<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th January 2026

પત્‍નિને પોલીસ અધિકારી બનાવવા પુજારી પતિએ રાત-દિવસ એક કરી દીધા : વરધી પહેરાતા જ પત્‍નિનો બદલાયો રંગ : માગ્‍યા છૂટાછેડા

પતિ ધોતી-કુર્તો પહેરે છે અને મંદિરમાં પુજારી છે, જેના કારણે તેને સમાજમાં શરમ અનુભવાય છે : પત્‍નિનું બ્‍હાનુ

ભોપાલ, તા.૧૨: ભોપાલની ફેમિલી કોર્ટમાંથી એક એવો મામલો સામે આવ્‍યો છે, જેણે સંબંધો, મહત્‍વાકાંક્ષા અને વ્‍યક્‍તિગત ઓળખ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. આ મામલો એક પોલીસ અધિકારી અને તેના પુજારી પતિનો છે. પતિએ પોતાની કમાણીનો મોટો ભાગ પત્‍નીને પોલીસ ઓફિસર બનાવવા માટે તેના અભ્‍યાસ અને તૈયારીમાં ખર્ચી નાખ્‍યો. પરંતુ પોસ્‍ટિંગ મળતાં જ પત્‍નીએ તેની પાસેથી છૂટાછેડા માંગી લીધા છે. કારણ કે હવે પત્‍નીને પતિના પહેરવેશ, તેના કામ અને તેની ઓળખથી શરમ આવે છે. મહિલા તાજેતરમાં જ સબ-ઇન્‍સ્‍પેક્‍ટર બની છે અને તરત જ તેણે કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી દીધી છે. તેનું કહેવું છે કે, પતિ ધોતી-કુર્તો પહેરે છે અને મંદિરમાં પુજારી છે, જેના કારણે તેને સમાજમાં શરમ અનુભવાય છે.

તો બીજી બાજુ પતિનું કહેવું છે કે, લગ્ન વખતે પત્‍નીનું સપનું પોલીસ વિભાગમાં જોડાવાનું હતું, જેને પૂરું કરવા તેણે રાત-દિવસ એક કરી દીધા. તે મંદિરમાં પૂજા-પાઠ અને ધાર્મિક વિધિઓ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો અને તે જ કમાણીથી તેણે પત્‍નીની કોચિંગ, અભ્‍યાસ અને પરીક્ષાની તૈયારી કરાવી. પતિ-પત્‍ની ત્રણથી ચાર વર્ષ સુધી સાથે રહ્યા. પત્‍નીએ સબ-ઇન્‍સ્‍પેક્‍ટરની પરીક્ષા પાસ કરી, ટ્રેનિંગ લીધી અને નોકરી શરૂ કરી, પછી સંબંધનો રંગ બદલાવા લાગ્‍યો.

કાઉન્‍સીલરના અનેક રાઉન્‍ડ થયા, પણ ઉકેલ ન મળ્‍યો : પછી પત્‍ની કોર્ટમાં પહોંચી ગઈ. કાઉન્‍સિલિંગના અનેક રાઉન્‍ડ થયા, પરંતુ કોઈ ઉકેલ ન મળ્‍યો. ફેમિલી કાઉન્‍સલર શૈલ અવસ્‍થીના જણાવ્‍યા મુજબ, જ્‍યારે જીવનશૈલી અને સમાજિક સ્‍થિતિમાં અચાનક તફાવત આવે છે, ત્‍યારે સંબંધોમાં ટકરાવ વધે છે. તેમણે કહ્યું, જ્‍યારે એક જીવનસાથી ઝડપથી ઉપર જાય છે અને બીજો ત્‍યાં જ રહે છે, તો સ્‍વીકાર્યતા ઓછી થવા લાગે છે. આ જ અંતર ધીમે ધીમે સંબંધને તોડી નાખે છે.

(4:06 PM IST)