News of Sunday, 11th January 2026
લંડનમાં ઈરાની દૂતાવાસ પર હાઈ-વોલ્ટેજ ડ્રામા: બાલ્કની પર ચઢીને ઉતાર્યો ઈસ્લામિક શાસનનો ધ્વજ, 'સિંહ-સૂર્ય'ના નિશાન સાથે ક્રાંતિનો હુંકાર
વૈશ્વિક ફલક પર ભભૂક્યો ઈરાની જનતાનો આક્રોશ: ૯ જાન્યુઆરીએ કેન્સિંગ્ટન સ્થિત એમ્બેસીમાં સુરક્ષાના ધજાગરા ઉડાવી પ્રદર્શનકારીએ ૧૯૭૯ પૂર્વેનો ઐતિહાસિક ધ્વજ લહેરાવ્યો, અત્યાર સુધીમાં ૬૨ ના મોત છતાં તેહરાન સામે લોકજુવાળ અકબંધ - બ્રિટિશ વડાપ્રધાનની કડક ચેતવણી

લંડન:બ્રિટનની રાજધાની લંડનમાં ત્યારે ખળભળાટ મચી ગયો જ્યારે ઈરાનની સરકાર સામેનો રોષ સાત સમુદ્ર પાર લંડનના રસ્તાઓ પર ઉતરી આવ્યો. લંડનના અત્યંત સુરક્ષિત ગણાતા કેન્સિંગ્ટન વિસ્તારમાં સ્થિત ઈરાની દૂતાવાસ ખાતે ગત ૯ જાન્યુઆરીએ એક પ્રદર્શનકારીએ ફિલ્મી સ્ટાઈલમાં દૂતાવાસની બાલ્કની પર ચઢી જઈને વર્તમાન ઈસ્લામિક ગણતંત્રનો ધ્વજ ફાડી નીચે ફેંકી દીધો હતો. તેના સ્થાને તેણે ઈરાની ક્રાંતિ પૂર્વેનો પૌરાણિક ‘સિંહ અને સૂર્ય’ (Lion and Sun) વાળો ધ્વજ લહેરાવતા નીચે ઉભેલા સેંકડો દેખાવકારોએ હર્ષોલ્લાસ સાથે 'આઝાદી' ના નારા લગાવ્યા હતા. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ઈરાની શાસનની આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ફજેતી થઈ છે.
ઈરાનમાં ૨૮ ડિસેમ્બરથી ફાટી નીકળેલું આ આંદોલન હવે માત્ર મોંઘવારી પૂરતું સીમિત નથી રહ્યું, પરંતુ તે વર્તમાન શાસન પલટાની લડાઈમાં ફેરવાઈ ગયું છે. ઈરાની સુરક્ષા દળોના અસભ્ય દમન છતાં લોકો રસ્તાઓ પરથી હટવા તૈયાર નથી. છેલ્લા બે અઠવાડિયાના હિંસક સંઘર્ષમાં અત્યાર સુધીમાં અંદાજે ૬૨ દેખાવકારોએ જીવ ગુમાવ્યા છે અને ૨,૩૦૦ થી વધુ યુવાનોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. સરકારે ઇન્ટરનેટ અને ફોન લાઈનો કાપી નાખી છે જેથી અંદરના સમાચાર બહાર ન આવે, પરંતુ લંડનમાં બનેલી આ પ્રતિકાત્મક ઘટનાએ સાબિત કરી દીધું છે કે ઈરાની મૂળના વિદેશમાં વસતા લોકો પણ હવે પરિવર્તન ઈચ્છે છે.
બ્રિટિશ વડાપ્રધાન કેર સ્ટાર્મરે આ ઘટના બાદ ઈરાનમાં થઈ રહેલી માનવાધિકારની ઉલ્લંઘનની ઘટનાઓની આકરી નિંદા કરી છે. તેમણે તેહરાન સરકારને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કરવો તે અસ્વીકાર્ય છે. બીજી તરફ, લંડન મેટ્રોપોલિટન પોલીસે દૂતાવાસની સુરક્ષામાં થયેલી આ ચૂક બાદ આખા વિસ્તારને છાવણીમાં ફેરવી દીધો છે. પ્રદર્શનકારીઓએ જૂનો ધ્વજ લહેરાવીને એવો સંદેશ આપ્યો છે કે તેઓ ઈરાનને ફરીથી ૧૯૭૯ પહેલાના આધુનિક અને ઉદારવાદી યુગમાં જોવા માંગે છે. આ આંદોલન ૧૯૭૯ પછીનું સૌથી મોટું જનઆંદોલન બનીને ઉભરી રહ્યું છે.
મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકારના અહેવાલ મુજબ, આ આંદોલનની જ્વાળા હવે યુરોપના અન્ય દેશોમાં પણ ફેલાઈ રહી છે. ઈરાની ડાયસ્પોરાએ જે રીતે સંગઠિત થઈને લંડનમાં પોતાનો વિરોધ નોંધાવ્યો છે, તેનાથી સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય પશ્ચિમી દેશો પર પણ ઈરાન વિરુદ્ધ કડક પ્રતિબંધો મૂકવાનું દબાણ વધ્યું છે. ભભૂકેલો આ જનઆક્રોશ આવનારા દિવસોમાં પશ્ચિમ એશિયાના રાજકારણમાં મોટા ફેરફારો લાવશે તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. દૂતાવાસ પર લહેરાતો તે જૂનો ધ્વજ કદાચ તેહરાનમાં બેઠેલા શાસકો માટે સૌથી મોટું લાલ સિગ્નલ સાબિત થઈ શકે છે.
(1:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
