<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th January 2026

WPL 2026 માં 'ગ્લેમર'નો તડકો: કોણ છે મિસ્ટ્રી ગર્લ યેશા સાગર? જેણે મેદાન પર ક્રિકેટરો કરતા પણ વધુ લૂંટી લાઈમલાઈટ

પંજાબથી કેનેડા અને હવે WPL ના મેદાન સુધી: બબ્બુ માનના મ્યુઝિક વીડિયોથી કરિયર શરૂ કરનારી યેશા સાગર રાતોરાત બની સોશિયલ મીડિયા સેન્સેશન, સુંદરતા અને શાનદાર એન્કરિંગના સંગમે ચાહકોને કર્યા ઘાયલ

નવી મુંબઈ:વુમન્સ પ્રીમિયર લીગ (WPL 2026) ની ચોથી સીઝનનો પ્રારંભ નવી મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં ધમાકેદાર રીતે થયો છે, પરંતુ આ વખતે ચર્ચા માત્ર મેદાન પરના ચોગ્ગા-છગ્ગાની જ નહીં, પણ બાઉન્ડ્રી લાઈન પર ઉભેલી એક સુંદર એન્કરની પણ થઈ રહી છે. મુંબઈ ઇન્ડિયન્સ અને આરસીબી વચ્ચેની હાઈ-વોલ્ટેજ મેચ દરમિયાન એન્કર યેશા સાગર પોતાની ગ્લેમરસ સ્ટાઈલ અને કાતિલ સ્મિતને કારણે રાતોરાત 'ટોક ઓફ ધ ટાઉન' બની ગઈ છે. સોશિયલ મીડિયા પર તેની તસવીરો વાયરલ થતા જ ફેન્સ તેને 'ડબ્લ્યુપીએલની મિસ્ટ્રી એન્કર' તરીકે ઓળખાવી રહ્યા છે.

પંજાબના કિરતપુર સાહિબમાં જન્મેલી યેશા સાગર આજે એક ગ્લોબલ આઈકોન બની ચુકી છે. હાલમાં કેનેડામાં સ્થાયી થયેલી યેશાએ મોડેલિંગથી પોતાના કરિયરનો શ્રીગણેશ કર્યો હતો. તેની સુંદરતા અને આત્મવિશ્વાસને કારણે તેને પંજાબી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી મળી, જ્યાં તેણે સુપરસ્ટાર સિંગર બબ્બુ માન અને જોર્ડન સંધુ જેવા દિગ્ગજો સાથે હિટ મ્યુઝિક વીડિયોમાં કામ કર્યું છે. પંજાબી ગીતોમાં તેની કેમિસ્ટ્રીને પ્રેક્ષકોએ ખૂબ પસંદ કરી હતી, જેના કારણે તેને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મળી અને અનેક વિદેશી બ્રાન્ડ્સ માટે ફોટોશૂટ કરવાની તક મળી.

યેશા માત્ર દેખાવમાં જ સુંદર નથી, પરંતુ તે પોતાની ફિટનેસ માટે પણ અત્યંત સજાગ છે. ઇન્સ્ટાગ્રામ પર ૧.૨ મિલિયનથી વધુ ફોલોઅર્સ ધરાવતી યેશા અવારનવાર તેના વર્કઆઉટ વીડિયો અને ગ્લેમરસ લાઈફસ્ટાઈલની ઝલક શેર કરતી રહે છે. ડબ્લ્યુપીએલ 2026 માં એન્કર તરીકે તેની પસંદગી થતા જ તેના ફેન ફોલોઈંગમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. પોતાની એન્કરિંગ સ્કિલ્સ અને સ્પોર્ટ્સ પ્રત્યેના જ્ઞાનથી તેણે સાબિત કરી દીધું છે કે તે માત્ર એક મોડેલ જ નહીં, પણ એક કુશળ પ્રોફેશનલ પણ છે.

પોતાની પર્સનલ લાઈફને લાઈમલાઈટથી દૂર રાખનારી યેશા હાલમાં તેના રિલેશનશિપ સ્ટેટસ વિશે મૌન છે. તે પોતાનો ફ્રી સમય પરિવાર અને મિત્રો સાથે વિતાવવાનું પસંદ કરે છે, પરંતુ જ્યારે તે માઈક પકડીને મેદાન પર ઉતરે છે ત્યારે આખું સ્ટેડિયમ તેની અદાઓ પર ફિદા થઈ જાય છે. WPL ની આગામી મેચોમાં પણ યેશા સાગરનો જાદુ યથાવત રહેશે તે જોતા લાગે છે કે આ સીઝનમાં તે સૌથી વધુ સર્ચ થનારી સેલિબ્રિટી બની શકે છે. ક્રિકેટના મેદાન પર ગ્લેમરનો આ નવો ચહેરો પ્રેક્ષકો માટે એક આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે.

(3:00 PM IST)