<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th January 2026

ઈરાનની કરન્સી ગગડી: ૧ ડોલરની કિંમત ૧૦ લાખ રિયાલની નજીક, શાસન સામે વિરોધમાં દાયકાઓ જૂનો ધ્વજ લહેરાયો

ઈરાનમાં આર્થિક સંકટ અત્યંત ગંભીર બન્યું છે. ઈરાની રિયાલનું મૂલ્ય તળિયે બેસી જતા હવે ૧ અમેરિકન ડોલરની કિંમત ૯,૯૪,૦૫૫ રિયાલ સુધી પહોંચી ગઈ છે. આર્થિક બદહાલીથી કંટાળેલા લોકોએ વિરોધ પ્રદર્શનમાં ઈસ્લામિક ક્રાંતિ પહેલાનો 'સિંહ અને સૂર્ય' વાળો ધ્વજ લહેરાવ્યો હતો.

 

ઈરાનની અર્થવ્યવસ્થા પર પશ્ચિમી દેશોના પ્રતિબંધો અને આંતરિક અશાંતિની ગંભીર અસર જોવા મળી રહી છે. તાજેતરના અહેવાલો મુજબ, ઈરાની ચલણ 'રિયાલ' નું ધોવાણ ઐતિહાસિક સ્તરે પહોંચ્યું છે. હાલમાં ૧ યુએસ ડોલર સામે ઈરાની રિયાલનો ભાવ ૯,૯૪,૦૫૫ જેટલો થઈ ગયો છે, જે ત્યાંની પ્રજા માટે ભયજનક સ્થિતિ છે.

આર્થિક સંકટ અને મોંઘવારીથી ત્રસ્ત લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. 

 

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં જોવા મળે છે કે દેખાવકારોએ વર્તમાન શાસન સામે નારાજગી વ્યક્ત કરવા માટે ૧૯૭૯ ની ઈસ્લામિક ક્રાંતિ પહેલાનો ઈરાનનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. આ જૂના ધ્વજમાં 'સિંહ અને સૂર્ય' નું પ્રતીક છે, જે ૧૨મી સદીથી ઈરાનની ઓળખ હતું અને ૧૯મી સદીમાં તેને ધ્વજમાં સ્થાન મળ્યું હતું. 

 

૧૯૭૯ની ક્રાંતિ બાદ આ પ્રતીક હટાવીને ઈસ્લામિક પ્રતીક મુકવામાં આવ્યું હતું. દેખાવકારો દ્વારા જૂના ધ્વજનું પ્રદર્શન એ વર્તમાન શાસન વ્યવસ્થા સામેનો મોટો પડકાર માનવામાં આવે છે.

__________________________________________________

(9:36 AM IST)