હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઈરાનમાં ભભૂકી ઉઠ્યો ‘વિદ્રોહ’: આયાતુલ્લા ખામેનીના ફોટાની આગથી સિગારેટ સળગાવી મહિલાઓએ ઈસ્લામિક શાસનને ફેંક્યો ખુલ્લો પડકાર
મહસા અમીનીના મૃત્યુ બાદ શરૂ થયેલું આંદોલન હવે ‘ક્રાંતિ’માં ફેરવાયું : સર્વોચ્ચ નેતાના અપમાન બદલ મૃત્યુદંડની સજા હોવા છતાં ઈરાની યુવતીઓ રસ્તા પર ઉતરી : દમનકારી શાસન સામે જંગ છેડતા અત્યાર સુધીમાં સેંકડોના મોતની આશંકા

તેહરાન: ઈરાનના રસ્તાઓ પર અત્યારે જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે ઇસ્લામિક રિપબ્લિકના ઇતિહાસમાં સૌથી મોટો પડકાર માનવામાં આવે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક ચોંકાવનારા વીડિયોમાં ઈરાની યુવતીઓ દેશના સર્વોચ્ચ ધાર્મિક નેતા આયાતુલ્લા અલી ખામેનીના ફોટાને જાહેરમાં સળગાવતી જોવા મળે છે. એટલું જ નહીં, પરંપરાઓ અને કડક કાયદાઓને ઠોકર મારતા આ મહિલાઓ તે જ સળગતા ફોટાની જ્યોતથી સિગારેટ સળગાવી રહી છે. આ કૃત્ય માત્ર વિરોધ નથી, પરંતુ ૮૬ વર્ષીય ખામેનીના શાસન પ્રત્યેનો તીવ્ર તિરસ્કાર છે. ઈરાનમાં સર્વોચ્ચ નેતાનું ચિત્ર બાળવું એ ગંભીર ગુનો છે અને અગાઉ આ મામલે અનેક લોકોએ જીવ ગુમાવ્યા હોવા છતાં મહિલાઓ હવે મોતનો ડર છોડીને મેદાનમાં આવી છે.
આ પ્રદર્શનોની શરૂઆત ડિસેમ્બરના અંતમાં વધતી મોંઘવારી અને ખરાબ અર્થતંત્રને કારણે થઈ હતી, પરંતુ જોતજોતામાં તે વ્યક્તિગત સ્વતંત્રતા અને હિજાબ વિરોધી આંદોલનમાં ફેરવાઈ ગઈ છે. પ્રદર્શનકારીઓ હવે માત્ર સુધારાની માંગ નથી કરી રહ્યા, પરંતુ સમગ્ર ઇસ્લામિક સિસ્ટમનો અંત ઈચ્છી રહ્યા છે. તેહરાન સહિતના શહેરોમાં "ખામેનીને મોત" ના નારા ગુંજી રહ્યા છે. સરકાર દ્વારા ઈન્ટરનેટ પર પ્રતિબંધ અને કડક સૈન્ય કાર્યવાહી છતાં આ બળવો શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. માનવાધિકાર સંગઠનોના મતે હિંસામાં અત્યાર સુધીમાં અનેક લોકોના મોત થયા છે અને હજારોની અટકાયત કરવામાં આવી છે, જ્યારે તેહરાનના એક ડોક્ટરે મૃત્યુઆંક ૧૦૦૦ સુધી પહોંચ્યો હોવાનો દાવો કર્યો છે.
ઈરાનનું વહીવટીતંત્ર આ બળવાને કચડી નાખવા માટે લોખંડી હાથ અપનાવી રહ્યું છે. તેહરાનના મુખ્ય ફરિયાદીએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે સરકારી મિલકતોને નુકસાન પહોંચાડનારા અને ધાર્મિક નેતાઓનું અપમાન કરનારાઓને મૃત્યુદંડની સજા આપવામાં આવશે. અગાઉ ઓમિદ સરલાક નામના યુવકે ફોટો સળગાવ્યા બાદ તેનો મૃતદેહ કારમાંથી મળ્યો હતો, જે શાસનના ક્રૂર દમનનો પુરાવો છે. છતાં, ઈરાની મહિલાઓ જે રીતે વૈશ્વિક મંચ પર પોતાની અવાજ ઉઠાવી રહી છે તે જોતા આ 'ક્રાંતિ' જલ્દી શમે તેમ લાગતું નથી. આખી દુનિયા અત્યારે ઈરાનની બહાદુર મહિલાઓના આ અનોખા અને જોખમી વિરોધની પ્રશંસા કરી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
