<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th January 2026

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગાંધીનગરના મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશને લીલી ઝંડી આપી મેટ્રો રેલને કરાવ્યું પ્રસ્થાન

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિ:"જય સોમનાથ, જય સોમનાથ નરેન્દ્રભાઈને જય સોમનાથ"ના નાદ સાથે સમગ્ર મેટ્રો સ્ટેશન ગુંજી ઉઠ્યું

ગાંધીનગર : વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ આજે ગાંધીનગર ખાતે મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનેથી લીલી ઝંડી આપી મેટ્રો રેલને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
વડાપ્રધાનએ આ વેળાએ ઉપસ્થિત નગરજનો પાસે ચાલતા જઈને, અભિવાદન ઝીલ્યું હતું અને નગરિકોનો ઉત્સાહ વધાર્યો હતો.
ગુજરાતની જનતાને આધુનિક અને ઝડપી પરિવહન સુવિધા પૂરી પાડવાના સંકલ્પ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મહાત્મા મંદિરથી જૂના સચિવાલય સુધી મેટ્રો રેલમાં સવારી કરી હતી. મેટ્રોમાં મુસાફરી કરી રહેલા સામાન્ય નાગરિકો અને વિદ્યાર્થીઓ સાથે મુખ્યમંત્રીએ સહજ સંવાદ સાધ્યો હતો અને મેટ્રો સેવા અંગેના તેમના પ્રતિભાવો જાણ્યા હતા.
વડાપ્રધાનના આગમન થતા જ અહીં ઉપસ્થિત નાગરિકોએ તિરંગો ધ્વજ લહેરાવીને "જય સોમનાથ, જય સોમનાથ નરેન્દ્રભાઈને જય સોમનાથ"ના નાદ સાથે મેટ્રો સ્ટેશનને ભક્તિમય બનાવી દીધું હતું.
મેટ્રો સ્ટેશન ખાતે વડાપ્રધાનના સ્વાગત માટે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા, જ્યાં ઢોલ અને શરણાઈથી વડાપ્રધાનનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
મેટ્રો રેલના પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગના ડાયરેક્ટર આનંદ સિંગ બિસ્ટના જણાવ્યા મુજબ, અમદાવાદ- ગાંધીનગર, મેટ્રો રેલનું લોકાર્પણ ઓક્ટોબર ૨૦૨૨માં અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સપ્ટેમ્બર ૨૦૨૪માં વડાપ્રધાનના હસ્તે મોટેરાથી સેક્ટર-૧ તથા જીએનએલયુ અને ગિફ્ટ સિટી સુધીની મેટ્રો રેલનું લોકાર્પણ કરાયું હતું. 
આજે વડાપ્રધાનના હસ્તે બાકી રહેલા ફેઝ-૨ના ૭.૮ કિલોમીટરના ૭ મેટ્રો સ્ટેશનને આવરી લેતી મેટ્રો રેલનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ફેઝ–૧માં દૈનિક ૩૫ હજાર મુસાફરો મેટ્રો રેલમાં મુસાફરી કરતા હતા, આજે હવે ફેઝ ૧ અને ૨ મળીને દૈનિક ધોરણે, અમદાવાદ - ગાંધીનગરની સાંકળતા સ્ટેશનો વચ્ચે અંદાજે ૧.૬૦ લાખ મુસાફરો મુસાફરી કરી રહ્યા છે, જે ૬૦ ટકાનો વધારો દર્શાવે છે.
આ અવસરે મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ધારાસભ્ય સર્વે શ્રીમતી રીટાબેન પટેલ, અલ્પેશ ઠાકોર, મુખ્ય સચિવ એમ. કે. દાસ, ગાંધીનગર કલેકટર મેહુલ દવે,અગ્રણીઓ આશિષ દવે, આઈ.જી.વિરેન્દ્રસિંઘ યાદવ, જિલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી સહિત ઉચ્ચ અધિકારીઓ, મેટ્રો રેલના અધિકારીઓ, એનસીસી કેડેટસ, વિદ્યાર્થીઓ અને નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા

(10:00 PM IST)