<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th January 2026

સોમનાથમાં કેસરિયો મહેરામણ: પીએમ મોદીએ હાથમાં 'ડમરુ' લઈ જગાવ્યો આધ્યાત્મિક નાદ, શૌર્યયાત્રામાં જીવંત થયો પ્રભાસનો ઇતિહાસ

ભક્તિ, શક્તિ અને સ્વાભિમાનનો ત્રિવેણી સંગમ: 108 અશ્વસવારોની આગેવાનીમાં નીકળેલી ઐતિહાસિક યાત્રામાં કાશ્મીરથી કન્યાકુમારી સુધીની સંસ્કૃતિ એકાકાર થઈ, 'એક ભારત-શ્રેષ્ઠ ભારત'ના મંત્ર સાથે હજારો શિવભક્તોના હૈયા જીતતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વેરાવળ-સોમનાથ:પ્રભાસ પાટણની પવિત્ર ધરતી આજે ફરી એકવાર ઇતિહાસના સુવર્ણ પાના પર અંકિત થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'સોમનાથ સ્વાભિમાન પર્વ'ની ભવ્યાતિભવ્ય શૌર્યયાત્રામાં સહભાગી થઈને હજારો શિવભક્તોનું અભિવાદન ઝીલ્યું હતું. જ્યારે વડાપ્રધાને પોતે મહાદેવનું પ્રિય વાદ્ય 'ડમરુ' હાથમાં લઈ વગાડવાનું શરૂ કર્યું, ત્યારે શંખ સર્કલથી હમીરજી સર્કલ સુધીનો સમગ્ર માર્ગ 'જય સોમનાથ' અને 'હર હર મહાદેવ'ના ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યો હતો. શંખનાદ અને મંત્રોચ્ચાર વચ્ચે પીએમ મોદીની ખુલ્લી જીપ જ્યારે લોકમેદની વચ્ચેથી પસાર થઈ, ત્યારે લોકોએ પુષ્પવર્ષા કરીને પોતાના લાડીલા નેતાને અનોખો સત્કાર આપ્યો હતો.

આ શૌર્યયાત્રા માત્ર એક સરઘસ નહીં, પરંતુ ભારતની અખંડિતતાનું પ્રતિબિંબ બની હતી. યાત્રાની આગેવાની કેસરી સાફામાં સજ્જ ૧૦૮ અશ્વસવારોએ લીધી હતી, જેણે ૧૦૦૦ વર્ષ પહેલાં સોમનાથના રક્ષણ કાજે બલિદાન આપનારા હમીરસિંહ ગોહિલના શૌર્યની યાદ તાજી કરી દીધી હતી. ૨૦ થી વધુ પ્લેટફોર્મ પર રજૂ થયેલા સાંસ્કૃતિક કાર્યક્રમોએ કાશ્મીરના 'રૌફ નૃત્ય' થી લઈને કેરળ અને મણિપુરના પારંપરિક નૃત્યો સુધીના રંગો વેર્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ગરિમામય ઉપસ્થિતિમાં આ યાત્રાએ સાબિત કરી દીધું કે સોમનાથ માત્ર ભક્તિનું કેન્દ્ર નથી, પણ તે ભારતીય અસ્મિતાનું અજેય પ્રતીક છે.

યાત્રાના માર્ગ પર સજાવવામાં આવેલા શિવજીના આકર્ષક ફ્લોટ્સ, ત્રિશૂળ અને સિંહની પ્રતિકૃતિઓએ સૌના મન મોહી લીધા હતા. ખાસ કરીને ઉત્તર પ્રદેશનું મયુર નૃત્ય, પંજાબનું ગીધ્ધા અને નાસિકના ઢોલના તાલે સમગ્ર વાતાવરણને આધ્યાત્મિક ઊર્જાથી તરબતર કરી દીધું હતું. ઋષિ કુમારોના વેદગાન અને શંખનાદ વચ્ચે પીએમ મોદીએ ડમરુ વગાડીને યુવા પેઢીને સનાતન સંસ્કૃતિના વારસાને જાળવી રાખવાનો મૌન સંદેશ આપ્યો હતો. આ આયોજનમાં ગુજરાતના ગરબા અને તલવાર રાસની પ્રસ્તુતિએ શૌર્યની પરાકાષ્ઠા દર્શાવી હતી, જેણે વિદેશી અને સ્થાનિક પ્રવાસીઓને મંત્રમુગ્ધ કર્યા હતા.

આ ઐતિહાસિક પર્વ સોમનાથના પુનરુત્થાન અને અતૂટ શ્રદ્ધાની ગાથાને ફરી જીવંત કરતું હતું. વડાપ્રધાને હમીરજી ગોહિલની પ્રતિમા પાસે પહોંચીને શૌર્યને નમન કર્યા હતા, જે આ યાત્રાનો સૌથી ભાવુક અને ગૌરવશાળી ક્ષણ હતો. સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે પીએમ મોદીએ જે રીતે આ પર્વને રાષ્ટ્રીય સ્વરૂપ આપ્યું છે, તેનાથી વિશ્વભરમાં ભારતીય સાંસ્કૃતિક શક્તિનો પડઘો પડ્યો છે. આ શૌર્યયાત્રાએ દર્શાવ્યું છે કે આક્રમણો સામે ભલે પથ્થરો તૂટ્યા હોય, પણ ભારતની આસ્થા ક્યારેય ડગી નથી અને તે આજે પણ અવિનાશી છે.

(3:10 PM IST)