News of Sunday, 11th January 2026
ગઝનવીથી માંડીને ઔરંગઝેબ ઇતિહાસમાં દફન થઈ ગયા પણ સોમનાથ આજેય અડિખમ છે: સોમનાથમાં નરેન્દ્રભાઈની સિંહગર્જના
વડાપ્રધાને તેરમી સદીમાં અલાઉદ્દીન ખિલજી દ્વારા થયેલા હુમલાઓને યાદ કરી ભારતીય સંસ્કૃતિના સાહસની પ્રશંસા કરી

રાજકોટ: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના ગીર સોમનાથ ખાતે આયોજિત ઐતિહાસિક 'સોમનાથ સ્વાભિમાન પર્વ બે હજાર છવીસ'માં હાજરી આપીને ભારતની સાંસ્કૃતિક વિરાસતનો જયઘોષ કર્યો હતો.
શૌર્ય યાત્રા બાદ જનસભાને સંબોધતા વડાપ્રધાને જણાવ્યું હતું કે, ગઝનીથી લઈને ઔરંગઝેબ સુધીના આક્રમણખોરો આજે ઇતિહાસના પાનાઓમાં દફન થઈ ગયા છે, પરંતુ સોમનાથની ભવ્યતા અને ભારતની આસ્થા આજે પણ અતૂટ અને અડિખમ ઊભી છે. તેમણે ઉમેર્યું હતું કે જે સંસ્કૃતિના કણ-કણમાં શિવ બિરાજમાન હોય તેને કોઈ શક્તિ ક્યારેય નષ્ટ કરી શકતી નથી.
સોમનાથ મંદિર પર થયેલા આક્રમણના એક હજાર વર્ષ પૂર્ણ થવાના અવસરે આ ઉજવણી ભક્તિ અને શૌર્યના અદભુત સંગમ સમાન બની રહી હતી. વડાપ્રધાને વિશ્વભરના શ્રદ્ધાળુઓને આ પર્વની શુભેચ્છા પાઠવતા કહ્યું હતું કે, આ વાતાવરણ અને શ્રદ્ધાનો ઉછાળો ભારતની અસ્મિતાના પુનરુત્થાનનું પ્રતીક છે.
તેમણે કાર્યક્રમ દરમિયાન થયેલા એક હજાર ડ્રોનના ભવ્ય શો અને બોતેર કલાક સુધી ચાલેલા અવિરત ઓમકાર જાપનો ઉલ્લેખ કરીને આ ક્ષણને દિવ્ય ગણાવી હતી.
વડાપ્રધાને તેરમી સદીમાં અલાઉદ્દીન ખિલજી દ્વારા થયેલા હુમલાઓને યાદ કરી ભારતીય સંસ્કૃતિના સાહસની પ્રશંસા કરી હતી.
આ પર્વનું મુખ્ય આકર્ષણ એક કિલોમીટર લાંબી ભવ્ય શૌર્ય યાત્રા રહી હતી, જેમાં એકસો આઠ અશ્વો સાથે વિવિધ રાજ્યોની ઝાંખીઓ અને સાધુ-સંતો જોડાયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ખાસ તૈયાર કરેલા વાહન પર સવાર થઈને જનમેદનીનું અભિવાદન ઝીલ્યું હતું. માર્ગની બંને તરફ ઉભેલા હજારો ભક્તોએ 'જય સોમનાથ' અને 'હર હર મહાદેવ'ના નાદ સાથે સમગ્ર વિસ્તારને ગુંજવી દીધો હતો. આ યાત્રા એ શૌર્ય, બલિદાન અને ભારતીય સંસ્કૃતિના ગૌરવનું જીવંત પ્રદર્શન બની રહી હતી.
પોતાના સંબોધન પૂર્વે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવીને વિશેષ પૂજા-અર્ચના કરી હતી. તેમણે સોમનાથ મંદિરની રક્ષા કાજે પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા વીર શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી.
ઈસવીસન એક હજાર છવીસમાં થયેલા આક્રમણ સામે લડનારા શૂરવીરોનું સ્મરણ કરતા તેમણે કહ્યું હતું કે, આ સ્વાભિમાન પર્વ એ સંદેશ આપે છે કે ભારતની આસ્થા અને સ્વાભિમાન કાયમ અજેય રહેશે.
વૈદિક ગુરુકુળના એક હજાર વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ અને મંત્રોચ્ચારે સમગ્ર સોમનાથમાં આધ્યાત્મિક ઉર્જાનો સંચાર કર્યો હતો.
(1:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
