News of Sunday, 11th January 2026
ઈરાનમાં હવે પછીના પ્રત્યેક કલાકો અત્યંત કટોકટીભર્યા: દેશભરમાં ચારેકોર પ્રચંડ હિંસા વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનીઓને 'સ્વતંત્રતા' અપાવવા અમેરિકા મેદાનમાં: લાખો લોકો 'ઇસ્લામિક રિપબ્લિક મુર્દાબાદ' અને 'મુલ્લાઓએ જવું પડશે' જેવા સૂત્રોચ્ચાર સાથે રસ્તા પર
આર્થિક સંકટને કારણે શરૂ થયેલું જન આંદોલન હવે જ્વાળામુખીની જેમ લોહિયાળ વિદ્રોહમાં ફેરવાઈ ગયું: સ્થિતિ કાબૂ બહાર: તેહરાન, તબરેઝ અને મશહદ જેવા મુખ્ય શહેરોમાં પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળો વચ્ચે સીધી અથડામણો: અનેકના મોત

ઈરાનના પૂર્વ રાજકુમાર રઝા પહેલવીએ પ્રજાને અપીલ કરી છે કે હવે પીછેહઠ કરવાને બદલે મુખ્ય સરકારી કેન્દ્રો અને સ્થળો પર કબજો જમાવે: ટ્રાન્સપોર્ટ, ઓઈલ અને ગેસ ક્ષેત્રના કર્મચારીઓને હડતાળ પર ઉતરી જવા હાકલ:
ઈરાનમાં આર્થિક સંકટને કારણે શરૂ થયેલું જન આંદોલન હવે લોહિયાળ વિદ્રોહમાં ફેરવાઈ ગયું છે, જેના કારણે આગામી ૭૨ કલાક દેશ માટે અત્યંત જોખમી અને નિર્ણાયક માનવામાં આવી રહ્યા છે. આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વ સ્તરે સનસનાટી મચાવતું નિવેદન આપતા જાહેર કર્યું છે કે અમેરિકા ઈરાનના નાગરિકોને વર્તમાન શાસનમાંથી 'સ્વતંત્રતા' અપાવવા માટે તમામ પ્રકારની મદદ કરવા તૈયાર છે. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ પણ આંદોલનકારીઓને ખુલ્લું સમર્થન આપવાની જાહેરાત કરી છે, જેનાથી ઈરાની શાસન પર આંતરરાષ્ટ્રીય દબાણ વધ્યું છે.
ઈરાનમાં સ્થિતિ કાબૂ બહાર જઈ રહી છે અને અત્યાર સુધીમાં ૧૦૦ થી વધુ શહેરોમાં હિંસક દેખાવો અને અશાંતિ ફેલાઈ ગઈ છે. તેહરાન, તબરેઝ અને મશહદ જેવા મુખ્ય શહેરોમાં પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળો વચ્ચે સીધી અથડામણો થઈ રહી છે. અહેવાલો મુજબ, હિંસામાં અનેક લોકોના મોત થયા હોવાની આશંકા છે અને ઈજાગ્રસ્તોની સંખ્યા સતત વધી રહી છે. સ્થિતિને દબાવવા માટે સરકારે સાતમી જાન્યુઆરીથી ઇન્ટરનેટ અને મોબાઈલ સેવાઓ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો છે, છતાં લાખો લોકો 'ઇસ્લામિક રિપબ્લિક મુરદાબાદ' અને 'મુલ્લાઓએ જવું પડશે' જેવા સૂત્રોચ્ચાર સાથે રસ્તા પર ઉતરી આવ્યા છે.
ઈરાનના પૂર્વ રાજકુમાર રઝા પહેલવીએ પ્રજાને અપીલ કરી છે કે તેઓ હવે પીછેહઠ કરવાને બદલે મુખ્ય સરકારી કેન્દ્રો અને સ્થળો પર કબજો જમાવી લે. તેમણે ટ્રાન્સપોર્ટ, ઓઈલ અને ગેસ ક્ષેત્રના કર્મચારીઓને હડતાળ પર ઉતરી જવા વિનંતી કરી છે જેથી અર્થતંત્ર ઠપ્પ થઈ જાય અને સરકાર ઘૂંટણિયે આવી જાય.
બીજી તરફ, ઈરાનની સરકારી ટીવી ચેનલો આંદોલનકારીઓને 'આંતંકવાદી' અને 'ઈશ્વરના દુશ્મન' ગણાવી રહી છે અને તેમને ગોળી મારી દેવાની અથવા મૃત્યુદંડ આપવાની ધમકીઓ આપી રહી છે.
વર્તમાનમાં ઈરાની રિયાલનું મૂલ્ય તળિયે બેસી ગયું છે અને એક અમેરિકન ડોલરની કિંમત ૧૪ લાખ રિયાલ સુધી પહોંચી ગઈ છે. આ આર્થિક પાયમાલીએ જનતાના આક્રોશમાં ઘી હોમવાનું કામ કર્યું છે.
વર્ષ ૧૯૨૫ થી ૧૯૭૯ સુધીના રાજશાહી શાસન બાદ આવેલી ઇસ્લામિક ક્રાંતિ પછી અત્યારે ઈરાન તેના ઇતિહાસના સૌથી મોટા પરિવર્તનના આરે ઉભું હોય તેવું લાગી રહ્યું છે. અમેરિકાના સીધા હસ્તક્ષેપની તૈયારીએ આ લડાઈને હવે વૈશ્વિક રાજનીતિનું કેન્દ્ર બનાવી દીધી છે.
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
