<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th January 2026

હૈદરાબાદમાં મંદિર અપવિત્ર થતા ભભૂક્યો જનઆક્રોશ: 'કટ્ટામૈસંમ્મા દેવી' ધામ પાસે શરમજનક કૃત્ય, ભાજપે કહ્યું- 'આરોપીનું એન્કાઉન્ટર કરો'

મલ્કજગિરીમાં ઉશ્કેરાયેલા ટોળાએ વિધર્મીને પકડી પોલીસને સોંપ્યો: તેલંગાણા કોંગ્રેસ સરકાર પર વરસ્યા એન. રામચંદ્ર રાવ, હિન્દુ આસ્થા સાથે ખિલવાડ કરનારાઓને પાકિસ્તાન-બાંગ્લાદેશી માનસિકતા ધરાવતા ગણાવ્યા, વિસ્તારમાં સજ્જડ પોલીસ બંદોબસ્ત

હૈદરાબાદ:ભાગ્યનગર એટલે કે હૈદરાબાદના મલ્કજગિરી વિસ્તારમાં રવિવારે સવારે આસ્થા અને આક્રોશનો જ્વાળામુખી ફાટી નીકળ્યો હતો. પ્રસિદ્ધ કટ્ટામૈસંમ્મા દેવી મંદિરની અત્યંત નજીક એક શખ્સ જાહેરમાં શૌચ અને પેશાબ કરતો પકડાઈ જતાં સ્થાનિક રહીશોમાં ભારે રોષ ફેલાયો હતો. આ ઘટનાની જાણ થતા જ બજરંગ દળ અને ભાજપના કાર્યકરો સ્થળ પર દોડી આવ્યા હતા અને આરોપીને રંગેહાથ પકડી પાડી મેથીપાક ચખાડ્યો હતો. લોકોનો આરોપ છે કે આ કોઈ સામાન્ય ઘટના નથી, પરંતુ હિન્દુઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા માટે જાણીજોઈને કરવામાં આવેલું સુનિયોજિત કાવતરું છે.

ઘટનાને પગલે હૈદરાબાદમાં તણાવપૂર્ણ શાંતિ પ્રવર્તી રહી છે. ભાજપના પ્રદેશ પ્રમુખ એન. રામચંદ્ર રાવે મંદિરની મુલાકાત લીધા બાદ સોશિયલ મીડિયા પર અત્યંત આક્રમક પોસ્ટ મૂકીને તેલંગાણાની કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, "આ પવિત્ર સ્થળને અપવિત્ર કરનારા શખ્સનું એન્કાઉન્ટર કરી દેવું જોઈએ." રાવે વધુમાં ઉમેર્યું કે તેલંગાણામાં કોંગ્રેસ સરકાર હિન્દુઓ પર થતા હુમલા અને અપમાન રોકવામાં નિષ્ફળ ગઈ છે અને તે બાંગ્લાદેશ-પાકિસ્તાન જેવી કટ્ટરપંથી વિચારધારા સાથે સ્પર્ધા કરી રહી હોય તેવું લાગે છે.

હિન્દુ સંગઠનોએ મંદિરની બહાર ધરણા પ્રદર્શન શરૂ કર્યા છે અને આરોપીની પૃષ્ઠભૂમિની ઊંડી તપાસ કરવાની માંગ કરી છે. પ્રદર્શનકારીઓનો દાવો છે કે આરોપી સ્થાનિક રહેવાસી નથી અને તેને કોઈ ચોક્કસ ઈરાદા સાથે અહીં મોકલવામાં આવ્યો હતો. પોલીસ તંત્રએ તાત્કાલિક કાર્યવાહી કરતા આરોપીની અટકાયત કરી લીધી છે અને પરિસ્થિતિ વધુ ન વણસે તે માટે મંદિરની આસપાસ સીઆરપીએફ અને સ્થાનિક પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ અત્યારે આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે જેથી ઘટનાની સત્યતા જાણી શકાય.

ભાજપના નેતાઓએ વિપક્ષો અને મીડિયાના મૌન સામે પણ સવાલો ઉઠાવ્યા છે. એન. રામચંદ્ર રાવે કહ્યું કે જ્યારે હિન્દુ આસ્થાનું અપમાન થાય છે ત્યારે કહેવાતા બિનસાંપ્રદાયિક પક્ષો મૌન કેમ ધારણ કરી લે છે? તેમણે ચેતવણી આપી છે કે ભાજપ હવે મૂક પ્રેક્ષક બનીને રહેશે નહીં અને હિન્દુ ધર્મ, મંદિરો અને ગૌરવના રક્ષણ માટે રસ્તાઓ પર ઉતરીને લડાઈ લડશે. હાલમાં સમગ્ર હૈદરાબાદમાં આ ઘટનાની ચર્ચા છે અને શ્રદ્ધાળુઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

(1:02 PM IST)