<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th January 2026

“સેક્યુલરબાજોના મોઢે ફેવિકોલ લાગી ગયો છે!”: બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના અત્યાચાર મુદ્દે CM યોગીની જોરદાર ગર્જના; કહ્યું- ‘જાતિના નામે વહેંચાયેલા રહીશું તો બાંગ્લાદેશ જેવી દશા થશે’

પ્રયાગરાજ માઘ મેળામાં યોગી આદિત્યનાથે વિરોધ પક્ષોના ‘મૌન’ પર કર્યા આકરા પ્રહાર; સનાતનના પરચમ નીચે એક થવા યુવાનોને હાકલ, કહ્યું- ‘જેઓ આજે વિભાજન કરે છે, તેઓ ક્યારેય તમારા હિતેચ્છુ હોઈ શકે નહીં’

પ્રયાગરાજ : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે સંગમ નગરી પ્રયાગરાજમાં માઘ મેળાના પવિત્ર મંચ પરથી વિપક્ષો અને ‘તથકથિત’ સેક્યુલર નેતાઓ વિરુદ્ધ રણશિંગુ ફૂંક્યું છે. જગદગુરુ રામાનંદાચાર્ય મહારાજની 726મી જન્મજયંતિના અવસરે આયોજિત કાર્યક્રમમાં બોલતા સીએમ યોગીએ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારનો મુદ્દો ઉઠાવીને સેક્યુલરિઝમના નામે રાજનીતિ કરનારાઓ પર આકરા પ્રહારો કર્યા હતા.
બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓ વિરુદ્ધ થઈ રહેલી હિંસા પર મૌન સેવનારા નેતાઓ વિશે યોગીએ કટાક્ષમાં કહ્યું કે, "જે લોકો સેક્યુલરિઝમનો ઠેકો લઈને ફરે છે અને હિન્દુ સમાજને નબળો પાડવાની કોશિશ કરે છે, તેમનું મોઢું આજે બાંગ્લાદેશની ઘટના પર બંધ છે. લાગે છે કે કોઈએ તેમના મોઢા પર ફેવિકોલ ચિપકાવી દીધો છે અથવા ટેપ મારી દીધી છે. બાંગ્લાદેશની ઘટનાઓ પર કોઈ કેન્ડલ માર્ચ નીકળતી નથી, આ આપણા માટે પણ એક ચેતવણી છે."
 સીએમ યોગીએ ચેતવણી આપતા જણાવ્યું હતું કે જાતિ, મઝહબ કે પંથના નામે જો આપણે વહેંચાઈ જઈશું, તો તે આપણા સર્વનાશનું કારણ બનશે. તેમણે બાંગ્લાદેશનું ઉદાહરણ આપતા કહ્યું કે ત્યાં જે વિનાશ દેખાઈ રહ્યો છે તે વિભાજનનું પરિણામ છે. તેમણે ઉમેર્યું કે, "જ્યારે આપણે એક થઈશું, ત્યારે જ સનાતનનો પરચમ આખી દુનિયામાં લહેરાશે. એકવાર આપણે સંગઠિત થઈ જઈશું તો દુનિયાના કોઈપણ ખૂણે દલિત કે નબળા હિન્દુઓ પર હુમલો કરવાનું કોઈ દુસ્સાહસ નહીં કરે."
 યોગી આદિત્યનાથે રામ મંદિરનો ઉલ્લેખ કરતા કહ્યું કે જે રીતે અયોધ્યામાં ભગવાન રામ બિરાજમાન થયા છે, તે સંતોની તપસ્યા અને એકતાનું જ પરિણામ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ડબલ એન્જિન સરકાર સનાતની આસ્થાને મજબૂત કરવા માટે હંમેશા તત્પર છે. તેમણે યુવાનોને અપીલ કરી કે તેઓ વિભાજનકારી માનસિકતાને ક્યારેય સફળ ન થવા દે અને રાષ્ટ્રના નિર્માણ માટે સંગઠિત રહે. માઘ મેળામાં અત્યાર સુધીમાં એક કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ ડૂબકી લગાવી હોવાનો ઉલ્લેખ કરી તેમણે આસ્થાની શક્તિને જીવંત ગણાવી હતી.

(11:11 PM IST)