<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th January 2026

પૂજા ખેડકરના બંગલે 'ક્રાઈમ પેટ્રોલ' જેવો હાઈવોલ્ટેજ ડ્રામા: નેપાળી નોકરાણીએ આખા પરિવારને નશીલો પદાર્થ ખવડાવી બંધક બનાવ્યા, કિંમતી સામાન લઈ ફરાર

ભૂતપૂર્વ IAS પૂજા ખેડકર અને તેમના વિવાદિત માતા-પિતાને રસ્સીથી બાંધી દીધા: ભાનમાં આવ્યા બાદ પૂજાએ જેમ-તેમ કરી પોલીસને કરી જાણ

પુણે : પુણેના બાનેર રોડ પર આવેલ વિવાદિત પૂર્વ IAS પ્રોબેશનર પૂજા ખેડકરના નિવાસસ્થાને ફિલ્મી ઢબે લૂંટની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. પૂજા ખેડકરના જણાવ્યા અનુસાર, તેમના ઘરે કામ કરતી એક નેપાળી મહિલાએ આખા પરિવારને બંધક બનાવીને લાખોની મત્તાની ચોરી કરી છે. આ ઘટનાને પગલે પુણે પોલીસમાં દોડધામ મચી ગઈ છે.
ભોજનમાં ભેળવી શામક દવા
પૂજા ખેડકરે પોલીસને આપેલી પ્રાથમિક માહિતી મુજબ, તાજેતરમાં જ તેમણે નેપાળની એક મહિલાને ઘરકામ માટે રાખી હતી. શનિવારે રાત્રે આ નોકરાણીએ ભોજન અથવા પીણામાં કોઈ નશીલી દવા ભેળવી દીધી હતી. જેના કારણે પૂજા ખેડકર અને તેમના પિતા દિલીપ ખેડકર તેમજ માતા મનોરમા ખેડકર બેભાન થઈ ગયા હતા. પરિવાર બેભાન થતા જ આરોપી મહિલાએ તમામને રસ્સીથી બાંધી દીધા હતા અને ઘરમાં રહેલા મોબાઈલ ફોન તથા અન્ય કિંમતી વસ્તુઓ લઈને છૂમંતર થઈ ગઈ હતી.
પૂજાએ જાતે બંધન મુક્ત થઈ પોલીસને બોલાવી
થોડા સમય બાદ પૂજા ખેડકર ભાનમાં આવ્યા ત્યારે તેમણે જોયું કે આખો પરિવાર બંધક હતો. તેમણે ભારે જહેમત બાદ પોતાની જાતને મુક્ત કરી અને બીજા એક ફોનનો ઉપયોગ કરી પોલીસને જાણ કરી હતી. જોકે, નવાઈની વાત એ છે કે પૂજાએ હજુ સુધી લેખિતમાં ફરિયાદ આપી નથી કે કઈ કઈ વસ્તુઓની ચોરી થઈ છે તેની વિગતો પણ પોલીસને જણાવી નથી. પોલીસ અત્યારે આ મામલે મૌખિક ફરિયાદના આધારે તપાસ કરી રહી છે.
વિવાદો સાથે જૂનો નાતો
ઉલ્લેખનીય છે કે ખેડકર પરિવાર પહેલેથી જ વિવાદોમાં ઘેરાયેલો છે. પૂજા ખેડકર પર UPSC પરીક્ષામાં ખોટી રીતે અનામતનો લાભ લેવાનો આરોપ છે, જેના કારણે તેમને સેવામાંથી બરતરફ કરવામાં આવ્યા છે. બીજી તરફ, તેમના પિતા દિલીપ અને માતા મનોરમા સામે અગાઉ રોડ રેજની ઘટનામાં ટ્રક ડ્રાઈવરના અપહરણ અને પિસ્તોલ બતાવી ધમકાવવાનો કેસ નોંધાયેલો છે. હવે આ લૂંટની ઘટનામાં સત્ય શું છે તે પોલીસ તપાસ બાદ જ બહાર આવશે.

(6:08 PM IST)