<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th January 2026

ઈરાનમાં ભયંકર ગૃહયુદ્ધની સ્થિતિ: ખામનેઈ દ્વારા ક્રાંતિ દબાવવા લશ્કરને આદેશ: વિદ્રોહને કચડી નાખવા માટે રેવોલ્યુશનરી ગાર્ડ્સને છૂટો દોર: અમેરિકાની પણ વળતી ગંભીર ચેતવણી

ઈરાની સુરક્ષા દળો અને દેખાવકારો વચ્ચે ઠેર-ઠેર હિંસક અથડામણો: ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામનેઈએ પોલીસ અને સેનાને બાજુ પર રાખીને ઈસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સને પરિસ્થિતિ કાબૂમાં લેવા છુટ્ટો દોર આપ્યો : ઈરાને બાહ્ય ખતરાઓને પહોંચી વળવા માટે તેના ભૂગર્ભમાં આવેલા "મિસાઈલ સિટીઝ" ને સક્રિય કરી દીધા છે: તો સુરક્ષા દળોના કેટલાક જવાનોએ પ્રજા પર ગોળીબાર કરવાનો ઈનકાર કરી દીધો છે*

ઈરાનમાં સરકાર સામેના વિરોધ પ્રદર્શનોએ હવે ઉગ્ર વિદ્રોહનું સ્વરૂપ ધારણ કર્યું છે. ઈન્ટરનેટ સેવાઓ ઠપ કરી દેવામાં આવી છે અને અત્યાર સુધીમાં સત્તાવાર ૬૫થી વધુ દેખાવકારોના મોત થયા હોવાના અહેવાલ છે. તો આ આંકડો બિન સત્તાવાર ઘણો મોટો થવા જાય છે. સુપ્રીમ લીડર ખામનેઈએ વિદ્રોહને કચડી નાખવા માટે રેવોલ્યુશનરી ગાર્ડ્સને છૂટો દોર આપ્યો છે, જ્યારે અમેરિકાએ પણ લશ્કરી કાર્યવાહીની ચીમકી ઉચ્ચારી છે.

 

વિવિધ આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈરાનમાં આંતરિક સુરક્ષાની સ્થિતિ યુદ્ધના સમય કરતાં પણ વધુ ગંભીર સ્તરે પહોંચી ગઈ છે. છેલ્લા બે અઠવાડિયાથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો હવે રાજધાની તેહરાન ઉપરાંત કરમાન અને અન્ય શહેરોમાં પણ ફેલાઈ ગયા છે. 

 

ફોક્સ ન્યૂઝ અને અન્ય અહેવાલો મુજબ, ઈરાની સુરક્ષા દળો અને દેખાવકારો વચ્ચે ઠેર-ઠેર હિંસક અથડામણો થઈ રહી છે. ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામનેઈએ પોલીસ અને સેનાને બાજુ પર રાખીને ઈસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઈઆરજીસી) ને પરિસ્થિતિ કાબૂમાં લેવા આદેશ આપ્યો છે. 

 

એવું માનવામાં આવે છે કે ખામનેઈએ પોતાનું નસીબ હવે સંપૂર્ણપણે આ ગાર્ડ્સના હાથમાં સોંપી દીધું છે.

 

બીજી તરફ, દેખાવકારો દ્વારા "ડિક્ટેટર (તાનાશાહ) ને મોત" ના નારા લગાવવામાં આવી રહ્યા છે અને દેશભરમાંથી ઈરાનના ભૂતપૂર્વ શાસક પરિવારના વંશજ રેઝા પહેલવીને પરત ફરવા માટેની માંગણીઓ ઉઠી રહી છે. માનવ અધિકાર જૂથોના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં ૫૧ થી લઈને ૬૫ જેટલા લોકોના મોત થયા હોવાની આશંકા છે, પરંતુ સાચો આંકડો આનાથી અનેકગણો વધારે હોઈ શકે છે. સરકારે દેખાવકારો વચ્ચેનો સંપર્ક તોડવા અને ક્રેકડાઉનની વિગતો બહાર ન જાય તે માટે દેશમાં લગભગ સંપૂર્ણ ઈન્ટરનેટ બ્લેકઆઉટ લાદી દીધો છે.

 

આ સ્થિતિ વચ્ચે, અમેરિકાના રાષ્ટ્રપતિ અને હાલના પ્રભાવશાળી નેતા ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી છે કે જો પ્રદર્શનકારીઓની સામૂહિક હત્યા કરવામાં આવશે તો અમેરિકા લશ્કરી કાર્યવાહી કરી શકે છે. અહેવાલો મુજબ, ખામનેઈએ આ ધમકીનો જવાબ આપતા કહ્યું છે કે ભલે તેહરાન ઉપર બી-૫૨ બોમ્બર્સ ઉડતા હોય તો પણ તેઓ શહેર છોડીને જશે નહીં. 

 

વધુમાં, ઈરાને બાહ્ય ખતરાઓને પહોંચી વળવા માટે તેના ભૂગર્ભમાં આવેલા "મિસાઈલ સિટીઝ" ને સક્રિય કરી દીધા છે. કેટલાક અહેવાલો એવું પણ સૂચવે છે કે સુરક્ષા દળોના કેટલાક જવાનોએ પ્રજા પર ગોળીબાર કરવાનો ઈનકાર કરી દીધો છે, જેમને હવે આઈઆરજીસી દ્વારા ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે.

(10:17 AM IST)