News of Sunday, 11th January 2026
સોમનાથના શિખરે સ્વાભિમાનનો સૂર્યોદય: પીએમ મોદીએ મહાદેવને અર્પણ કરી ઐતિહાસિક 'મરાઠી પાઘ', અહલ્યાબાઈ હોલ્કરની સ્મૃતિ થઈ જીવંત
ભક્તિ, સ્ત્રી શક્તિ અને દરિદ્ર નારાયણની સેવાનો ત્રિવેણી સંગમ: ૨૧ પીતાંબર અને ચાંદીના આભૂષણોથી મઢેલી વિશેષ પાઘ સોમનાથ દાદાના ચરણે ધરી, ગીરની ગ્રામીણ મહિલાઓએ તૈયાર કરેલી કલાત્મક કૃતિ પીએમ મોદીને ભેટ - પૂજા બાદ ૨૧,૦૦૦ જરૂરિયાતમંદોને વસ્ત્ર પ્રસાદ પહોંચાડવાની અનોખી પરંપરા

પ્રભાસ પાટણ:સોમનાથની પુણ્યભૂમિ પર રવિવારે 'સોમનાથ સ્વાભિમાન પર્વ'ના અવસરે એક એવી ક્ષણ સર્જાઈ જેણે ભારતીય સંસ્કૃતિ અને ઈતિહાસના ગૌરવને પુનઃ સ્થાપિત કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને એક વિશેષ 'મરાઠી પાઘ' અર્પણ કરી હતી. આ પાઘ માત્ર વસ્ત્ર નથી, પરંતુ જે સમયે સોમનાથ મંદિર ખંડેર હાલતમાં હતું ત્યારે ત્યાં શિવપૂજાની અખંડ જ્યોત પ્રજ્વલિત રાખનારા પુણ્યશ્લોક રાજમાતા અહલ્યાબાઈ હોલ્કર પ્રત્યેની રાષ્ટ્રીય શ્રદ્ધાંજલિ છે. સોમનાથ ટ્રસ્ટ સાથે જોડાયેલી મહિલાઓ દ્વારા અત્યંત નિષ્ઠાપૂર્વક તૈયાર કરવામાં આવેલી આ પાઘ અર્પણ કરીને વડાપ્રધાને ભારતીય સ્ત્રી શક્તિના સામર્થ્યને વિશ્વ સમક્ષ ઉજાગર કર્યું છે.
આ પાઘની બનાવટ અને તેની પાછળનો ભાવ અત્યંત ગહન છે. તેમાં ૨૧ પીતાંબર અને ચાંદીના કલાત્મક આભૂષણોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ભારતીય પરંપરામાં 'પાઘ' એ વ્યક્તિના સન્માન અને ખ્યાતિનું પ્રતીક મનાય છે. જ્યારે દેશનો પદપ્રધાન દેવાધિદેવના ચરણે પાઘ ધરે છે, ત્યારે તેનો અર્થ એ છે કે તેઓ પોતાની તમામ સિદ્ધિઓ અને સન્માન દાદાના ચરણે અર્પીને મહાદેવને રાષ્ટ્રના રક્ષક બનાવે છે. આ પાઘમાં પંજાબથી લઈને મહારાષ્ટ્ર અને ગુજરાત સુધીની વિવિધતાસભર પાઘડીઓની સંસ્કૃતિનો અંશ સમાયેલો છે, જે 'એક ભારત-શ્રેષ્ઠ ભારત'ની વિભાવનાને સાર્થક કરે છે.
સોમનાથ ટ્રસ્ટની આ પરંપરાની સૌથી સુંદર કડી એ છે કે, પૂજામાં અર્પણ થયા બાદ આ પાઘનો વસ્ત્ર પ્રસાદ લોકસેવામાં વપરાય છે. પાઘમાં વપરાયેલા પીતાંબર અને સાડીઓને ગુજરાતભરના વૃદ્ધાશ્રમો, દિવ્યાંગગૃહો અને આદિવાસી વિસ્તારોમાં જરૂરિયાતમંદ લોકોમાં વિતરણ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં ૨૧,૦૦૦થી વધુ દરિદ્ર નારાયણો સુધી સોમનાથ દાદાનો આ વસ્ત્ર પ્રસાદ પહોંચી ચૂક્યો છે. આ રીતે, મંદિરમાં ચઢાવવામાં આવેલી ભેટ સીધી માનવસેવાના કાર્યમાં રૂપાંતરિત થાય છે, જે સનાતન ધર્મનો સાચો અને ઉમદા સંદેશ છે.
વડાપ્રધાનને આ અવસરે સોમનાથ ટ્રસ્ટ તરફથી એક વિશેષ કલાત્મક કૃતિ પણ ભેટ આપવામાં આવી હતી. ગીર પ્રદેશની ગ્રામીણ મહિલાઓએ કીલ અને ધાગા (Nail & Thread art) થી તૈયાર કરેલી આ કૃતિમાં સોમનાથના સ્વાભિમાનની યાત્રા કંડારવામાં આવી છે. સરદાર પટેલના સંકલ્પથી શરૂ થયેલી સોમનાથના પુનરુત્થાનની ગાથા અને પીએમ મોદીના નેતૃત્વમાં મંદિરના પરમ વૈભવ સુધીની સફર આ કલામાં જીવંત થાય છે. આ પર્વે સાબિત કર્યું છે કે સોમનાથ માત્ર એક ધાર્મિક સ્થળ નથી, પરંતુ તે ભારતના આત્મગૌરવ અને આત્મનિર્ભરતાનું પ્રેરણાકેન્દ્ર છે.
(3:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
