<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th January 2026

પાકિસ્‍તાનમાં અત્‍યંત ગરીબ હિન્‍દુ યુવકની ઘાતકી હત્‍યાઃ માત્ર એક ઝૂંપડી બનાવવા જેવી સામાન્‍ય બાબતમાં જમીનદારે ગોળી મારી દીધી

હત્‍યારાની ધરપકડની માંગ સાથે મોટી સંખ્‍યામાં લોકોએ બદીન-હૈદરાબાદ નેશનલ હાઈવે પર મૃતદેહ રાખીને ચક્કાજામ કર્યો

 

કરાચી : પાકિસ્‍તાનના સિધ પ્રાંતમાં લઘુમતી હિન્‍દુ સમુદાય પર અત્‍યાચારની વધુ એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. સિધના બદીન જિલ્‍લામાં માત્ર એક સામાન્‍ય ઝૂંપડી બનાવવા જેવી નજીવી બાબતમાં થયેલી તકરારમાં એક શક્‍તિશાળી જમીનદારે ગરીબ હિન્‍દુ યુવકને ગોળી મારીને મોતને ઘાટ ઉતારી દીધો છે. આ ઘટનાને પગલે ત્‍યાં વસતા હિન્‍દુ સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્‍યો છે અને લોકો રસ્‍તા પર ઉતરી આવ્‍યા છે.

મળતી માહિતી મુજબ, આ ઘટના બદીન જિલ્‍લાના પીરુ લાશારી વિસ્‍તારમાં આવેલા રાહો કોલ્‍હી ગામમાં બની હતી. અહીં રહેતા કૈલાશ કોલ્‍હી નામના એક હિન્‍દુ યુવક પોતાના પરિવાર માટે રહેવા માટે એક નાનકડી ઝૂંપડી બનાવી રહ્યો હતો. આ દરમિયાન ત્‍યાંના સ્‍થાનિક પ્રભાવશાળી જમીનદાર સરફરાઝ નિઝામાની સાથે તેને બોલાચાલી થઈ હતી. જમીનદારે કૈલાશને ઝૂંપડી બનાવતા અટકાવ્‍યો હતો અને ઉગ્ર વિવાદ બાદ આવેશમાં આવીને કૈલાશ કોલ્‍હીની છાતીમાં સીધી ગોળી મારી દીધી હતી. ગોળી વાગતા જ કૈલાશનું ઘટનાસ્‍થળ પર જ કરુણ મૃત્‍યુ થયું હતું.

આ હત્‍યાકાંડ બાદ મૃતકના પરિવારજનો અને હિન્‍દુ સંગઠનોએ ભારે હોબાળો મચાવ્‍યો છે. હત્‍યારાની ધરપકડની માંગ સાથે મોટી સંખ્‍યામાં લોકોએ બદીન-હૈદરાબાદ નેશનલ હાઈવે પર મૃતદેહ રાખીને ચક્કાજામ કર્યો હતો. પાકિસ્‍તાન દરાવર ઇત્તેહાદના ચેરમેન શિવ કચ્‍છીના નેતૃત્‍વમાં સેંકડો લોકોએ ધરણાં પ્રદર્શન કર્યા હતા અને જ્‍યાં સુધી આરોપી પકડાય નહીં ત્‍યાં સુધી રસ્‍તો ખોલવાનો ઇનકાર કર્યો હતો. દેખાવકારોનો આરોપ છે કે આરોપી સરફરાઝ નિઝામાની વગદાર વ્‍યક્‍તિ હોવાથી પોલીસ તેની સામે કાર્યવાહી કરવામાં વિલંબ કરી રહી હતી. જોકે, ભારે જનાક્રોશ બાદ સ્‍થાનિક પોલીસ અધિકારીઓએ ૨૪ કલાકમાં આરોપીને પકડી લેવાની ખાતરી આપી હતી. મૃતક કૈલાશ કોલ્‍હી એક અત્‍યંત ગરીબ ખેત મજૂર હતો અને તેનો એકમાત્ર ગુનો એ હતો કે તેણે પોતાના માથા પર છત ઉભી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાએ ફરી એકવાર પાકિસ્‍તાનમાં લઘુમતીઓની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. (૩૭.૧૧)

(3:29 PM IST)