<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th January 2026

બંગલાદેશમાં વધુ એક હિન્‍દુ યુવાનને માર્યો ને પછી ઝેર આપીને મારી નાખ્‍યો

છેલ્‍લા ૧૮ દિવસમાં ૭ હિન્‍દુઓની હત્‍યાઃ બંગલાદેશ હિન્‍દુ બૌદ્ધ ઈસાઈ એકતા પરિષદે ગયા મહિને સાંપ્રદાયિક હિંસાની ૫૧ ઘટનાઓ નોંધી હતી

ઢાકા,તા.૧૨: બંગલાદેશમાં હિન્‍દુઓની સ્‍થિતિ સુધરવાનું નામ નથી લેતી. આ વખતે સુનામગંજ જિલ્‍લામાં રહેતા જોય મહાપાત્રો નામના યુવાનની હત્‍યા થઈ છે. પરિવારનું કહેવું છે કે જોયની પહેલાં મારપીટ કરવામાં આવી હતી અને એ પછી તેને ઝેર પીવડાવી દીધું હતું. એ પછી તેને હોસ્‍પિટલ લઈ જવાયો હતો, પરંતુ તે બચી શક્‍યો નહોતો.

ભારતના વિદેશમંત્રાલયના પ્રવક્‍તા રણધીર જાયસવાલે કહ્યું હતું કે ‘બંગલાદેશમાં કટ્ટરપંથીઓ દ્વારા અલ્‍પસંખ્‍યકો સાથે તેમનાં ઘરો અને વ્‍યવસાયો પર થતા હુમલાનો સિલસિલો ચિતાજનક છે. આ પ્રકારની સાંપ્રદાયિક ઘટનાઓ સામે સખતાઈ જરૂરી છે. આ ઘટનાઓમાં વ્‍યક્‍તિગત દુશ્‍મની, રાજનીતિક મતભેદો અને અન્‍ય કારણોને જોડી દેવાની પ્રવૃત્તિ ચિતાજનક છે. '

બંગલાદેશ હિન્‍દુ બૌદ્ધ ઈસાઈ એકતા પરિષદે ગયા મહિને સાંપ્રદાયિક હિસાની ૫૧ ઘટનાઓ નોંધી હતી. એમાં ૧૦ હત્‍યાઓ, ચોરી અને લૂંટફાટની ૧૦ વ્‍યક્‍તિગત ઘટનાઓ તેમ જ વ્‍યાપારિક સંસ્‍થાઓ અને મંદિરો પર કબજો જમાવીને લૂંટફાટ કરવાની ૨૩ ઘટનાઓ સામેલ છે.

જાન્‍યુઆરી મહિનામાં ૪ હિન્‍દુઓની હત્‍યા થઈ છે એને કારણે ડિસેમ્‍બર અને જાન્‍યુઆરી મહિનાનો સંયુક્‍ત મૃત્‍યુનો આંકડો ૧૪ સુધી પહોંચી ગયો છે. 

(10:10 AM IST)