<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th January 2026

અમેરિકા: પ્રમુખ ટ્રમ્પે વેનેઝુએલાની ઓઇલ આવકને સુરક્ષિત કરવા 'નેશનલ ઇમરજન્સી' જાહેર કરી

આ આદેશનો મુખ્ય ઉદ્દેશ્ય અમેરિકન બેંકોમાં જમા થયેલા વેનેઝુએલાના ભંડોળને લેણદારો, ખાનગી કંપનીઓ અથવા કાનૂની જપ્તીથી બચાવવાનો છે.

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક મહત્વપૂર્ણ એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરીને વેનેઝુએલાના તેલ વેચાણથી થતી આવકને સુરક્ષિત કરવા માટે 'નેશનલ ઇમરજન્સી' (રાષ્ટ્રીય કટોકટી) જાહેર કરી છે. આ આદેશનો મુખ્ય ઉદ્દેશ્ય અમેરિકન બેંકોમાં જમા થયેલા વેનેઝુએલાના ભંડોળને લેણદારો, ખાનગી કંપનીઓ અથવા કાનૂની જપ્તીથી બચાવવાનો છે, જેથી તે રકમનો ઉપયોગ વેનેઝુએલામાં સ્થિરતા લાવવા માટે થઈ શકે.

 

વ્હાઇટ હાઉસ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ, આ એક્ઝિક્યુટિવ ઓર્ડર અમેરિકામાં રહેલા વેનેઝુએલાના સરકારી ભંડોળ સામેની કોઈપણ પ્રકારની કાનૂની કાર્યવાહી, જપ્તી અથવા દાવાઓ પર પ્રતિબંધ મૂકે છે. ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે જો આ ભંડોળને કોર્ટ કેસ કે લેણદારો દ્વારા જપ્ત થવા દેવામાં આવે, તો વેનેઝુએલામાં આર્થિક અને રાજકીય સ્થિરતા લાવવાના અમેરિકાના પ્રયાસોને મોટો ફટકો પડી શકે છે. આ ઓર્ડર મુજબ, તેલની આવકને વેનેઝુએલાની સાર્વભૌમ સંપત્તિ ગણવામાં આવશે અને તેને સરકારી તથા રાજદ્વારી હેતુઓ માટે જ સુરક્ષિત રાખવામાં આવશે.

 

ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી ૨૦૨૬ની શરૂઆતમાં જ અમેરિકન દળો દ્વારા વેનેઝુએલાના નેતા નિકોલસ માદુરોની ધરપકડ બાદ ત્યાંની રાજકીય પરિસ્થિતિ અત્યંત નાજુક છે. પ્રમુખ ટ્રમ્પનું વહીવટીતંત્ર ઈચ્છે છે કે આ ઓઇલ રેવન્યુનો ઉપયોગ વેનેઝુએલામાં શાંતિ અને નવી વ્યવસ્થા સ્થાપવા માટે થાય, નહીં કે જૂના દેવાની ભરપાઈ કરવામાં. આ નિર્ણયથી અમેરિકન ઓઇલ કંપનીઓ અને રોકાણકારોને પણ આશ્વાસન આપવામાં આવ્યું છે કે ભવિષ્યમાં વેનેઝુએલાના ઓઇલ સેક્ટરમાં થતું રોકાણ સુરક્ષિત રહેશે.

(10:42 AM IST)