<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th January 2026

“ભારતના વડાપ્રધાન તો હંમેશા હિન્દુ જ રહેશે!”: ઓવૈસીના ‘હિજાબવાળા PM’ના નિવેદન પર હિમંતા બિસ્વા સરમાનો હુંકાર; કહ્યું- ‘બંધારણીય રીતે કોઈ પણ બની શકે, પણ ભારત એક હિન્દુ રાષ્ટ્ર છે’

મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ઓવૈસીએ જગાડ્યો નવો વિવાદ; આસામના CM એ આપ્યો જડબાતોડ જવાબ, કહ્યું- ‘હિન્દુ સભ્યતાના કારણે દેશનું નેતૃત્વ હિન્દુના હાથમાં જ રહેશે’

સોલાપુર :દેશમાં વડાપ્રધાનના પદને લઈને ફરી એકવાર રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ મહારાષ્ટ્રના સોલાપુરમાં એક ચૂંટણી રેલી દરમિયાન આપેલા નિવેદન બાદ આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ તેના પર આકરો વળતો પ્રહાર કર્યો છે. હિમંતા બિસ્વા સરમાએ સ્પષ્ટ શબ્દોમાં દાવો કર્યો છે કે ભારત એક હિન્દુ સંસ્કૃતિ ધરાવતો દેશ હોવાથી અહીં વડાપ્રધાન હંમેશા હિન્દુ જ રહેશે.
 ઓવૈસીએ સોલાપુરમાં જનસભાને સંબોધતા કહ્યું હતું કે, "મારું સપનું છે કે એક દિવસ હિજાબ પહેરેલી દીકરી ભારતની વડાપ્રધાન બને." તેમણે ભારતીય બંધારણના વખાણ કરતા ઉમેર્યું કે ડૉ. બાબાસાહેબ આંબેડકરના બંધારણમાં દરેક સમુદાયને સમાન દરજ્જો છે. પાકિસ્તાનમાં બિન-મુસ્લિમ વડાપ્રધાન નથી બની શકતા, પણ ભારતમાં કોઈ પણ વ્યક્તિ વડાપ્રધાન, મુખ્યમંત્રી કે મેયર બની શકે છે.
ઓવૈસીના આ નિવેદન પર પ્રતિક્રિયા આપતા આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે, "બંધારણીય રીતે ભારતનો વડાપ્રધાન કોઈ પણ બની શકે છે, તેમાં કોઈ રોક નથી. પરંતુ ભારત એક હિન્દુ રાષ્ટ્ર છે અને હિન્દુ સભ્યતા છે. મને પૂરો ભરોસો છે કે ભારતનો વડાપ્રધાન હંમેશા હિન્દુ જ રહેશે." સરમાએ ભારતને માત્ર એક રાજકીય એકમ નહીં પણ એક પ્રાચીન સભ્યતા તરીકે ઓળખાવી આ નિવેદન આપ્યું હતું.
 “પહેલા પોતાની પાર્ટીમાં હિજાબવાળા પ્રમુખ બનાવો”: ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ પણ આ મામલે ઓવૈસીને ઘેરતા કહ્યું કે, વડાપ્રધાન બનવા માટે પહેલા વોટ જીતવા પડે છે. તેમણે ઓવૈસીને પડકાર ફેંક્યો કે જો તેઓ ખરેખર મહિલા સશક્તિકરણ કે હિજાબની તરફેણ કરતા હોય, તો પહેલા તેમની પોતાની પાર્ટી AIMIM ના પ્રમુખ તરીકે કોઈ હિજાબ પહેરતી મહિલા કે પસમાંદા મુસ્લિમને કેમ નિયુક્ત કરતા નથી? મહારાષ્ટ્રમાં આગામી 15 જાન્યુઆરીએ થનારી મહાનગરપાલિકાની ચૂંટણીઓ પહેલા આ ‘PM’ પદના વિવાદે કોમી રાજકારણમાં નવો વળાંક આપ્યો છે.


 

(11:13 PM IST)