તા. ૧૧ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૨ શનિવાર
ધોરાજીમાં સતત બીજા દિવસે ધરા ધ્રુજી: એપીસેન્ટર બિલકુલ નજીક હોવાથી નગરપાલિકા દ્વારા જર્જરિત મકાનો અંગે માઈક ફેરવી જાહેર ચેતવણી અપાઈ રહી છે : જુઓ વિડીયો
જાહેર સૂચનામાં નાગરિકોને સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે જે મકાનો ખૂબ જ જૂના અને જર્જરિત અવસ્થામાં છે, તેને તાત્કાલિક અસરથી ખાલી કરી દેવા: આવા ભયજનક મકાનોની નીચે ઊભા ન રહેવા કે તેની નજીકથી પસાર ન થવાની પણ તાકીદ

(કિશોરભાઈ રાઠોડ ધોરાજી અકિલા દ્વારા): સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લામાં આવેલ ધોરાજી શહેર અને ગ્રામ્ય પંથકમાં છેલ્લા બે દિવસથી ભૂકંપના સંખ્યાબંધ આંચકા અનુભવાતા નગરપાલિકા હરકતમાં આવી છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ નજીક હોવાથી જર્જરિત મકાનોથી દૂર રહેવા અને સાવચેતી રાખવા શહેરમાં લાઉડ સ્પીકર ફેરવીને જાહેરાત કરવામાં આવી રહી છે.
રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં છેલ્લા બે દિવસથી ભૂસ્તરીય સળવળાટ જોવા મળી રહ્યો છે. ધોરાજી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સતત બે દિવસથી ધરતીકંપના આંચકાઓ અનુભવાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. આ આંચકાઓનું એપીસેન્ટર (કેન્દ્રબિંદુ) ધોરાજીની નજીક હોવાનું મનાઈ રહ્યું છે.
નગરપાલિકા દ્વારા માઈક ફેરવીને ચેતવણી
ભૂકંપના સતત આંચકાઓને પગલે ધોરાજી નગરપાલિકા તંત્ર સતર્ક બન્યું છે. કોઈપણ પ્રકારની જાનહાનિ ટાળવા માટે આજરોજ નગરપાલિકા દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. નગરપાલિકાની ગાડીમાં લાઉડ સ્પીકર ગોઠવીને શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને લોકોને સાવચેત કરવામાં આવ્યા હતા.
*જર્જરિત મકાનો ખાલી કરવા આદેશ*
જાહેર સૂચનામાં નાગરિકોને સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે જે મકાનો ખૂબ જ જૂના અને જર્જરિત અવસ્થામાં છે, તેને તાત્કાલિક અસરથી ખાલી કરી દેવા. આ ઉપરાંત, શહેરીજનોને આવા ભયજનક મકાનોની નીચે ઊભા ન રહેવા કે તેની નજીકથી પસાર ન થવા માટે પણ તાકીદ કરવામાં આવી છે, જેથી આંચકા દરમિયાન કોઈ દુર્ઘટના ઘટે તો જાનમાલનું નુકસાન અટકાવી શકાય.
લોકોને સતર્ક રહેવા અપીલ
તંત્ર દ્વારા લોકોને ગભરાવવાને બદલે સતર્ક રહેવા જણાવાયું છે. ધરતીકંપના આંચકા આવે ત્યારે ઘરની બહાર ખુલ્લી જગ્યામાં નીકળી જવું અને અફવાઓથી દૂર રહેવા જેવી તકેદારી રાખવા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
