News of Sunday, 11th January 2026
ભક્તિ, શક્તિ અને સેવાનો અદભૂત ત્રિવેણી સંગમ: જયપુરની ઘાટગેટ પોલીસ લાઇન ‘મહાદેવ’ના નાદ અને પોષ બડાના સ્વાદથી ગુંજી ઉઠી
નવનિયુક્ત ૧૪૦૦ પોલીસ જવાનોએ ખાખીના શપથ સાથે મેળવ્યા ભગવાનના આશીર્વાદ; ૩૫૦૦થી વધુ લોકોએ પ્રસાદ ગ્રહણ કરી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું

જયપુર, તા. ૧૦: જયપુરના ઘાટગેટ સ્થિત પોલીસ ટેલિકોમ્યુનિકેશન લાઇન્સમાં આજે એક એવો નજારો જોવા મળ્યો જ્યાં વહીવટી શિસ્ત અને અતૂટ શ્રદ્ધાનો સંગમ થયો હતો. શનિવારના પવિત્ર દિવસે સંચરેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં આયોજિત 'વિશાળ પોષ બડા મહોત્સવ'માં ભક્તિનો રંગ એવો તે જામ્યો કે આખું સંકુલ ઉત્સવમય બની ગયું હતું. આ કાર્યક્રમ માત્ર ધાર્મિક ન રહેતા સામાજિક એકતા અને નવી શરૂઆતનું પ્રતીક બની રહ્યો હતો.
આ પ્રસંગની વિશેષતા એ હતી કે, ગૃહ અને સહકાર મંત્રી શાહ દ્વારા નિમણૂક પત્રો મેળવ્યા બાદ તરત જ ૧૪૦૦ જેટલા નવનિયુક્ત કોન્સ્ટેબલો આ આયોજનમાં સહભાગી થયા હતા. પોતાના કરિયરની શરૂઆત કરતા પહેલા આ યુવા જવાનોએ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવી પ્રસાદ ગ્રહણ કર્યો હતો. આ દ્રશ્ય જોઈને એવું લાગતું હતું કે જાણે ખાખીની નવી પેઢી સેવાની સાથે સંસ્કારોનું ભાથું લઈને મેદાનમાં ઉતરી રહી છે.
કાર્યક્રમનું વિધિવત ઉદ્ઘાટન અધિક પોલીસ મહાનિર્દેશક (સાયબર ક્રાઈમ) વી.કે. સિંહ, ડાયરેક્ટર દૌલતરામ અટલ અને એસપી ડૉ. હેમરાજ મીણા જેવા વરિષ્ઠ અધિકારીઓએ કર્યું હતું. ઉચ્ચ અધિકારીઓ અને સામાન્ય કર્મચારીઓએ એકસાથે પંગતમાં બેસીને પ્રસાદ લેતા જોઈને વિભાગની મજબૂત એકતાના દર્શન થયા હતા.
માત્ર પોલીસ જવાનો જ નહીં, પરંતુ તેમના પરિવારો અને આસપાસના સ્થાનિક નાગરિકો મળીને કુલ ૩૫૦૦થી વધુ લોકોએ ગરમાગરમ પોષ બડાનો પ્રસાદ ગ્રહણ કર્યો હતો. સંચરેશ્વર મહાદેવના મંત્રોચ્ચાર, ભક્તિના ગીતો અને પોલીસ વિભાગની શિસ્તબદ્ધ વ્યવસ્થાએ આ કાર્યક્રમને યાદગાર બનાવી દીધો હતો. વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આવા આયોજનોથી કર્મચારીઓમાં માનસિક શાંતિ અને એકબીજા પ્રત્યે સૌહાર્દની ભાવના વધે છે.
(12:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
