News of Sunday, 11th January 2026
પુણેમાં કાળમુખું રોડ રોલર સુપરવાઈઝર પર ફરી વળ્યું: કમકમાટીભર્યો અકસ્માત CCTVમાં કેદ, ઘટનાસ્થળે જ કચ્ચરઘાણ
ચિંચવાડના ગંગા નગરમાં રોડ નિર્માણ દરમિયાન સર્જાયેલું મોતનું તાંડવ: ડ્રાઈવર સાથે વાત કરી રહેલા પેટા કોન્ટ્રાક્ટર પર અચાનક રોલર રિવર્સમાં ફરી વળ્યું, લોખંડના તોતિંગ પૈડા નીચે દબાઈ જવાથી યુવાનનું પ્રાણપંખેરું ઉડી ગયું

પુણે: મહારાષ્ટ્રના પુણે શહેરના ચિંચવાડ વિસ્તારમાં શનિવારની બપોરે એક એવી હૃદયદ્રાવક ઘટના બની છે, જે જોઈને કોઈ પણનું કાળજું કંપી ઉઠે. અરકુડી ગંગા નગર વિસ્તારમાં ચાલી રહેલા રોડ બાંધકામ દરમિયાન એક સુપરવાઈઝર (પેટા કોન્ટ્રાક્ટર) નું ખુદના જ રોડ રોલર નીચે કચડાઈ જવાથી કરૂણ મોત નીપજ્યું છે. આ ભયાનક અકસ્માતની સમગ્ર ઘટના નજીકની એક કરિયાણાની દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
ઘટનાની વિગતો મુજબ, શનિવારે બપોરે અંદાજે 4 વાગ્યે જ્યારે રોડનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું હતું, ત્યારે મૃતક સુપરવાઈઝર રોડ રોલરના ડ્રાઈવરને જરૂરી સૂચનાઓ આપી રહ્યો હતો. ફૂટેજમાં જોઈ શકાય છે કે તે વ્યક્તિ રોલરની બિલકુલ પાછળ ચાલી રહ્યો હતો. ડ્રાઈવર અને સુપરવાઈઝર વચ્ચે ચાલી રહેલી વાતચીત દરમિયાન જ અચાનક ડ્રાઈવરે રોલર પાછળની તરફ (રિવર્સ) લીધું હતું. સુપરવાઈઝર કઈ સમજે કે પાછળ હટે તે પહેલા જ રોલરના તોતિંગ લોખંડના પૈડા તેને અડફેટે લઈ કચડી નાખ્યો હતો.
આ અકસ્માત એટલો જોરદાર હતો કે સુપરવાઈઝરનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. સ્થાનિક રહીશ પ્રભુ કાંગણેએ જણાવ્યું કે, "ધમાકો અને ચીસાચીસ સંભળાતા જ લોકો દોડી આવ્યા હતા. અમે તેને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડ્યો, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો." સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે રાહદારી જેવો સુપરવાઈઝર એક ક્ષણ માટે અટક્યો અને એ જ પળે ડ્રાઈવરની અજાણતામાં રોલર તેની ઉપર ફરી વળ્યું. આ ઘટનાએ બાંધકામ સ્થળો પર સુરક્ષાના સાધનો અને સાવચેતીના અભાવ સામે મોટા સવાલો ઉભા કર્યા છે.
પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ કબ્જે કર્યા છે. પ્રાથમિક તપાસમાં ડ્રાઈવરની બેદરકારી હોવાનું જણાય છે, કારણ કે રોલર રિવર્સ લેતી વખતે પાછળ કોઈ છે કે નહીં તેની ખાતરી કરવામાં આવી નહોતી. મૃતક પોતે આ પ્રોજેક્ટનો પેટા કોન્ટ્રાક્ટર હોવાનું બહાર આવ્યું છે. આ અચાનક બનેલી દુર્ઘટનાથી તેના પરિવાર પર આભ ફાટી પડ્યું છે. પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન અને સંબંધિત કોન્ટ્રાક્ટર કંપની સામે સુરક્ષાના નિયમોના ઉલ્લંઘન બદલ કાર્યવાહી કરવાની માંગણી સ્થાનિકોએ કરી છે.
(1:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
