<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th January 2026

સોમનાથના આંગણે શ્રદ્ધા અને શૌર્યનો મહાકુંભ: કેસરી સાફામાં સજ્જ વડીલો અને ભારત માતા બનેલી બાળાએ પીએમ મોદીનું કર્યું ભવ્ય સ્વાગત

સ્વાભિમાન પર્વમાં ભક્તિ અને રાષ્ટ્રપ્રેમનો ત્રિવેણી સંગમ: 10 વર્ષની જિન્લના હાથમાં લહેરાતો તિરંગો અને દક્ષાબહેને દોરેલા હીરાબાના સ્કેચે પીએમની સભામાં આકર્ષણ જમાવ્યું, હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું પ્રભાસ પાટણ

સોમનાથ:પવિત્ર તીર્થધામ સોમનાથના સાનિધ્યમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આયોજિત 'શૌર્ય સ્વાભિમાન સભા' માત્ર એક રાજકીય કાર્યક્રમ નહીં, પરંતુ શ્રદ્ધા અને દેશભક્તિનો જીવંત ઉત્સવ બની રહ્યો હતો. સમગ્ર સભા સ્થળે ભક્તિ, ગૌરવ અને રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. સૂર્યોદયની સાથે જ જનમેદની ઉમટવી શરૂ થઈ ગઈ હતી, જેમાં વડીલોથી માંડીને નાના બાળકો સુધીના તમામમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સ્ટેજ પરથી જ્યારે કલાકારોએ 'યે દેશ હૈ વીર જવાનો કા' અને 'દિલ દિયા હૈ જાન ભી દેંગે' જેવા ગીતો લલકાર્યા ત્યારે વાતાવરણ એકદમ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું.

સભામાં સૌથી આકર્ષક દ્રશ્ય વેરાવળના સિનિયર સિટિઝન્સ ટ્રસ્ટના વડીલોનું હતું. 65થી વધુ વરિષ્ઠ નાગરિકો એકસરખા કેસરી સાફામાં સજ્જ થઈને આવ્યા હતા, જે શૌર્ય અને સ્વાભિમાનનું પ્રતીક બની રહ્યા હતા. ટ્રસ્ટના પ્રમુખ દીપકભાઈ ટીલાવતે ગર્વભેર જણાવ્યું હતું કે, સોમનાથની પવિત્ર ભૂમિ પર આવી ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવું એ તેમના જીવનનો લહાવો છે. વડાપ્રધાન પ્રત્યે પોતાનો આદર વ્યક્ત કરવા માટે તેમણે આ વિશિષ્ટ ડ્રેસ કોડ અપનાવ્યો હતો, જેણે સમગ્ર જનમેદનીનું ધ્યાન ખેંચ્યું હતું અને વડીલોની યુવાનો જેવી સ્ફૂર્તિએ સૌને પ્રેરણા પૂરી પાડી હતી.

આ શક્તિશાળી માહોલમાં સ્ત્રી શક્તિ અને કલાનો પણ સુમેળ જોવા મળ્યો હતો. સોમનાથની દીકરી દક્ષાબહેન પરમાર વડાપ્રધાન મોદી અને તેમના માતૃશ્રી હીરાબાનો સુંદર પેન્સિલ સ્કેચ તૈયાર કરીને લાવ્યા હતા. તેમણે ભાવુક હૃદયે જણાવ્યું કે સોમનાથની ધરતીને પીએમ મોદીના નેતૃત્વમાં વૈશ્વિક ઓળખ મળી છે, જેનો તેમને ગર્વ છે. તો બીજી તરફ, નાની બાળાઓએ સાંસ્કૃતિક વિરાસતને જીવંત કરી હતી. 10 વર્ષની જીનલ જેઠવા ભારત માતા બની તિરંગો લહેરાવતી જોવા મળી હતી, તો 7 વર્ષની દ્રષ્ટિ વાયલુએ માતા ખોડલના બાળ કન્યા સ્વરૂપની વેશભૂષા ધારણ કરી શક્તિ ઉપાસનાના દર્શન કરાવ્યા હતા.

વડાપ્રધાનના આગમન પૂર્વે જ સમગ્ર સોમનાથ 'હર હર મહાદેવ' અને 'ભારત માતા કી જય'ના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. આ સ્વાભિમાન પર્વ માત્ર ઈતિહાસને યાદ કરવા માટે નહીં, પરંતુ ભવિષ્યની પેઢીમાં સંસ્કાર અને દેશપ્રેમના બીજ રોપવા માટેનું માધ્યમ બન્યું હોય તેવું સ્પષ્ટ દેખાતું હતું. લોકોમાં વ્યાપેલી ગૌરવની લાગણી અને પીએમ મોદી પ્રત્યેની અતૂટ શ્રદ્ધાએ આ કાર્યક્રમને યાદગાર બનાવી દીધો હતો. સોમનાથની ધરતી પર આજે ભક્તિની સાથે રાષ્ટ્ર ચેતનાનો નવો સૂર્યોદય થયો હોય તેવો અહેસાસ દરેક ઉપસ્થિત નાગરિકને થઈ રહ્યો હતો.

(11:49 AM IST)