News of Saturday, 10th January 2026
કોરિયન સરહદ પર ‘ડ્રોન વોર’: કિમ જોંગ ઉને દક્ષિણ કોરિયાનું જાસૂસી ડ્રોન તોડી પાડ્યું : પરમાણુ સંપન્ન દેશની સીધી યુદ્ધની ધમકી
પ્યોંગયાંગના આકાશમાં ઘૂસણખોરી કરતા ડ્રોનને તોડી પાડી ઉત્તર કોરિયાએ પુરાવા રજૂ કર્યા : કેસોંગ શહેર પાસે સર્વેલન્સ સાધનો સાથેનું વિમાન મળતા તણાવ ચરમસીમાએ, સિઓલે આરોપો નકારતા રાષ્ટ્રપતિ લી જે-મ્યુંગે તપાસના આદેશ આપ્યા

પ્યોંગયાંગ: એશિયાના બે કટ્ટર દુશ્મન દેશો ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચે ફરી એકવાર સૈન્ય સંઘર્ષની સ્થિતિ સર્જાઈ છે. ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉનની સેનાએ દાવો કર્યો છે કે તેમણે તેમના હવાઈ ક્ષેત્રમાં જાસૂસી કરી રહેલા દક્ષિણ કોરિયાના એક અત્યાધુનિક ડ્રોનને તોડી પાડ્યું છે. સત્તાવાર ન્યૂઝ એજન્સી KCNA ના અહેવાલ મુજબ, આ ડ્રોન સરહદી કાઉન્ટી ગેંગવોન પરથી ઉડીને ઉત્તર કોરિયાના વ્યૂહાત્મક સ્થાપનોની તસવીરો લઈ રહ્યું હતું, જેને કેસોંગ શહેર નજીક તોડી પાડવામાં આવ્યું છે. આ ઘટનાએ ૨૦૨૬ના પ્રારંભમાં જ વૈશ્વિક રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે, કારણ કે ઉત્તર કોરિયાએ તેને પોતાની સાર્વભૌમત્વ પરનો સીધો હુમલો ગણાવ્યો છે.
ઉત્તર કોરિયાના લશ્કરી પ્રવક્તાએ આકરા શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે, જો દક્ષિણ કોરિયા આવી ઉશ્કેરણીજનક જાસૂસી પ્રવૃત્તિઓ ચાલુ રાખશે, તો તેણે તેની ‘ભારે કિંમત’ ચૂકવવી પડશે. ડ્રોનના કાટમાળના વિશ્લેષણ બાદ પ્યોંગયાંગે દાવો કર્યો છે કે ડ્રોનમાં રહેલા ફૂટેજ સાબિત કરે છે કે તે ઉત્તર કોરિયાના ગુપ્ત લશ્કરી અડ્ડાઓની જાસૂસી કરવા માટે જ મોકલવામાં આવ્યું હતું. આ પહેલા સપ્ટેમ્બરમાં પણ આવી જ ઘૂસણખોરી થઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જોકે, દક્ષિણ કોરિયાના સંરક્ષણ પ્રધાન આહ્ન ગ્યુ-બાકે આ આરોપોને ફગાવી દેતા કહ્યું છે કે તોડી પાડવામાં આવેલું ડ્રોન મોડેલ દક્ષિણ કોરિયન સૈન્યનું નથી, જે બાબતે રહસ્ય વધુ ઘેરું બન્યું છે.
બીજી તરફ, દક્ષિણ કોરિયામાં રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. રાષ્ટ્રપતિ લી જે-મ્યુંગે આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. નોંધનીય છે કે ૨૦૨૪ના અંતમાં પણ ડ્રોન ઉડાવવાની ઘટનાઓને લઈને દક્ષિણ કોરિયામાં આંતરિક વિવાદ સર્જાયો હતો, જેમાં તત્કાલીન રાષ્ટ્રપતિ યૂન સુક-યોલ પર માર્શલ લો લાદવા માટે આ ઘટનાઓનો દુરુપયોગ કરવાનો આરોપ લાગ્યો હતો. હાલમાં બંને દેશોની સેનાઓ સરહદ પર હાઈ-એલર્ટ પર છે. જો આ વિવાદ વકરશે તો તેની અસર માત્ર એશિયા જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની સુરક્ષા વ્યવસ્થા પર પડી શકે છે, કારણ કે બંને દેશો અત્યાધુનિક શસ્ત્રોથી સજ્જ છે.
(9:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
