હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ટ્રમ્પની ‘ખુશામત’માં અંધ પાકિસ્તાની ચાલ: યુએસ થિંક ટેન્કે ઈસ્લામાબાદના ‘બેવડા ખેલ’ અને ઈરાન સાથેના છૂપા જોડાણનો કર્યો પર્દાફાશ
શાહબાઝ શરીફ અને જનરલ મુનીરે અમેરિકાને ભ્રમમાં રાખી મેળવ્યો ‘નોન-નાટો સાથી’નો દરજ્જો : પણ પીઠ પાછળ ઈરાન અને ચીન સાથે મળી વોશિંગ્ટન વિરુદ્ધ રચી રહ્યા છે નવું ત્રિકોણ: ગેટસ્ટોન ઇન્સ્ટિટ્યૂટના રિપોર્ટે અમેરિકાની સુરક્ષા વ્યવસ્થાને ચોંકાવી

વોશિંગ્ટન: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જેમને પાકિસ્તાનના સાચા સાથી માની રહ્યા છે, તે જ પાકિસ્તાન અમેરિકાની પીઠમાં છરો ભોંકવાની તૈયારી કરી રહ્યું હોવાનો સનસનીખેજ ખુલાસો થયો છે. ન્યૂ યોર્ક સ્થિત પ્રતિષ્ઠિત થિંક ટેન્ક 'ગેટસ્ટોન ઇન્સ્ટિટ્યૂટ'ના અહેવાલ મુજબ, પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે પોતાની ખુશામતની કળાથી ટ્રમ્પને આંધળા કરી દીધા છે. પાકિસ્તાને અમેરિકા પાસેથી 'મુખ્ય નોન-નાટો સાથી' (MNNA) નો દરજ્જો તો મેળવી લીધો, પરંતુ વાસ્તવિકતામાં તે અમેરિકાના કટ્ટર દુશ્મન ઈરાન સાથે હાથ મિલાવી રહ્યું છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાન આ વિશેષાધિકારનો ઉપયોગ અમેરિકાના હિતોને નુકસાન પહોંચાડવા અને ચીન-ઈરાન સાથે નવો વ્યૂહાત્મક ગઠજોડ બનાવવા માટે કરી રહ્યું છે.
આ અહેવાલનો સૌથી ચોંકાવનારો મુદ્દો જૂન 2025ના યુદ્ધ સમયનો પાકિસ્તાની વ્યવહાર છે. જ્યારે ઈઝરાયેલ અને અમેરિકા ઈરાન સામે લડી રહ્યા હતા, ત્યારે પાકિસ્તાને પોતાની તમામ આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્ધતાઓને નેવે મૂકીને ઈરાનને બિનશરતી સમર્થન આપ્યું હતું. એટલું જ નહીં, યુદ્ધ વિરામ બાદ ઈરાની રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને પોતાની પ્રથમ વિદેશ મુલાકાત માટે પાકિસ્તાનને પસંદ કર્યું, જે વોશિંગ્ટન માટે કોઈ રાજદ્વારી થપ્પડથી ઓછું નહોતું. પાકિસ્તાન હવે ઈરાનને CPEC (ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર)માં સામેલ કરવાના પ્રયાસો કરી રહ્યું છે, જે એશિયામાં અમેરિકાના પ્રભાવને ખતમ કરવાનું ચીની ષડયંત્ર હોવાનું મનાય છે.
રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે પાકિસ્તાનની વિચારધારા મૂળભૂત રીતે અમેરિકા અને ઈઝરાયેલ વિરોધી છે. ગાઝા મુદ્દે પાકિસ્તાનનું વલણ અમેરિકાની વિદેશ નીતિથી તદ્દન વિપરીત રહ્યું છે, છતાં ટ્રમ્પ પ્રશાસન તેને છૂટછાટ આપી રહ્યું છે. પાકિસ્તાન અને ઈરાન વચ્ચેનો વેપાર 10 બિલિયન ડોલર સુધી લઈ જવાનો લક્ષ્યાંક સાબિત કરે છે કે ઈસ્લામાબાદ અમેરિકાના આર્થિક પ્રતિબંધોની પણ પરવા કરતું નથી. રક્ષણ નિષ્ણાતો હવે ટ્રમ્પ સરકારને પાકિસ્તાનનો 'નોન-નાટો સાથી' દરજ્જો તાત્કાલિક પાછો ખેંચવાની સલાહ આપી રહ્યા છે, નહીંતર પાકિસ્તાન અમેરિકા માટે ભવિષ્યમાં સૌથી મોટું સુરક્ષા જોખમ સાબિત થઈ શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
