તા. ૧૯ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૮ શનિવાર
ગ્રાહકો પાસેથી બળજબરીથી સર્વિસ ચાર્જ વસૂલતા ૨૭ રેસ્ટોરન્ટ સામે CCPAની લાલ આંખ : મસમોટો દંડ ફટકાર્યો
બિલમાં ડિફોલ્ટ રીતે ચાર્જ ઉમેરવો એ કાયદાનું ઉલ્લંઘન : દિલ્હી હાઈકોર્ટના ચુકાદા બાદ કડક કાર્યવાહી : ગ્રાહકોને સર્વિસ ચાર્જની રકમ પરત કરવા અને બિલિંગ સિસ્ટમ સુધારવા આદેશ

નવી દિલ્હી : દેશભરની હોટલ અને રેસ્ટોરન્ટ્સમાં ગ્રાહકો પાસેથી લેવામાં આવતા સર્વિસ ચાર્જ અંગે સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) એ કડક વલણ અપનાવ્યું છે. કાયદાનું ઉલ્લંઘન કરી ગ્રાહકો પાસેથી ફરજિયાત સર્વિસ ચાર્જ વસૂલતા ૨૭ રેસ્ટોરન્ટ્સ સામે ઓથોરિટીએ स्वतः સંજ્ઞાન (Suo Motu) લઈને કાર્યવાહી કરી છે. આ રેસ્ટોરન્ટ્સ પર ₹૫૦,૦૦૦ સુધીનો દંડ ફટકારવામાં આવ્યો છે અને વસૂલવામાં આવેલી રકમ ગ્રાહકોને પરત કરવાના આદેશો આપવામાં આવ્યા છે.
ગ્રાહકોના અધિકારોનું ઉલ્લંઘન અને દંડ:
નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન પર મળેલી વ્યાપક ફરિયાદોને આધારે CCPA એ તપાસ હાથ ધરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે અનેક રેસ્ટોરન્ટ્સ બિલમાં બાય-ડિફોલ્ટ ૧૦ ટકા સર્વિસ ચાર્જ જોડી રહ્યા હતા, જે ગ્રાહક સુરક્ષા અધિનિયમ, ૨૦૧૯ની કલમ ૨(૪૭) હેઠળ 'અન્યાયી ટ્રેડ પ્રેક્ટિસ' ગણાય છે. આ કાર્યવાહી અંતર્ગત પટનાના 'કેફે બ્લુ બોટલ' પર ₹૩૦,૦૦૦ અને મુંબઈના 'ચાઇના ગેટ રેસ્ટોરન્ટ (બોરા બોરા)' પર ₹૫૦,૦૦૦નો દંડ લાદવામાં આવ્યો છે.
હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો:
માર્ચ ૨૦૨૫ માં દિલ્હી હાઈકોર્ટે CCPA ની ગાઈડલાઈન્સને યોગ્ય ઠેરવતા ચુકાદો આપ્યો હતો કે રેસ્ટોરન્ટ દ્વારા સર્વિસ ચાર્જની અનિવાર્ય વસૂલાત કાયદાની વિરુદ્ધ છે. ૪ જુલાઈ, ૨૦૨૨ ના રોજ જાહેર કરાયેલી ગાઈડલાઈન્સ મુજબ, કોઈ પણ હોટલ કે રેસ્ટોરન્ટ ખાવાના બિલમાં પોતાની મેળે કે ડિફોલ્ટ રીતે સર્વિસ ચાર્જ ઉમેરી શકશે નહીં, તેમજ અન્ય કોઈ નામે પણ આવો ચાર્જ વસૂલી શકાશે નહીં.
નિયમો અને ગ્રાહકો માટે જાણકારી:
CCPA એ સ્પષ્ટ કર્યું છે કે સર્વિસ ચાર્જ આપવો એ ગ્રાહકની મરજી પર નિર્ભર છે. રેસ્ટોરન્ટે ગ્રાહકને સ્પષ્ટ જણાવવું પડશે કે આ ચાર્જ સ્વૈચ્છિક અને વૈકલ્પિક (ઓપ્શનલ) છે. જો કોઈ ગ્રાહક સર્વિસ ચાર્જ ચૂકવવાનો ઇનકાર કરે, તો તેને રેસ્ટોરન્ટમાં પ્રવેશતા અટકાવી શકાય નહીં અથવા સેવા આપવાની ના પાડી શકાય નહીં.
ઓથોરિટીએ રેસ્ટોરન્ટ્સને તેમની સોફ્ટવેર અને બિલિંગ સિસ્ટમમાં તાત્કાલિક સુધારો કરવા સૂચના આપી છે જેથી સર્વિસ ચાર્જ ડિફોલ્ટ રીતે બિલમાં ન જોડાય. CCPA એ વધુમાં ઉમેર્યું હતું કે તેઓ ગ્રાહકોના અધિકારોની રક્ષા માટે હેલ્પલાઇન પરની ફરિયાદો પર સતત નજર રાખી રહ્યા છે અને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે ભવિષ્યમાં પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
