<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th January 2026

કોર્પોરેટ જગતમાં 'માસ્ટર બ્લાસ્ટર'ની એન્ટ્રી: IPO પહેલા ટેક્નો પેઈન્ટ્સે ફોડ્યો સૂતળી બોમ્બ, સચિન તેંદુલકર બન્યા બ્રાન્ડ એમ્બેસેડર

હૈદરાબાદની કંપનીના ગ્રોથ એન્જિનમાં હવે 'ક્રિકેટના ભગવાન'નો સાથ: નાણાકીય વર્ષ 2027માં ₹500 કરોડનો મેગા IPO લાવવાની તેજ તૈયારી, મહેશ બાબુ બાદ હવે સચિન તેંદુલકર સાથે ત્રણ વર્ષનો કરાર કરીને પેઈન્ટ ઈન્ડસ્ટ્રીમાં મચાવ્યો ખળભળાટ

નવી દિલ્હી:હૈદરાબાદ સ્થિત જાણીતી કંપની ટેક્નો પેઈન્ટ્સ એન્ડ કેમિકલ્સે શેરબજારમાં લિસ્ટ થતા પહેલા એક એવો માસ્ટર સ્ટ્રોક માર્યો છે જેણે આખા ઉદ્યોગ જગતનું ધ્યાન ખેંચ્યું છે. કંપનીએ ક્રિકેટના ઈતિહાસના સર્વશ્રેષ્ઠ ખેલાડી અને ભારત રત્ન સચિન તેંદુલકરને આગામી ત્રણ વર્ષ માટે પોતાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સાઈન કર્યા છે. કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર અકુરી શ્રીનિવાસ રેડ્ડીએ જાહેરાત કરી છે કે, સચિન જેવા આઈકોનિક વ્યક્તિત્વના જોડાવાથી બ્રાન્ડની ઓળખ રાષ્ટ્રીય સ્તરે નવી ઊંચાઈઓ સર કરશે. આ સમાચાર આવતાની સાથે જ રોકાણકારોમાં ટેક્નો પેઈન્ટ્સના આગામી આઈપીઓ (IPO) ને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.

કંપનીના ભાવિ આયોજન વિશે વાત કરીએ તો, ટેક્નો પેઈન્ટ્સ આગામી નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ (FY27) માં શેરબજારમાં પ્રવેશવાની તૈયારી કરી રહી છે. કંપની ₹૫૦૦ કરોડની માતબર રકમનો IPO લાવવાનું લક્ષ્ય ધરાવે છે. ગ્રોથના આંકડાઓ પર નજર કરીએ તો, વર્ષ ૨૦૨૪-૨૫ માં કંપનીની આવક ₹૨૧૦ કરોડ હતી, જે ચાલુ નાણાકીય વર્ષમાં વધીને ₹૪૫૦ કરોડ સુધી પહોંચવાની ધારણા છે. કંપની આ રકમનો ઉપયોગ પોતાના ઉત્પાદન પ્લાન્ટ્સના વિસ્તરણ અને નવી ટેકનોલોજી વિકસાવવા માટે કરવા માંગે છે. સચિન તેંદુલકર પહેલાં કંપનીએ તેલુગુ સુપરસ્ટાર મહેશ બાબુને પણ એમ્બેસેડર બનાવ્યા હતા, જે દર્શાવે છે કે કંપની હવે આક્રમક માર્કેટિંગ મોડમાં છે.

હાલમાં ટેક્નો પેઈન્ટ્સ દેશના ૮ મુખ્ય રાજ્યો તેલંગણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી, ઓડિશા અને ચંદીગઢમાં મજબૂત પકડ ધરાવે છે. પરંતુ હવે તેમની નજર સમગ્ર ભારત પર છે. આ વર્ષના અંત સુધીમાં કંપની ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, હિમાચલ પ્રદેશ અને રાજસ્થાન જેવા વધુ ૫ મોટા રાજ્યોમાં પગપેસારો કરશે. એટલું જ નહીં, ૨૦૨૬-૨૭ સુધીમાં કંપની મિડલ ઈસ્ટ (દુબઈ અને આસપાસના દેશો) માં પણ પોતાનો કારોબાર વિસ્તારીને આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતનું નામ રોશન કરવાની મહત્વાકાંક્ષા ધરાવે છે.

ભારતમાં પેઈન્ટ માર્કેટની માંગ સતત વધી રહી છે ત્યારે ટેક્નો પેઈન્ટ્સ જેવી લોકલ સ્તરથી શરૂ થયેલી કંપની નેશનલ પ્લેયર બનવા તરફ ઝડપથી આગળ વધી રહી છે. ડેકોરેટિવ અને ઈન્ડસ્ટ્રિયલ પેઈન્ટ્સ ક્ષેત્રે તેમની વિશેષતા અને હવે સચિન તેંદુલકરનું નામ જોડાવાથી ગ્રાહકોમાં વિશ્વાસ બમણો થશે. અકુરી શ્રીનિવાસ રેડ્ડીએ જણાવ્યું હતું કે, "અમારા ગ્રોથ પાર્ટનર તરીકે સચિનથી વધુ સારો કોઈ વિકલ્પ હોઈ શકે નહીં." હવે સૌની નજર ૨૦૨૭ માં આવનારા એ IPO પર છે, જે પેઈન્ટ ઈન્ડસ્ટ્રીના સમીકરણો બદલી શકે છે.

(2:50 PM IST)