ચાંદીમાં ૮૫૦૦-સોનામાં ર૦૦૦ રૂા.નો ઉછાળો બંને ધાતુઓના ભાવો સર્વોચ્ચ સપાટીએ
ચાંદીના ભાવ વધીને ર,૬૪,પ૦૦ અને સોનાના ભાવ ૧,૪૪,પ૦૦ની નવી ઐતિહાસિક સપાટીએ

રાજકોટ, તા., ૧રઃ બુલીયન માર્કેટમાં નવા સપ્તાહના પ્રારંભે સોના-ચાંદીના ભાવમાં ફરી તેજીનો તરખાટ જોવા મળતા બંને કિંમતી ધાતુઓના ભાવો સર્વોચ્ચ સપાટી સર કરી છે. ચાંદીમાં ૮૫૦૦ અને સોનામાં ર૦૦૦ રૂા.નો ભાવવધારો થયો છે.
બુલીયન માર્કેટમાં સેન્ટમાં તેજીને પગલે આજે ચાંદીમાં ૮૫૦૦ રૂા. વધ્યા હતા. શનિવારે ચાંદી (૧ કિલો) ના ભાવ ર,પ૬,૦૦૦ રૂા. હતા તે વધીને આજે ર,૬૪,પ૦૦ની નવી ઐતિહાસિક સપાટીએ ભાવ પહોંચ્યા હતા. ગત સપ્તાહમાં ચાંદીના ભાવો વધ્યા બાદ ઘટયા હતા. જો કે સપ્તાહના અંતે ચાંદીમાં ફરી ભાવવધારો થયો હતો. નવા સપ્તાહના પ્રારંભે એક જ ઝાટકે ૮,પ૦૦ રૂા.નો તોતીંગ ઉછાળો થતા ચાંદીના ભાવે નવી સપાટી સર કરી છે.
ચાંદીની સાથે સોનામાં પણ ર૦૦૦ રૂા. વધ્યા હતા. બુલીયન માર્કેટમાં ડોલરમાં તેજીને પગલે સ્થાનીક બજારમાં સોનામાં ર૦૦૦ રૂા.નો ભાવવધારો થતા શનિવારે સોનુ સ્ટાન્ડર્ડ (૧૦ ગ્રામ)નો ભાવ ૧,૪ર,પ૦૦ રૂા. હતા તે વધીને આજે ૧,૪૪,પ૦૦ ની નવી ટોચની સપાટી બનાવી છે. સોનાના બિસ્કીટમાં ર૦,૦૦૦ રૂા.નો ઉછાળો થયો છે. સોનાના બિસ્કીટ (૧૦૦ ગ્રામ)નો ભાવ ૧૪,રપ,૦૦૦ રૂા. હતા. તે વધીને ૧૪,૪પ,૦૦૦ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્યા છે. વિશ્વ માર્કેટમાં જીઓ પોલીટીકલ અને યુધ્ધની સ્થિતિ વચ્ચે સોના-ચાંદીના ભાવોમાં જબ્બર ઉછાળો થયાનું ઝવેરી બજારના સુત્રોએ જણાવ્યું હતું.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
