News of Saturday, 10th January 2026
ઝારખંડ બન્યું ‘મિની આઈસલેન્ડ’: ખુંટીમાં પારો 1.4 ડિગ્રીએ પહોંચતા શિમલા પણ પડ્યું પાછળ : 8 જિલ્લામાં યલો એલર્ટ
ઉત્તર-પશ્ચિમના બરફીલા પવનોએ ઝારખંડને ધ્રુજાવી દીધું : રાંચી, ગુમલા અને ખુંટીમાં કાતિલ શીત લહેરનો કહેર : આગામી 48 કલાક રાજ્ય માટે ભારે હોવાની હવામાન વિભાગની ચેતવણી

રાંચી: ઝારખંડમાં આ વર્ષે શિયાળો તેની તમામ મર્યાદાઓ વટાવી રહ્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં તાપમાનનો પારો એટલી હદે ગગડ્યો છે કે પહાડી મથક શિમલા કરતા પણ વધુ ઠંડી અહીં અનુભવાઈ રહી છે. ખુંટી જિલ્લો અત્યારે રાજ્યનું સૌથી ઠંડું સ્થળ બન્યું છે, જ્યાં લઘુત્તમ તાપમાન 1.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાતા લોકો ધ્રૂજી ઉઠ્યા છે. ડાલ્ટનગંજમાં 3.5 ડિગ્રી અને રાજધાની રાંચીમાં 6.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ઉત્તર તરફથી આવતા બરફીલા પવનોને કારણે ઝારખંડના 8 જિલ્લાઓમાં પારો 10 ડિગ્રીની નીચે સરકી ગયો છે, જેના કારણે જનજીવન પર ગંભીર અસર પડી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઝારખંડમાં અત્યારે ઉત્તર-પશ્ચિમથી ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, જેને પરિણામે શીત લહેર ની સ્થિતિ સર્જાઈ છે. રાંચી હવામાન કેન્દ્રના નાયબ નિયામક અભિષેક આનંદે ગુમલા, રાંચી અને ખુંટી સહિતના વિસ્તારો માટે 'યલો એલર્ટ' જાહેર કર્યું છે. રવિવાર સવાર સુધી આ વિસ્તારોમાં કાતિલ ઠંડીનો પ્રકોપ જારી રહેવાની સંભાવના છે. કડકડતી ઠંડીની સાથે ગાઢ ધુમ્મસને કારણે સવારના સમયે વાહનવ્યવહાર પર પણ માઠી અસર થઈ રહી છે, જેના કારણે પ્રશાસને લોકોને મોડી રાત્રે અને વહેલી સવારે બિનજરૂરી બહાર ન નીકળવા સલાહ આપી છે.
આગામી 48 કલાક ઝારખંડ માટે ખૂબ જ પડકારજનક સાબિત થઈ શકે છે. જોકે, હવામાન વિભાગે એવી આશા વ્યક્ત કરી છે કે બે-ત્રણ દિવસ પછી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો નજીવો વધારો થઈ શકે છે, પરંતુ ત્યાં સુધી શીત લહેર અને ધુમ્મસનો સામનો કરવો પડશે. બોકારો, લોહરદગા અને પાકુર જેવા જિલ્લાઓમાં પણ ઠંડીએ રેકોર્ડ તોડ્યા છે. ગરીબ અને નિરાધાર લોકો માટે ઠેર-ઠેર તાપણાંની વ્યવસ્થા કરવામાં આવી રહી છે, તેમ છતાં પારો સતત નીચો જતો હોવાથી રાજ્યમાં કુદરતી આફત જેવી સ્થિતિ જોવા મળી રહી છે.
(9:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
