તા. ૨૮ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૨ સોમવાર
News of Sunday, 11th January 2026
ઈરાનમાં જ્વાળામુખી ફાટ્યો: આગામી 72 કલાકમાં સત્તાપલટાના એંધાણ, ટ્રમ્પની ગર્જના- 'અમે ઈરાનને આઝાદી અપાવવા તૈયાર'
રિયાલના ધબડકા અને ભૂખમરા સામે શરૂ થયેલો જનઆક્રોશ હવે હિંસક ક્રાંતિમાં ફેરવાયો: રઝા પહેલવીએ તેલ-ગેસના કુવાઓ પર કબજો કરવા કરી અપીલ, સુપ્રીમ લીડર ખામેનેઈએ આંદોલનકારીઓને 'ઈશ્વરના દુશ્મન' ગણાવી મોતની સજાની આપી ધમકી

તેહરાન:પશ્ચિમ એશિયાના શક્તિશાળી દેશ ઈરાનમાં અત્યારે ઈતિહાસનું સૌથી મોટું સંકટ તોળાઈ રહ્યું છે. આર્થિક પાયમાલી અને મોંઘવારીના વિરોધમાં શરૂ થયેલું આંદોલન હવે સત્તા પરિવર્તનની લોહિયાળ લડાઈમાં પરિવર્તિત થઈ ચૂક્યું છે. આગામી 72 કલાક ઈરાનના ભવિષ્ય માટે અત્યંત નિર્ણાયક માનવામાં આવી રહ્યા છે, કારણ કે આંદોલનકારીઓએ હવે સુપ્રીમ લીડર આયાતોલ્લાહ ખામેનેઈના શાસનને ઉથલાવી દેવા માટે મરણિયા પ્રયાસો શરૂ કર્યા છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ મામલે કૂદી પડતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે અમેરિકા ઈરાનની જનતાને આ તાનાશાહી શાસનમાંથી 'સ્વતંત્રતા' અપાવવા માટે લશ્કરી અને રાજકીય મદદ કરવા તૈયાર છે.
[Image: Protesters in Tehran with fire and smoke in background]
સ્થિતિ એટલી ગંભીર છે કે તેહરાન, મશહદ અને તબરેઝ સહિતના 100થી વધુ શહેરો અત્યારે સળગી રહ્યા છે. ઈરાની ચલણ રિયાલનું મૂલ્ય એટલું ગગડ્યું છે કે એક ડોલરની સામે તેની કિંમત 14 લાખ સુધી પહોંચી ગઈ છે, જેના કારણે સામાન્ય જનતા માટે બે ટંકનું ભોજન મેળવવું પણ મુશ્કેલ બન્યું છે. ઈરાન સરકારે 7મી જાન્યુઆરીથી ઇન્ટરનેટ અને મોબાઈલ સેવાઓ ઠપ્પ કરી દીધી છે જેથી આંદોલનકારીઓ સંગઠિત ન થઈ શકે. જોકે, ભૂખથી પીડાતી જનતા હવે 'મુલ્લાઓએ જવું પડશે' અને 'ઇસ્લામિક રિપબ્લિક મુરદાબાદ'ના નારા સાથે રસ્તા પર ઉતરી આવી છે. સરકારી ટીવી ચેનલો પર આ પ્રદર્શનકારીઓને 'આતંકવાદી' જાહેર કરીને તેમને જોતા જ ગોળી મારવાના આદેશો અપાઈ રહ્યા છે.
ઈરાનના પૂર્વ રાજકુમાર રઝા પહેલવીએ વિદેશથી એક ઓડિયો સંદેશ જારી કરીને ઈરાની સેના અને અર્થતંત્રના કર્મચારીઓને હડતાળ પર ઉતરી જવા આહ્વાન કર્યું છે. તેમણે કહ્યું કે, "માત્ર રસ્તા પર ઉતરવાથી કંઈ નહીં વળે, હવે દેશના મુખ્ય ઓઈલ ફિલ્ડ્સ, ગેસ પ્લાન્ટ્સ અને પરિવહન કેન્દ્રો પર કબજો કરી લો." જો તેલ અને ગેસનું ઉત્પાદન બંધ થશે તો ખામેનેઈ સરકાર ઘૂંટણીયે આવી જશે તેવી રણનીતિ ઘડવામાં આવી રહી છે. બીજી તરફ, અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ પણ આંદોલનકારીઓને સીધું સમર્થન જાહેર કર્યું છે, જે દર્શાવે છે કે આ વખતે પશ્ચિમી દેશો ઈરાનમાં સત્તાપલટો કરવા માટે પૂરેપૂરો દમ લગાવી રહ્યા છે.
ઈરાનનો ઈતિહાસ રહ્યો છે કે 1979માં આવી જ એક 'ઇસ્લામિક ક્રાંતિ' દ્વારા 2500 વર્ષ જૂની રાજાશાહીનો અંત આવ્યો હતો અને આયાતુલ્લા ખોમેની સત્તા પર આવ્યા હતા. હવે 47 વર્ષ બાદ ફરી એકવાર ઈરાન તે જ વળાંક પર ઉભું છે. ખામેનેઈ શાસને ચેતવણી આપી છે કે આંદોલનમાં સામેલ લોકો 'મોહારેબેહ' એટલે કે ઈશ્વરના દુશ્મન છે અને તેમને ફાંસીએ લટકાવવામાં આવશે. આ ધમકી છતાં પ્રદર્શનકારીઓ પીછેહઠ કરવા તૈયાર નથી. શાળા-કોલેજો બંધ છે અને દેશમાં સિવિલ વોર (ગૃહયુદ્ધ) જેવી સ્થિતિ સર્જાઈ છે. હવે આંતરરાષ્ટ્રીય સમુદાયની નજર એ વાત પર છે કે શું ટ્રમ્પના નેતૃત્વમાં અમેરિકા ઈરાનમાં સીધો સૈન્ય હસ્તક્ષેપ કરશે?
(12:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
