ્યુનિસિપલ કાઉન્સિલમાં જોવા મળ્યો છે. શિવસેનાને સત્તાથી દૂર રાખવા માટે ભાજપ અને કોંગ્રેસે જે અણધાર્યું ગઠબંધન કર્યું હતું, તેમાં ગાબડું પડ્યું છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (અજિત પવાર જૂથ) ના ચાર કાઉન્સિલરોએ બળવો પોકારીને ભાજપ-સમર્થિત ગઠબંધનમાંથી પોતાનો ટેકો પાછો ખેંચી લેતા રાજકીય ગરમાવો વધી ગયો છે. આ ચાર સભ્યો હવે શિવસેના સાથે હાથ મિલાવતા, શિવસેના પાસે હવે 32 સભ્યોનું સંખ્યાબળ થઈ ગયું છે, જે સ્પષ્ટ બહુમતી તરફ ઈશારો કરે છે.

આ બળવા પાછળનું મુખ્ય કારણ કોંગ્રેસ સાથેનું જોડાણ હોવાનું કહેવાય છે. NCP (અજિત પવાર જૂથ) ના સ્થાનિક નેતાઓએ ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તેઓ વર્ષ 2023 થી જ કોંગ્રેસની નીતિઓનો વિરોધ કરી રહ્યા છે. જનાદેશ 'મહાયુતિ' (ભાજપ-શિવસેના-NCP) માટે હતો, નહીં કે કોંગ્રેસ સાથે સત્તા વહેંચવા માટે. કોંગ્રેસમાંથી કાઢી મૂકાયેલા સભ્યોને ભાજપમાં સામેલ કરીને સત્તા હસ્તગત કરવાનો જે પ્રયાસ પ્રદેશ પ્રમુખ રવિ ચવ્હાણે કર્યો હતો, તે હવે તેમના માટે જ મોટો માથાનો દુખાવો બની ગયો છે.

અંબરનાથ કાઉન્સિલના હાલના આંકડાકીય સમીકરણો જોતા શિવસેના (27 સભ્યો) અને એક અપક્ષના ટેકા સાથે હવે NCP ના 4 સભ્યો જોડાઈ જતા કુલ આંકડો 32 પર પહોંચ્યો છે. બીજી તરફ ભાજપ (14) અને કોંગ્રેસ (12) નું જૂથ હવે લઘુમતીમાં મુકાઈ ગયું હોય તેવું જણાય છે. આ ઘટનાક્રમ માત્ર સ્થાનિક નગરપાલિકા પૂરતો સીમિત નથી, પરંતુ તે મહારાષ્ટ્રના આગામી રાજકીય સમીકરણો પર પણ મોટી અસર કરી શકે છે. ભાજપ માટે આ એક મોટો શિખામણરૂપ ઝટકો છે કે પાયાના કાર્યકરો અને સાથી પક્ષોની વિચારધારાને અવગણીને કરાયેલા જોડાણો લાંબો સમય ટકી શકતા નથી.?

(10:27 PM IST)