<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th January 2026

નરેન્‍દ્રભાઈના નેતૃત્‍વમાં ભારતની

માનસિકતામાં આમૂલ પરિવર્તન આવ્‍યું છેઃ કરણ અદાણી ભારત જ્‍યારે ‘વિકસિત ભારત ૨૦૪૭' તરફ આગળ વધી રહ્યું છે, ત્‍યારે ગુજરાત આ પરિવર્તનનો મુખ્‍ય આધારસ્‍તંભ બની રહેશે

રાજકોટઃ રાજકોટના આંગણે યોજાયેલા ભવ્‍ય ‘વાઈબ્રન્‍ટ ગુજરાત ૨૦૨૬' કાર્યક્રમમાં અદાણી ગ્રુપના શ્રી કરણ અદાણીએ મહત્‍વની જાહેરાત કરતા જણાવ્‍યું હતું કે, અદાણી જૂથ આગામી પાંચ વર્ષમાં કચ્‍છ ક્ષેત્રમાં ૧.૫ લાખ કરોડ રૂપિયાનું જંગી રોકાણ કરશે. આ પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી, મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્‍યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સહિતના મહાનુભાવોની ઉપસ્‍થિતિમાં તેમણે ગુજરાતના વિકાસ મોડલ અને ભારતના ઉજ્જવળ ભવિષ્‍ય અંગે વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો હતો.

વિકાસની નવી પરિભાષા અને ગુજરાતનું યોગદાન શ્રી કરણ અદાણીએ તેમના વક્‍તવ્‍યમાં જણાવ્‍યું હતું કે, વડાપ્રધાનશ્રીના નેતૃત્‍વમાં ભારતમાં માત્ર કદમાં જ નહીં પરંતુ માનસિકતામાં પણ મૂળભૂત પરિવર્તન આવ્‍યું છે. વિકાસને હવે માત્ર એક પ્રોજેક્‍ટ તરીકે નહીં પરંતુ સભ્‍યતાના મિશન તરીકે જોવામાં આવે છે. તેમણે ગુજરાતના ઔદ્યોગિક વિકાસના આંકડા રજૂ કરતા કહ્યું હતું કે ભારતના જીડીપીમાં ગુજરાતનું યોગદાન ૮ ટકાથી વધુ છે.

દેશના કુલ ઔદ્યોગિક ઉત્‍પાદનમાં ગુજરાતનો હિસ્‍સો ૧૭ ટકા છે. દેશના ૪૦ ટકા કાર્ગોનું સંચાલન ગુજરાતના બંદરો દ્વારા થાય છે.

કચ્‍છ બન્‍યું પરિવર્તનનું પ્રતીક

કચ્‍છના વિકાસ અંગે વાત કરતા તેમણે કહ્યું હતું કે, એક સમયે દુર્ગમ ગણાતું કચ્‍છ આજે વ્‍યૂહાત્‍મક ઔદ્યોગિક હબ બન્‍યું છે. મુન્‍દ્રા અદાણી જૂથની કર્મભૂમિ છે. મુન્‍દ્રા માત્ર દેશનું સૌથી મોટું કોમર્શિયલ પોર્ટ જ નથી, પરંતુ ત્‍યાં કોપર સ્‍મેલ્‍ટર, કોલસાથી પીવીસી અને સોલાર ઉત્‍પાદન જેવા મોટા પ્રોજેક્‍ટ્‍સ કાર્યરત છે.

ભવિષ્‍યના રોકાણો અને ૩૭ ગીગાવોટનો રિન્‍યુએબલ એનર્જી પાર્ક અદાણી જૂથના ભાવિ આયોજનો અંગે મહત્‍વની જાહેરાત કરતા તેમણે જણાવ્‍યું હતું કે આગામી ૫ વર્ષમાં કચ્‍છ વિસ્‍તારમાં ૧.૫ લાખ કરોડનું નવું રોકાણ કરવામાં આવશે.

ખાવડા ખાતે વિશ્વનો સૌથી મોટો રિન્‍યુએબલ એનર્જી પાર્ક વિકસાવાઈ રહ્યો છે, જ્‍યાં ૨૦૩૦ સુધીમાં ૩૭ ગીગાવોટ વીજ ઉત્‍પાદન ક્ષમતા પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. આગામી ૧૦ વર્ષમાં મુન્‍દ્રા બંદરની ક્ષમતા બમણી કરવામાં આવશે.

અંતમાં તેમણે ઉમેર્યું હતું કે, ભારત જ્‍યારે 'વિકસિત ભારત ૨૦૪૭' તરફ આગળ વધી રહ્યું છે, ત્‍યારે ગુજરાત આ પરિવર્તનનો મુખ્‍ય આધારસ્‍તંભ બની રહેશે અને અદાણી જૂથ રાષ્ટ્રનિર્માણમાં વિશ્વસનીય ભાગીદાર તરીકે પ્રતિબદ્ધ છે.

(2:22 PM IST)