જામીન સામે ‘ગુંડા એક્ટ’નું શસ્ત્ર નહીં ચાલે: સુપ્રીમ કોર્ટનો તેલંગાણા સરકારને ઝટકો, કહ્યું- “માત્ર આશંકાના આધારે કોઈની આઝાદી છીનવી શકાય નહીં”
નિવારક અટકાયત (Preventive Detention) જામીન રદ કરવાનો વિકલ્પ નથી; ‘કાયદો-વ્યવસ્થા’ અને ‘જાહેર વ્યવસ્થા’ વચ્ચેનો તફાવત સમજાવતી દેશની સર્વોચ્ચ અદાલત

નવી દિલ્હી: વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકારને સુરક્ષિત રાખતા એક ઐતિહાસિક ચુકાદામાં, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે નિવારક અટકાયત અથવા ‘ગુંડા એક્ટ’નો ઉપયોગ આરોપીને મળેલા જામીનનો લાભ રોકવા માટે કરી શકાય નહીં. તેલંગાણા હાઈકોર્ટના નિર્ણયને ઉલટાવતા જસ્ટિસ જે.કે. મહેશ્વરી અને જસ્ટિસ અતુલ એસ. ચાંદુરકરની બેન્ચે આરોપી રોશિની દેવીને તાત્કાલિક મુક્ત કરવાનો આદેશ આપ્યો છે.
શું હતો સમગ્ર મામલો?
અરજદાર રોશિની દેવી વિરુદ્ધ એનડીપીએસ (NDPS) એક્ટ હેઠળ ડ્રગ્સના ત્રણ કેસ નોંધાયા હતા. આ કેસોમાં અદાલતે તેને જામીન આપ્યા હતા, પરંતુ તેલંગાણા સરકારે તેને જેલમાંથી બહાર આવતા રોકવા માટે 'તેલંગાણા ગુંડા કાયદા (1986)' નો ઉપયોગ કરીને તેની અટકાયત કરી હતી. રાજ્ય સરકારની દલીલ હતી કે તે એક 'રીઢો ગુનેગાર' છે અને બહાર આવતા જ ફરીથી ગુના કરી શકે છે, જે જાહેર વ્યવસ્થા (Public Order) માટે ખતરો છે.
સુપ્રીમ કોર્ટની ફટકાર: “સત્તાનો દુરુપયોગ”
સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારની આ દલીલને ફગાવી દેતા તેને "સત્તાનો રંગીન ઉપયોગ" (Colorable exercise of power) ગણાવ્યો હતો. અદાલતે કહ્યું કે, માત્ર ત્રણ ગુના નોંધાયા હોય એટલે કોઈ વ્યક્તિ જાહેર વ્યવસ્થા માટે ખતરો બની જાય તેવું માની શકાય નહીં. જામીન મળ્યા પછી આરોપી ફરી ગુનો કરશે તેવી માત્ર ‘આશંકા’ નિવારક અટકાયત માટે પૂરતો આધાર નથી.
જાહેર વ્યવસ્થા વિરુદ્ધ જાહેર આરોગ્ય
ચુકાદામાં મહત્વનું અવલોકન કરતા કોર્ટે જણાવ્યું કે, જ્યાં સુધી એવા કોઈ પુરાવા ન હોય કે આરોપી દ્વારા વેચવામાં આવેલું માદક દ્રવ્ય ખરેખર જાહેર આરોગ્ય અને વ્યવસ્થા માટે મોટો જોખમ ઊભો કરી રહ્યું હતું, ત્યાં સુધી આવા કડક કાયદાનો ઉપયોગ ન્યાયસંગત નથી. અદાલતે ભારપૂર્વક કહ્યું કે "કાયદો અને વ્યવસ્થા" (Law and Order) એ સ્થાનિક સમસ્યા હોઈ શકે છે, પરંતુ "જાહેર વ્યવસ્થા" (Public Order) માં વિક્ષેપ પાડવો એ વધુ ગંભીર બાબત છે અને બંને વચ્ચે પાતળી પણ સ્પષ્ટ ભેદરેખા છે.
આ ચુકાદો દેશભરમાં નિવારક અટકાયત કાયદાના આડેધડ ઉપયોગ સામે એક મોટી ચેતવણી સમાન છે. અદાલતે સ્પષ્ટ કર્યું છે કે જો મેજિસ્ટ્રેટ અટકાયતનો આદેશ આપે છે, તો તેમણે લેખિતમાં એ સાબિત કરવું પડશે કે આરોપીના કૃત્યોથી જાહેર શાંતિમાં કેવી રીતે ખલેલ પહોંચી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
