<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th January 2026

કોલસાની 'કાળી કમાણી'થી લડાઈ ગોવાની ચૂંટણી? EDનો ધડાકો- હવાલા મારફતે I-PACને પહોંચ્યા 20 કરોડ

કોલકાતાથી ગોવા સુધી ફેલાયેલું છે રાજકીય ભ્રષ્ટાચારનું જાળ: કોલસા તસ્કરીના રૂપિયા ઈવેન્ટ મેનેજમેન્ટના નામે ચૂંટણી પ્રચારમાં વપરાયા હોવાનો સનસનાટીભર્યો દાવો, પ્રશાંત કિશોરની પૂર્વ કંપની I-PACના ડિરેક્ટરના ઘરે દરોડા બાદ એજન્સીએ કોર્ટમાં રજૂ કર્યું પાકે પાયે લિસ્ટ

કોલકાતા:પશ્ચિમ બંગાળના બહુચર્ચિત કોલસા કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ કોલકાતા હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કરીને રાજકીય ભૂકંપ લાવી દીધો છે. EDના સનસનાટીભર્યા ઘટસ્ફોટ મુજબ, ગેરકાયદે કોલસાની દાણચોરીમાંથી મેળવેલા ₹20 કરોડના કાળા નાણાં હવાલા નેટવર્ક દ્વારા પ્રખ્યાત રાજકીય સલાહકાર પેઢી I-PAC (ઈન્ડિયન પોલિટિકલ એક્શન કમિટી)ની ગોવા ઓફિસ સુધી પહોંચાડવામાં આવ્યા હતા. આ મબલખ નાણાંનો ઉપયોગ 2022ની ગોવા વિધાનસભા ચૂંટણી દરમિયાન ભવ્ય ઈવેન્ટ્સ, પ્રચાર પ્રસાર અને સોશિયલ મીડિયા મેનેજમેન્ટ માટે કરવામાં આવ્યો હોવાનો ગંભીર આરોપ છે, જેનાથી બંગાળના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

તપાસ એજન્સીએ આ નાણાં કેવી રીતે પહોંચ્યા તેનો આખો રૂટ મેપ કોર્ટ સમક્ષ રજૂ કર્યો છે. અહેવાલો મુજબ, તપાસની નજરથી બચવા માટે આ વ્યવહાર છ અલગ-અલગ જટિલ તબક્કાઓમાં કરવામાં આવ્યો હતો. દિલ્હીની એક કંપનીના પૂર્વ ડિરેક્ટરે 'મુન્ના' નામના વચેટિયાનો સંપર્ક કર્યો, જેણે હવાલા ઓપરેટર્સ દ્વારા કોલકાતાની એક ફર્મના મેનેજર સુધી રોકડ પહોંચાડી હતી. ત્યારબાદ આ રકમ ગોવામાં કાર્યરત એક ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીના કર્મચારીને સોંપાઈ હતી, જે સીધી રીતે I-PAC માટે ચૂંટણીલક્ષી કામગીરી કરતી હતી. આ આખી પ્રક્રિયા 'કેશ ટ્રેલ' ના છૂપા માર્ગે પાર પાડવામાં આવી હતી.

EDના આંકડા મુજબ કોલસા કૌભાંડની કુલ કાળી કમાણી અંદાજે ₹2,742 કરોડ જેવી તોતિંગ છે. આ કેસના મુખ્ય સૂત્રધાર અનુપ માજીના ઈશારે પશ્ચિમ બંગાળ અને ઝારખંડના ઈસ્ટર્ન કોલફિલ્ડ્સ લિમિટેડ (ECL) માંથી મોટાપાયે કોલસો ચોરીને ફેક્ટરીઓને વેચવામાં આવતો હતો. 8મી જાન્યુઆરીએ એજન્સીએ દિલ્હી અને કોલકાતામાં 10 સ્થળોએ દરોડા પાડ્યા હતા, જેમાં I-PAC ના સહ-સ્થાપક પ્રતીક જૈનના નિવાસસ્થાનનો પણ સમાવેશ થાય છે. પ્રતીક જૈન ગોવા ચૂંટણી સમયે ત્યાંની તમામ કામગીરીનું સીધું નિરીક્ષણ કરી રહ્યા હતા, જે એજન્સીની શંકાને વધુ મજબૂત બનાવે છે.

આ ઘટસ્ફોટ બાદ હવે I-PAC અને જે-તે રાજકીય પક્ષોની મુશ્કેલીઓ વધી શકે છે. પશ્ચિમ બંગાળના બાંકુરા અને પુરુલિયા જેવા જિલ્લાઓમાંથી શરૂ થયેલી કોલસાની આ 'કાળી ગંગા' ગોવાના સમુદ્ર કિનારે ચૂંટણી પ્રચારના સ્વરૂપે વહી હોવાનું હવે સ્પષ્ટ થઈ રહ્યું છે. એજન્સીએ કોર્ટમાં એ પણ જણાવ્યું છે કે રાજકીય સલાહકાર પેઢીઓ કેવી રીતે કૌભાંડોના નાણાંનો ઉપયોગ કરીને ચૂંટણીના પરિણામો પ્રભાવિત કરવાના પ્રયાસો કરે છે. હવે જોવાનું એ રહેશે કે આવનારા દિવસોમાં આ કેસમાં કયા મોટા રાજકીય માથાઓની ધરપકડ થાય છે અને હવાલા નેટવર્કના કયા નવા પુરાવાઓ સામે આવે છે.

(12:55 PM IST)