<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th January 2026

દુશ્‍મનના દીકરાને દિલ દઈ બેઠી દીકરીઃ ના પાડી છતાં વાતો કરતીઃ પિતાએ ગળું દબાવીને પતાવી દીધી

હમ દિલ દે ચૂકે સનમઃ સોનભદ્રના ધોરાવલ કોતવાલી વિસ્‍તારના મહુઆંવ પાંડેય ગામની આ ઘટના

સોનભદ્ર,તા.૧૨: ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્‍લામાં તાજેતરમાં એક ૧૮ વર્ષની છોકરીની ઘરમાં સૂતી વખતે હત્‍યા કરવાનો મામલો સામે આવ્‍યો હતો. પિતાએ ગામના જ અમુક લોકો પર ગળું દબાવીને હત્‍યા કરવાનો આરોપ લગાવ્‍યો હતો, પણ જ્‍યારે પોલીસે તપાસ કરી તો ચોંકાવનારો ખુલાસો થયો. જે માતા-પિતાએ પોતાની દીકરીને નાનપણથી ઉછેરી હતી, તેની તેમણે ખુદ હત્‍યા કરી નાખી. કારણ હતું તેનું લફરું. આવો જાણીએ શું છે આ સમગ્ર મામલો....

સોનભદ્રના ધોરાવલ કોતવાલી વિસ્‍તારના મહુઆંવ પાંડેય ગામની આ ઘટના છે. અહીંના રહેવાસી રામલખન ઉર્ફ રવિ ઉર્ફ બાઠે અને મા કૃષ્‍ણાવતીએ પોલીસને ફરિયાદ આપી હતી કે તેમની દીકરી આરતી રવિવાર રાતે પરિવાર સાથે સૂતી હતી. સોમવાર સવારે પરિવારના સભ્‍ય પોતાની દિનચર્યામાં લાગી ગયા અને આરતી રૂમમાંથી બહાર આવી નહીં. લગભગ બે કલાક બાદ જ્‍યારે તે રૂમમાંથી બહાર ન આવી, તો પરિવારના લોકો તેને જગાડવા માટે ગયા. ત્‍યારે જાણવા મળ્‍યું કે તે હવે નથી રહી. તો વળી ગળા પર નિશાન પણ જોવા મળ્‍યા. આ ઉપરાંત પરિવારના સભ્‍યોએ ગામના જ બે-ત્રણ લોકો પર આરતીની હત્‍યાની શંકા વ્‍યક્‍ત કરી હતી.

જ્‍યારે પોલીસે તપાસ કરી તો સામે આવ્‍યું કે છોકરીની હત્‍યા તેના માતા-પિતાએ ગળું દબાવીને કરી હતી. પાંચ દિવસની તપાસ બાદ પોલીસે બંનેની ધરપકડ કરી લીધી. પૂછપરછ બાદ દંપત્તિ પર હત્‍યા અને પૂરાવા નાશ કરવાની કલમ અંતર્ગત કેસ નોંધાયો હતો.

ધોરાવલના સીઓ રાહુલ પાંડેયે જણાવ્‍યું કે, શરુઆતમાં અમુક પૂરાવા નહોતા મળતા. પણ જ્‍યારે ગામલોકો સાથે પૂછપરછ કરી તો જાણવા મળ્‍યું કે રામલખન પહેલાથી બે હત્‍યા સહિત કેટલીય ગુનાહિત ઘટનાઓમાં સંડોવાયેલો છે. આ રેકોર્ડ જોતા તપાસ કરી. પછી જાણવા મળ્‍યું કે આરતી ગુસ્‍સામાં રાતમાં જ ખેતરવાળા ઘરમાંથી ઉઠીને ગામવાળા ઘરમાં આવતી રહી હતી.

આ કેસમાં પોલીસે માતા-પિતાની અટકાયત કરી કડકાઈથી પૂછપરછ કરી તો આખી કહાની સામે આવી ગઈ. પિતાએ જણાવ્‍યું કે જેમની સાથે તેમને દુશ્‍મની હતી. તેમના દીકરા સાથે આરતી વાત કરતી હતી. ઘણી વાર ના પાડી, પણ જ્‍યારે માની નહીં તો દીકરીને ઠપકો આપ્‍યો અને યુવક સાથે મારપીટ પણ કરી હતી. તેમ છતાં આરતી તેની સાથે ફોન પર વાત કરતી હતી.

ઘટનાની રાતે પણ તેમણે દીકરીને એ છોકરા સાથે વાત કરતા પકડી હતી અને કેટલાય લાફા માર્યા હતા. આ વાતથી નારાજ થઈને આરતી રાતમાં જ જ્‍યારે બધા સૂઈ ગયા તો ત્‍યાંથી ભાગી ગામવાળા ઘરે આવી ગઈ હતી. ઊંઘ ખુલતા જ્‍યારે તે દેખાઈ નહીં તો શોધ કરતા તે ગામવાળા ઘરે આવી હોવાનું જાણવા મળ્‍યું હતું. તે આરામથી સૂઈ રહી હતી, ત્‍યારે પિતાને ગુસ્‍સો આવ્‍યો અને ગળું દબાવીને હત્‍યા કરી નાખી. પોલીસને ગુમરાહ કરવા માટે ફોન પર વાત કરનારા જ હત્‍યાનો આરોપ લગાવી ફરિયાદ નોંધાવી હતી.

(10:13 AM IST)