<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th January 2026

પતિએ પત્‍નિના પ્રેમી સાથે કરાવ્‍યા લગ્ન : આપ્‍યા આશીર્વાદ

પ્રેમ અને ત્‍યાગનો અનોખો કિસ્‍સો સામે આવ્‍યો

જાૈનપુર, તા.૧૦: ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લામાંથી એક એવી ઘટના સામે આવી છે, જેણે સોશિયલ મીડિયા અને સમાજમાં હંગામો મચાવી દીધો છે. સામાન્‍ય રીતે જ્‍યારે પત્‍નીના કોઈ અન્‍ય સાથેના પ્રેમ સંબંધની જાણ થાય ત્‍યારે હિંસા કે વિવાદ થતો હોય છે, પરંતુ પતિએ સમજદારીથી પોતાની પત્‍ની માટે એક એવો નિર્ણય કર્યો કે, જેને તમામ લોકોને ચોંકાવી દીધા હતા. આ કહાની પમ્‍પી પ્રજાપતિ, તનજય પ્રજાપતિ અને રાજુ બૈરાગીની છે. જૌનપુરના જલાલપુરની રહેવાસી પમ્‍પી પ્રજાપતિના લગ્ન વર્ષ ૨૦૨૨માં મિર્ઝાપુરના રહેવાસી તનજય પ્રજાપતિ સાથે થયા હતા. લગ્ન પછી પમ્‍પીએ એક પુત્રને જન્‍મ આપ્‍યો, જે હવે લગભગ ત્રણ વર્ષનો છે. શરૂઆતમાં દાંપત્‍ય જીવન સામાન્‍ય રહ્યું, પરંતુ સમય જતાં પમ્‍પી અને તનજયના સંબંધોમાં અંતર વધવા લાગ્‍યું હતું. આ દરમિયાન પમ્‍પી રાજુ બૈરાગીના સંપર્કમાં આવી, અને બંને એકબીજાના પ્રેમમાં પડ્‍યા હતા.

પમ્‍પી જ્‍યારે તેના પ્રેમી રાજુ બૈરાગી સાથે જતી રહી, ત્‍યારે મામલો પરિવાર અને સમાજ સામે આવ્‍યો હતો. જોકે, આ ઘટનામાં પતિ તનજયે જે કર્યું તે જાણીને સૌ કોઈ સ્‍તબ્‍ધ થઈ ગયા હતા. તનજયે પત્‍ની પર દબાણ લાવવા કે ઝઘડો કરવાને બદલે પત્‍નીની ખુશીને મહત્‍વ આપ્‍યું હતું. પમ્‍પી અને રાજુએ પરસ્‍પર સંમતિથી મંદિરમાં લગ્ન કરવાનું નક્કી કર્યું, અને આ લગ્ન દરમિયાન પતિ તનજય પોતે ત્‍યાં હાજર રહ્યો હતો. સાથે જ તેણે પત્‍નીના નવા જીવનની શરૂઆત પર તેને આશીર્વાદ આપ્‍યા. મંદિરમાં પ્રેમી રાજુ બૈરાગીએ પમ્‍પીની સેંથામાં સિંદૂર ભર્યું, અને પતિ તનજયે કોઈપણ વિરોધ વગર આ સંબંધનો સ્‍વીકાર કરીને બંનેને સુખી જીવનની શુભેચ્‍છાઓ આપી હતી.

જોકે, તનજયે બાળકની જવાબદારી પોતે ઉઠાવવાનો નિર્ણય લીધો, જેથી પુત્રનું ભવિષ્‍ય સુરક્ષિત અને સ્‍થિર રહી શકે. આ નિર્ણયને લોકોએ એક મોટા ત્‍યાગ અને પિતાના મજબૂત પ્રેમ તરીકે જોયો છે. આ ઘટના જ્‍યાં એકતરફ સામાજિક પરંપરાઓથી અલગ નજર આવે છે, ત્‍યાં બીજી બાજુ પરસ્‍પર સંમતિ, સન્‍માન અને જવાબદારીનું ઉદાહરણ પણ પૂરું પાડે છે. જોકે, પત્‍નીનું પોતાના નવા પ્રેમ સાથે જીવન શરૂ કરવું એ પણ એક સાહસિક પગલું માનવામાં આવી રહ્યું છે. પ્રેમ અને ત્‍યાગનું નવું ઉદાહરણ હાલમાં આ મામલો સમગ્ર વિસ્‍તારમાં ચર્ચાનો વિષય બન્‍યો છે.(

(3:45 PM IST)