News of Sunday, 11th January 2026
કાળમુખું ધુમ્મસ હાઇવે પર મોત બની ત્રાટક્યું: પટનામાં કન્ટેનર-સ્કોર્પિયો-ક્રેટા વચ્ચે ગોઝારો ટ્રિપલ અકસ્માત, લાડકવાઈ દીકરી અને પિતાનો જીવ છીનવાયો
બખ્તિયારપુર-મોકામા ફોરલેન પર વિઝિબિલિટી ઝીરો થતાં ઉભેલા કન્ટેનર પાછળ કારોનો કચ્ચરઘાણ વળી ગયો: ચીબારી અને લોખંડના કાટમાળ વચ્ચે પિતા-પુત્રીના ઘટનાસ્થળે જ શ્વાસ થંભી ગયા, ચારની હાલત ગંભીર

પટના: બિહારની રાજધાની પટનામાં શનિવારની રાત લોહીલુહાણ સાબિત થઈ છે. બખ્તિયારપુર-મોકામા ફોરલેન હાઇવે પર સર્જાયેલા એક ભયાનક અકસ્માતે હચમચાવી મૂકે તેવા દ્રશ્યો સર્જ્યા છે. શિયાળાની કાતિલ ઠંડી અને આભ ફાટે તેવા ગાઢ ધુમ્મસના કારણે હાઇવે પર ઉભેલું એક વિશાળકાય કન્ટેનર યમદૂત બનીને ઉભું હતું. માર્ગ પર વિઝિબિલિટી નહિવત હોવાને કારણે પૂરપાટ ઝડપે આવી રહેલી સ્કોર્પિયો ગાડી સીધી જ કન્ટેનરના પાછળના ભાગે ધડાકાભેર અથડાઈ હતી. આ ટક્કર એટલી ભીષણ હતી કે સ્કોર્પિયોનો આગળનો ભાગ લોખંડના કન્ટેનરમાં ફસાઈને કચ્ચરઘાણ વળી ગયો હતો.
દુર્ઘટના અહીં જ ન અટકી, સ્કોર્પિયો હજુ તો કન્ટેનર સાથે અથડાઈ જ હતી ત્યાં જ પાછળથી પૂરઝડપે આવી રહેલી એક ક્રેટા કાર પણ આ અકસ્માતનો ભોગ બની હતી. ક્રેટા સવાર ડ્રાઈવર કંઈ સમજે તે પહેલા જ તેની ગાડી સ્કોર્પિયો પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી. આ ટ્રિપલ અકસ્માતમાં સ્કોર્પિયોમાં સવાર પિતા અને તેમની નિર્દોષ પુત્રીના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. લોખંડના પતરા ચીરીને મૃતદેહોને બહાર કાઢવા માટે સ્થાનિકો અને પોલીસે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આ અકસ્માતને પગલે હાઇવે પર આશરે એક કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.
ઘટનાની જાણ થતા જ અઠમગોલા પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, હાઇવે પર ઉભેલા કન્ટેનરનું ટાયર ફાટી ગયું હોવાને કારણે તે રસ્તા વચ્ચે ઉભું હતું, જે ધુમ્મસના કારણે વાહન ચાલકોને દેખાયું નહોતું. સ્કોર્પિયો અને ક્રેટામાં સવાર અન્ય ચાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે, જેમને તાત્કાલિક બખ્તિયારપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલમાં દાખલ ઘાયલોની હાલત પણ અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે મૃત્યુઆંક વધવાની આશંકા સેવાઈ રહી છે.
પોલીસે ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવીને એક લેન ચાલુ કરાવી હતી, જેથી અડધા કલાકની જહેમત બાદ ટ્રાફિક હળવો થયો હતો. ASI અંજની કુમારે જણાવ્યું હતું કે, હાલમાં મૃતકો અને ઈજાગ્રસ્તોની ઓળખ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ધુમ્મસના કારણે સર્જાયેલી આ દુર્ઘટનાએ ફરી એકવાર હાઇવે પર રાત્રિ મુસાફરી અને સુરક્ષાના સાધનોના અભાવ સામે પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા કર્યા છે. હાઇવે પર લાગેલી વાહનોની લાંબી કતારો અને લોકોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.
(11:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
