<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th January 2026

રેલવે મુસાફરો માટે મોટા સમાચાર: ‘વંદે ભારત સ્લીપર’માં હવે નો વેઇટિંગ, નો RAC! કન્ફર્મ ટિકિટ હશે તો જ મળશે એન્ટ્રી; જાણો શું છે નવું ભાડું માળખું

400 કિમીનું લઘુત્તમ ભાડું અને GST સાથે પ્રીમિયમ મુસાફરીનો અનુભવ; રેલવે બોર્ડે જાહેર કરી નવી ગાઇડલાઇન, મહિલાઓ અને સિનિયર સિટિઝન્સ માટે લોઅર બર્થમાં મળશે પ્રાથમિકતા

ચક્રધરપુર : ભારતીય રેલવે દેશની પ્રથમ ‘વંદે ભારત સ્લીપર’ એક્સપ્રેસ શરૂ કરીને મુસાફરીના ઇતિહાસમાં એક નવું પ્રકરણ લખવા જઈ રહી છે. રેલવે બોર્ડના પેસેન્જર માર્કેટિંગ કોઓર્ડિનેશન વિભાગ દ્વારા આ ટ્રેન માટેના ખાસ નિયમો અને ભાડાનું માળખું જાહેર કરવામાં આવ્યું છે. આ ટ્રેન માત્ર ઝડપી જ નહીં, પણ તેના બુકિંગના નિયમો પણ અન્ય ટ્રેનો કરતા સાવ અલગ હશે.
 વંદે ભારત સ્લીપર ટ્રેનની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં કોઈ વેઇટિંગ લિસ્ટ કે RAC (Reservation Against Cancellation) સિસ્ટમ રાખવામાં આવી નથી. આનો સીધો અર્થ એ છે કે જો સીટ કન્ફર્મ હશે તો જ તમારી ટિકિટ બુક થશે. રેલવેનો હેતુ મુસાફરોને ગીરદીમુક્ત અને આરામદાયક મુસાફરી આપવાનો છે, જેથી ટ્રેનની અંદર બિનજરૂરી ભીડ ન થાય.
 રેલવે બોર્ડના જણાવ્યા મુજબ, વંદે ભારત સ્લીપર માટે લઘુત્તમ ભાડું 400 કિમીના અંતરનું વસૂલવામાં આવશે. એટલે કે જો કોઈ મુસાફર 100 કે 200 કિમીની મુસાફરી કરશે, તો પણ તેણે ઓછામાં ઓછું 400 કિમીનું ભાડું ચૂકવવું પડશે. આ ઉપરાંત, ટિકિટના ભાડામાં GST પણ ઉમેરવામાં આવશે. આ નિયમથી ટ્રેન લાંબા અંતરના મુસાફરો માટે વધુ અનુકૂળ રહેશે.
 આ પ્રીમિયમ ટ્રેનમાં મર્યાદિત ક્વોટા જ રાખવામાં આવ્યા છે, જેમાં મહિલા ક્વોટા, વરિષ્ઠ નાગરિક ક્વોટા અને દિવ્યાંગ ક્વોટાનો સમાવેશ થાય છે. રેલવેએ ખાસ સૂચના આપી છે કે જો નીચલી બર્થ  ખાલી હશે, તો 60 વર્ષથી વધુ ઉંમરના પુરુષો, 45 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ અને નાના બાળકો સાથેની માતાઓને સૌથી પહેલા ફાળવવામાં આવશે.
રેલવેએ મુસાફરોને ડિજિટલ પેમેન્ટ કરવા માટે પ્રોત્સાહિત કર્યા છે. જો તમે ટિકિટ રદ કરો છો અને ડિજિટલ પેમેન્ટ કરેલું હશે, તો રિફંડની પ્રક્રિયા માત્ર 24 કલાકની અંદર શરૂ કરી દેવામાં આવશે. કાઉન્ટર પર પણ ડિજિટલ ટ્રાન્ઝેક્શનને જ પ્રાથમિકતા આપવામાં આવશે. આધુનિક સુવિધાઓ, બાયો-વેક્યૂમ ટોઇલેટ્સ, એન્ટી-વાયરલ પેઇન્ટ અને અવાજ મુક્ત કોચ સાથેની આ ટ્રેન ભારતની મુસાફરીને વિશ્વસ્તરીય બનાવશે.

(11:10 PM IST)