<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th January 2026

ચહલ-ધનશ્રીના સંબંધોનો કરુણ અંત: 'હું લાઈફમાં આગળ વધી ગયો છું, હવે અટકી રહેવું નહોતું', છૂટાછેડા પર સ્પિનરનું મનમોકળું નિવેદન

લગ્નના ચાર વર્ષ બાદ રસ્તા અલગ થયા, આરજે મહવશ સાથે ડેટિંગના અહેવાલો વચ્ચે યુઝવેન્દ્રએ તોડ્યું મૌન: બોડી શેમિંગ અને સોશિયલ મીડિયા ટ્રોલિંગ પર આપ્યો જડબાતોડ જવાબ, 'ધ 50' રિયાલિટી શોમાં ફરી દેખાશે જૂની જોડી?

મુંબઈ:ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલની પર્સનલ લાઈફ છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. એક્ટ્રેસ અને ડાન્સર ધનશ્રી વર્મા સાથેના લગ્નના ચાર વર્ષ બાદ થયેલા છૂટાછેડાએ ચાહકોને આંચકો આપ્યો હતો. લાંબા સમયની શાંતિ બાદ હવે ચહલે આ મામલે પોતાનું મૌન તોડ્યું છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન ક્રિકેટરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, "જીવનનું એક ચેપ્ટર હવે પૂરું થઈ ગયું છે. મારે ભૂતકાળમાં અટકીને રહેવું નહોતું, હું મારી જિંદગીમાં આગળ વધી ગયો છું." ચહલના આ નિવેદને સાબિત કરી દીધું છે કે તે હવે પોતાના નવા જીવનની શરૂઆત કરી રહ્યો છે.

ધનશ્રી વર્માએ અગાઉ એક રિયાલિટી શો દરમિયાન ચહલ પર ગંભીર આરોપો લગાવ્યા હતા, જેના કારણે સોશિયલ મીડિયા પર ચહલને ભારે ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. આ અંગે પ્રતિક્રિયા આપતા ચહલે કહ્યું કે, "હવે અમારી પોતાની અલગ લાઈફ છે. તે તેના જીવનમાં ખુશ રહે અને હું મારા જીવનમાં શાંતિથી રહું. કોઈને દુઃખી કરીને ક્યારેય કંઈ મળતું નથી." તેણે વધુમાં ઉમેર્યું કે હવે તેને સોશિયલ મીડિયા પર થતા ટ્રોલિંગ કે અપશબ્દોથી કોઈ ફરક પડતો નથી. એક સમય હતો જ્યારે સોશિયલ મીડિયા નવું હતું ત્યારે તેને અસર થતી હતી, પરંતુ હવે તેણે બોડી શેમિંગ અને નફરતને સહન કરવાની શક્તિ કેળવી લીધી છે.

તાજેતરમાં લંડનમાં આરજે મહવશ સાથે જોવા મળેલા ચહલના વીડિયોને કારણે ડેટિંગની અફવાઓ ઉડી હતી. આ અંગે સ્પષ્ટતા કરતા ચહલે હસતા હસતા કહ્યું કે, "જ્યારે તમે મિત્રો સાથે ફરો છો ત્યારે આવા વીડિયો વાયરલ થવા સામાન્ય છે. હું અત્યારે 'હેપ્પી સિંગલ' છું અને કોઈ રિલેશનશિપમાં નથી." ઈન્ટરનેટ પર ફેલાતી વાતોને તે ગંભીરતાથી નથી લેતો. તેનું માનવું છે કે જ્યાં લોકો પ્રેમ આપે છે ત્યાં નફરત પણ આપશે જ, એટલે તેને ગંભીરતાથી લેવાને બદલે પોતાના કામ પર ધ્યાન આપવું વધુ હિતાવહ છે.

ચોંકાવનારી વાત એ છે કે, છૂટાછેડાના કડવા અનુભવ બાદ હવે આ કપલ ફરી એકવાર સાથે જોવા મળી શકે છે. મનોરંજન જગતમાં એવી ચર્ચા છે કે યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા નવા રિયાલિટી શો "ધ 50" માં સ્પર્ધક તરીકે જોવા મળી શકે છે. જોકે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ જો આવું થશે તો કેમેરા સામે બંનેનું વર્તન કેવું હશે તે જોવા માટે ચાહકો અત્યંત ઉત્સાહિત છે. ભલે અંગત સંબંધો તૂટી ગયા હોય, પરંતુ પ્રોફેશનલ લાઈફમાં આ જોડી ફરી સ્ક્રીન શેર કરશે કે કેમ તેના પર સૌની નજર ટકેલી છે.

(12:41 PM IST)