<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th January 2026

એસ્‍સાર ગ્રૂપે રાજકોટમાં યોજાયેલ વાઈબ્રન્‍ટ સમિટમાં સ્‍વચ્‍છ ઊર્જા માટેની મહત્‍વાકાંક્ષી યોજનાઓ જાહેર કરી : આગામી પાંચ વર્ષમાં ૧૫ ગીગા વોટ ક્ષમતાનું લક્ષ્યઃ પ્રશાંત રૂઈયા

રાજકોટ : રાજકોટ ખાતે યોજાયેલી વાઈબ્રન્‍ટ ગુજરાત રિજિયોનલ સમિટમાં એસ્‍સાર ગ્રૂપે ઊર્જા ક્ષેત્રે ક્રાંતિકારી પહેલ કરતા પોતાની સ્‍વચ્‍છ અને વિશ્વસનીય ઊર્જા માટેની વ્‍યાપક યોજનાઓ રજૂ કરી હતી.

કંપનીએ પરંપરાગત ઊર્જા ઉત્‍પાદનને લો-કાર્બન સોલ્‍યુશન્‍સ સાથે જોડીને પર્યાવરણને અનુકૂળ અને દેશની પ્રગતિમાં સહાયક એવી નવી રણનીતિ જાહેર કરી છે.

સલાયા પ્‍લાન્‍ટનું વિસ્‍તરણ અને ગ્રીન એનર્જી તરફ પ્રયાણ

એસ્‍સાર પાવર હાલમાં દેવભૂમિ દ્વારકાના સલાયા ખાતે આધુનિક ટેકનોલોજી આધારિત ૧.૨ ગીગા વોટના પાવર પ્‍લાન્‍ટનું સફળ સંચાલન કરી રહ્યું છે.

કંપની હવે તેની આ પરંપરાગત પાવર ક્ષમતાને ૧.૨ ગીગા વોટથી વધારીને લગભગ ૫ ગીગા વોટ સુધી લઈ જવાની યોજના ધરાવે છે. આ વિસ્‍તરણની સાથે જ કંપની કાર્યક્ષમતા સુધારવા અને કાર્બન ઉત્‍સર્જન ઘટાડવા પર વિશેષ ભાર મૂકી રહી છે.

રિન્‍યુએબલ એનર્જી સેક્‍ટરમાં ૧૫ ગીગા વોટનો લક્ષ્યાંક

પરંપરાગત ઊર્જાની સાથે એસ્‍સાર ગ્રૂપ રિન્‍યુએબલ એનર્જી (પુનઃપ્રાપ્‍ય ઊર્જા) ક્ષેત્રે પણ મોટી છલાંગ લગાવી રહ્યું છે.

ગ્રૂપ દ્વારા સોલાર, વિન્‍ડ અને બેટરી એનર્જી સ્‍ટોરેજ જેવા પ્રોજેક્‍ટ્‍સ વિકસાવવામાં આવી રહ્યા છે.

કંપનીએ આગામી પાંચ વર્ષમાં ૧૫ ગીગા વોટ રિન્‍યુએબલ એનર્જી ક્ષમતા નિર્માણનું આયોજન કર્યું છે, જે ગુજરાત અને દેશના ગ્રીન એનર્જી મિશનમાં મહત્‍વનો ફાળો આપશે.

નોંધનીય છે કે, એસ્‍સાર ગ્રૂપે કેન્‍દ્ર સરકારની એન.એચ.પી.સી. અને એસ.જે.વી.એન. તરફથી ૯૦૦ મેગાવોટ ક્ષમતાના કુલ ત્રણ રિન્‍યુએબલ એનર્જીના ટેન્‍ડર મેળવ્‍યા છે.

આ પ્રોજેક્‍ટ્‍સ ૧.૫ ગીગા વોટ સ્‍થાપિત ક્ષમતા સુધી પહોંચવાની અપેક્ષા છે, જે ભારત સરકારના ૨૦૩૦ સુધીમાં ૫૦૦ ગીગા વોટ નવીનીકરણયોગ્‍ય ઊર્જા હાંસલ કરવાના લક્ષ્યાંક સાથે સુસંગત છે.

દેશની પ્રથમ બાયો-રિફાઇનરી અને ભવિષ્‍યનું ઈંધણ

એસ્‍સાર હવે 'ફયુચર એનર્જી' એટલે કે ભવિષ્‍યના ઈંધણ તરફ આગળ વધી રહ્યું છે. કંપની પ્રતિ વર્ષ ૧ મિલિયન ટનની ક્ષમતા ધરાવતી કોમર્શિયલ ‘સસ્‍ટેનેબલ એવિએશન ફયુઅલ' (એસ.એ.એફ઼.) અને ‘હાઈડ્રોટ્રીટેડ વેજીટેબલ ઓઈલ' (એચ.વી.ઓ.) બાયો-રિફાઇનરીનું નિર્માણ કરી રહી છે. આ પ્રકારની આ દેશની પ્રથમ રિફાઇનરી હશે.

આ પ્રોજેક્‍ટથી વિમાન સેવા, જહાજ સેવા અને ભારે પરિવહન ક્ષેત્રોમાં કાર્બન ઉત્‍સર્જન ઘટાડવામાં (ડિકાર્બનાઈઝેશન) મોટી મદદ મળશે.

(2:19 PM IST)