તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 11th January 2026
નાગપુરમાં BJPનું 'સર્જિકલ સ્ટ્રાઈક': શિસ્તભંગ બદલ ૩૨ મોટા માથાઓને ઘરભેગા કર્યા, ભૂતપૂર્વ મેયરના પતિ સહિતના દિગ્ગજો સસ્પેન્ડ
પાર્ટીની છબિ ખરાબ કરનારા અને મહાયુતિના ઉમેદવારોની 'ગેમ' કરનારા પદાધિકારીઓ પર ભાજપની ગાજ: મુંબઈ બાદ હવે સંઘના ગઢ નાગપુરમાં મચ્યો ખળભળાટ, ૬ વર્ષ માટે સભ્યપદ રદ કરીને બળવાખોરોને અપાયો કડક સંદેશ

નાગપુર:ભારતીય જનતા પાર્ટીએ સંગઠનમાં શિસ્ત જાળવવા માટે હવે 'ઝીરો ટોલરન્સ'ની નીતિ અપનાવી હોય તેવું લાગી રહ્યું છે. મુંબઈમાં ૨૬ પદાધિકારીઓ પર કાર્યવાહી કર્યા બાદ હવે ભાજપે મહારાષ્ટ્રના બીજા પાટનગર અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગઢ ગણાતા નાગપુરમાં મોટી કાર્યવાહી કરી છે. પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાના આરોપસર નાગપુરના ૩૨ જેટલા પદાધિકારીઓને તાત્કાલિક અસરથી ૬ વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ સમાચાર વાયુવેગે ફેલાતા નાગપુરના રાજકીય વર્તુળોમાં ભારે હડકંપ મચી ગયો છે.
સસ્પેન્ડ કરવામાં આવેલા નેતાઓની યાદીમાં કેટલાક એવા નામો પણ છે જે વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા હતા. આ યાદીમાં સૌથી મોટું નામ નાગપુરના ભૂતપૂર્વ મેયર અર્ચના ડેહનકરના પતિ વિનાયક ડેહનકરનું છે. આ ઉપરાંત ભૂતપૂર્વ કોર્પોરેટર સુનીલ અગ્રવાલ અને ધીરજ ચવાણ જેવા પ્રભાવશાળી નેતાઓ સામે પણ ભાજપે લાલ આંખ કરી છે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ નેતાઓ મહાયુતિના સત્તાવાર ઉમેદવારોને સમર્થન આપવાને બદલે અંદરખાને પક્ષની છબિ ખરાબ કરવાનો અને વિરોધીઓને મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
ભાજપ હાઈકમાન્ડે આ વખતે બળવાખોર તેવર બતાવનારા કાર્યકરોને માફ કરવાના મૂડમાં નથી. નાગપુર ભાજપના શિસ્ત સમિતિના અહેવાલ મુજબ, આ પદાધિકારીઓને વારંવાર સમજાવવા છતાં તેઓ મહાયુતિના ઉમેદવારો સાથે સહયોગ કરી રહ્યા નહોતા. ચૂંટણીના મહત્વના તબક્કે પક્ષમાં શિસ્તભંગની પ્રવૃત્તિ સહન ન કરવાના હેતુથી પ્રદેશ નેતૃત્વએ આ આકરું કદમ ઉઠાવ્યું છે. આ કાર્યવાહી દ્વારા ભાજપે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે પક્ષની વિચારધારા અને ગઠબંધનના ધર્મથી ઉપર કોઈ વ્યક્તિ કે પદાધિકારી નથી.
મુંબઈ અને નાગપુર જેવા મોટા શહેરોમાં થયેલી આ 'સફાઈ' અભિયાનથી આગામી સમયમાં અન્ય જિલ્લાઓમાં પણ ગાજ પડી શકે છે. નાગપુર ભાજપના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે, "પક્ષના કાર્યકરોની ફરજ પક્ષના હિતમાં કામ કરવાની છે, અંગત સ્વાર્થ કે અસંતોષ માટે પક્ષના ઉમેદવારને નુકસાન પહોંચાડવાની નહીં." ૩૨ પદાધિકારીઓના સસ્પેન્શન બાદ હવે નાગપુર ભાજપના સંગઠનમાં ધરખમ ફેરફારો જોવા મળી શકે છે. બળવાખોરોને બહારનો રસ્તો બતાવ્યા બાદ હવે પક્ષ નિષ્ઠાવાન કાર્યકરોને વધુ જવાબદારી સોંપશે તેવી પૂરી શક્યતા છે.
(1:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
