<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th January 2026

ગવર્નન્સનું ગોલ્ડન જ્યુબિલી સીમાચિહ્ન: PM મોદીના ‘PRAGATI’ પ્લેટફોર્મની 50 મી બેઠક સફળ, વર્ષોથી અટકેલો 6,000 કરોડનો ગેસ પાઈપલાઈન પ્રોજેક્ટ થયો સાકાર

સ્વચ્છ ઉર્જાના ક્ષેત્રે દક્ષિણ ભારતની કાયાપલટ; વડાપ્રધાનની સીધી દેખરેખ હેઠળ એન્નોર-તુતીકોરીન પાઈપલાઈનનું કાર્ય પૂર્ણ, 1400 કિમી લાંબુ નેટવર્ક ઉદ્યોગો અને ઘરો સુધી પહોંચાડશે કુદરતી ગેસ

નવી દિલ્હી: પ્રો-એક્ટિવ ગવર્નન્સ અને સમયસર અમલીકરણ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા 'પ્રગતિ' (PRAGATI) પ્લેટફોર્મે આજે તેની 50મી બેઠક સાથે એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. વર્ષ 2015માં શરૂ થયેલા આ ડિજિટલ પ્લેટફોર્મે ભારતના જટિલ માળખાકીય પ્રોજેક્ટ્સને ગતિ આપવાનું કામ કર્યું છે. આ સફળતાના સૌથી મોટા ઉદાહરણ તરીકે રૂ. 6,000 કરોડના ખર્ચે તૈયાર થયેલ 'ETBPNMTPL' નેચરલ ગેસ પાઈપલાઈન પ્રોજેક્ટ ઉભરી આવ્યો છે.

અટકેલા પ્રોજેક્ટને મળી નવી સંજીવની

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા અમલમાં મૂકાયેલ એન્નોર-થિરુવલ્લુર-બેંગલુરુ-પુડુચેરી-નાગપટ્ટીનમ-મદુરાઈ-તુતીકોરીન (ETBPNMTPL) પ્રોજેક્ટ દક્ષિણ ભારતના વિકાસ માટે કરોડરજ્જુ સમાન છે. મે 2016માં આ પ્રોજેક્ટને મંજૂરી મળી હતી, પરંતુ જમીન સંપાદન અને વન વિભાગની મંજૂરીઓ જેવા કારણોસર ઓગસ્ટ 2018 સુધી માત્ર 17.4 ટકા કામ જ થઈ શક્યું હતું. પ્રોજેક્ટ જ્યારે વિલંબના ખાડામાં હતો, ત્યારે પ્રધાનમંત્રીએ પોતે 'પ્રગતિ' પ્લેટફોર્મ દ્વારા તેની સમીક્ષા હાથ ધરી હતી.

1400 કિમીનું નેટવર્ક: ઉર્જાનો નવો પથ

વડાપ્રધાનની કડક દેખરેખ અને કેન્દ્ર-રાજ્ય વચ્ચેના સીધા સંવાદને કારણે વર્ષોથી પડતર મુદ્દાઓ ઉકેલાયા અને પ્રોજેક્ટની કામગીરીમાં તેજી આવી. આશરે 1,400 કિમી લાંબી આ ટ્રંકલાઇન 25 સપ્ટેમ્બર 2023ના રોજ કાર્યરત કરવામાં આવી હતી. આ પાઈપલાઈન હવે તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને પુડુચેરીના અનેક જિલ્લાઓમાં ઉદ્યોગોને ઈંધણ પૂરું પાડશે અને હજારો ઘરોમાં પાઈપલાઈન દ્વારા રાંધણ ગેસ (PNG) પહોંચાડવામાં મદદરૂપ થશે.

સહકારી સંઘવાદનું શ્રેષ્ઠ ઉદાહરણ

પ્રગતિ પ્લેટફોર્મે સાબિત કર્યું છે કે જ્યારે કેન્દ્ર અને રાજ્યો એક ડિજિટલ ઇન્ટરફેસ પર સાથે આવે છે, ત્યારે જટિલ મંજૂરીઓ પણ ઝડપથી મળી શકે છે. દરરોજ 84.67 મિલિયન મેટ્રિક સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર ગેસ વહન કરવાની ક્ષમતા ધરાવતો આ પ્રોજેક્ટ દક્ષિણ ભારતમાં સ્વચ્છ ઉર્જા લોજિસ્ટિક્સ માટે વરદાન સાબિત થશે. પ્રગતિના આ 50માં સીમાચિહ્ને દેશના વહીવટીતંત્રમાં જવાબદારી અને પારદર્શિતાની નવી સંસ્કૃતિ સ્થાપિત કરી છે.

(10:10 PM IST)