હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બિહારમાં ‘ભારત રત્ન’ પર મહાસંગ્રામ: નીતિશ કુમાર વિરુદ્ધ લાલુ યાદવના નામની એન્ટ્રીથી રાજકારણ ગરમાયું
JDU દ્વારા મુખ્યમંત્રી નીતિશ કુમાર માટે દેશના સર્વોચ્ચ સન્માનની માંગને ચિરાગ પાસવાને આપ્યું સમર્થન : વળતો પ્રહાર કરતા તેજ પ્રતાપ યાદવે પિતા લાલુ પ્રસાદ યાદવ માટે ભારત રત્નની દાવેદારી : સામાજિક ન્યાયના નામે શ્રેય લેવાની હોડ જામી

પટણા: બિહારમાં સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે હવે દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ભારત રત્ન’ મેળવવા માટે નવી સ્પર્ધા શરૂ થઈ છે. JDU એ મુખ્યમંત્રી નીતિશ કુમારના દાયકાઓ લાંબા શાસન અને બિહારના વિકાસમાં તેમના યોગદાનને ધ્યાનમાં રાખીને ભારત રત્નની માંગ કરી હતી. આ માંગને ત્યારે વધુ બળ મળ્યું જ્યારે એક સમયના કટ્ટર વિરોધી અને હાલના કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને નીતિશ કુમારના સમર્થનમાં સૂર પુરાવ્યો. ચિરાગે પટણામાં સ્પષ્ટપણે જણાવ્યું કે નીતિશ કુમારનું નેતૃત્વ અનુકરણીય છે અને તેઓ આ સન્માન માટે સંપૂર્ણ રીતે લાયક છે. ચિરાગનો આ બદલાયેલો અંદાજ NDA ગઠબંધનની મજબૂતી અને બદલાતા રાજકીય સમીકરણો તરફ ઈશારો કરી રહ્યો છે.
જોકે, આ ચર્ચામાં લાલુ પ્રસાદ યાદવના પુત્ર અને પૂર્વ મંત્રી તેજ પ્રતાપ યાદવે ઝંપલાવતા રાજકીય ગરમાવો વધી ગયો છે. તેજ પ્રતાપે નીતિશ કુમારની યોગ્યતાને નકાર્યા વગર પોતાના પિતા લાલુ પ્રસાદ યાદવ માટે પણ ભારત રત્નની માંગણી કરી છે. તેમણે ભાવનાત્મક પત્તા રમતા કહ્યું કે, લાલુ યાદવે દલિતો અને વંચિતો માટે જે સામાજિક ન્યાયની લડત લડી છે તે અજોડ છે. જો નીતિશ જી અને લાલુ જી બંનેને આ સન્માન મળે તો બિહાર માટે ગર્વની વાત હશે. તેજ પ્રતાપના આ નિવેદને સાબિત કરી દીધું છે કે RJD આ મુદ્દે JDU ને મેદાન ખાલી આપવા માંગતું નથી અને લાલુ યાદવના કદને નીતિશ કુમારની સમકક્ષ રાખવા માંગે છે.
બિહારમાં ભારત રત્ન માટેની આ ખેંચતાણ માત્ર સન્માન પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેની પાછળ આગામી ચૂંટણીઓમાં વોટ બેંકને અંકે કરવાનું મોટું ગણિત છુપાયેલું છે. એક તરફ નીતિશ કુમારના ‘વિકાસ પુરુષ’ તરીકેના દરજ્જાને સ્થાપિત કરવાની કોશિશ થઈ રહી છે, તો બીજી તરફ લાલુ પ્રસાદ યાદવના ‘સામાજિક ન્યાયના મસીહા’ તરીકેના વારસાને મજબૂત કરવાની તક RJD શોધી રહ્યું છે. કેન્દ્ર સરકાર આ મામલે શું નિર્ણય લે છે તેના પર સૌની નજર ટકેલી છે, પરંતુ હાલ તો પટણાની ગલીઓથી લઈને દિલ્હી સુધી ભારત રત્નના બહાને બિહારના બે દિગ્ગજ નેતાઓના સમર્થકો આમને-સામને આવી ગયા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
