News of Sunday, 11th January 2026
કોલંબિયામાં વિમાન દુર્ઘટના: લોકપ્રિય ગાયક યેઇસન જિમેનેઝ સહિત ૬ લોકોના મોત, સંગીત જગતમાં શોકનું મોજું
દુર્ઘટનામાં ગાયક ઉપરાંત તેમના મેનેજર જેફરસન ઓસોરિયો અને પાયલટ સહિત અડધો ડઝન લોકોએ જીવ ગુમાવ્યા: જિમેનેઝની ઉંમર માત્ર ૩૪ વર્ષ હતી

કોલંબિયાના બોયાકા પ્રાંતમાં શનિવારે બપોરે એક ખાનગી વિમાન તૂટી પડતાં કોલંબિયાના પ્રખ્યાત ગાયક યેઇસન જિમેનેઝનું કરૂણ મોત નીપજ્યું છે. આ દુર્ઘટનામાં ગાયક ઉપરાંત તેમના મેનેજર જેફરસન ઓસોરિયો અને પાયલટ સહિત કુલ ૬ લોકોએ જીવ ગુમાવ્યા છે. જિમેનેઝની ઉંમર માત્ર ૩૪ વર્ષ હતી અને તેમના નિધનથી લેટિન અમેરિકન સંગીત જગતમાં ભારે શોક ફેલાયો છે.
પ્રાપ્ત સત્તાવાર વિગતો મુજબ, શનિવારે બપોરે અંદાજે ૩ વાગ્યે બોયાકાના પાઈપા અને ડુઈટામા વચ્ચેના વિસ્તારમાં આ દુર્ઘટના બની હતી. ગાયક યેઇસન જિમેનેઝ અને તેમની ટીમ એક ખાનગી ચાર્ટર વિમાનમાં (રજીસ્ટ્રેશન નંબર: એન-૩૨૫-એફએ) સવાર થઈને મેડેલિન જઈ રહ્યા હતા, જ્યાંથી તેઓ એક કાર્યક્રમ માટે મેરીનિલા જવાના હતા.
પ્રત્યક્ષદર્શીઓ અને પ્રાથમિક તપાસ મુજબ, વિમાને ટેક-ઓફ કર્યા બાદ ઊંચાઈ પ્રાપ્ત કરવામાં મુશ્કેલી અનુભવી હતી અને રનવેના છેડા નજીક જ તૂટી પડ્યું હતું. વિમાન જમીન પર પટકાતા જ તેમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેના કારણે વિમાનમાં સવાર તમામ ૬ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
યેઇસન જિમેનેઝ કોલંબિયાના અત્યંત લોકપ્રિય સંગીત કલાકાર હતા અને યુટ્યુબ પર તેમના લાખો ફોલોઅર્સ હતા. તેમના મૃત્યુના થોડા સમય પહેલા જ તેમણે સોશિયલ મીડિયા પર પોતાના પરફોર્મન્સનો એક વીડિયો શેર કર્યો હતો. કોલંબિયાના નાગરિક ઉડ્ડયન સત્તામંડળે આ ઘટનાની પુષ્ટિ કરી છે અને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસના આદેશો આપ્યા છે.
(10:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
