<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th January 2026

મહારાષ્ટ્રમાં ભભૂકી 'ભાષાકીય' આગ: રાજ ઠાકરેએ અન્નામલાઈને 'રસમલાઈ' કહી ઉડાવી મજાક, ભાજપ નેતાનો પડકાર- "મુંબઈ આવીશ, તાકાત હોય તો મારા પગ કાપી બતાવો"

BMC ચૂંટણી પહેલા મુંબઈ બન્યું 'મેગા બેટલગ્રાઉન્ડ': ઉદ્ધવ અને રાજ ઠાકરેના ગઠબંધન સામે ભાજપના 'સિંઘમ' અન્નામલાઈનો લલકાર, ૧૫ જાન્યુઆરીએ થશે મતદાન

ચેન્નાઈ : મુંબઈ મહાનગરપાલિકા (BMC) ની આગામી ચૂંટણી પહેલા મહારાષ્ટ્રનું રાજકારણ રણમેદાનમાં ફેરવાઈ ગયું છે. તમિલનાડુ ભાજપના દિગ્ગજ નેતા કે. અન્નામલાઈ અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) ના પ્રમુખ રાજ ઠાકરે વચ્ચે શરૂ થયેલું વાકયુદ્ધ હવે 'પગ કાપવાની' ધમકીઓ સુધી પહોંચી ગયું છે. રાજ ઠાકરેએ અન્નામલાઈને 'રસમલાઈ' કહીને સંબોધ્યા તેના જવાબમાં અન્નામલાઈએ મુંબઈમાં પ્રવેશવાનો ખુલ્લો પડકાર ફેંક્યો છે.
'હટાઓ લુંગી, બજાઓ પુંગી'ના નારા સાથે વળતો પ્રહાર
રવિવારે મુંબઈમાં શિવસેના (UBT) અને મનસેની સંયુક્ત રેલી દરમિયાન રાજ ઠાકરેએ જૂના જમાનાનો વિવાદાસ્પદ નારો "હટાઓ લુંગી, બજાઓ પુંગી" યાદ કરીને અન્નામલાઈ પર નિશાન સાધ્યું હતું. અન્નામલાઈએ મુંબઈને 'આંતરરાષ્ટ્રીય શહેર' ગણાવ્યું તે રાજ ઠાકરેને પસંદ આવ્યું નથી. રાજે કહ્યું કે, "તમિલનાડુથી એક 'રસમલાઈ' આવ્યા છે... અહીં મુંબઈ સાથે તમારો શું સંબંધ?" એટલું જ નહીં, રાજે હિન્દી લાદવાના વિરોધમાં ઉત્તર પ્રદેશ અને બિહારના લોકોને પણ મહારાષ્ટ્રમાંથી બહાર કાઢવાની ચીમકી આપી હતી.
અન્નામલાઈનો જડબાતોડ જવાબ
ચેન્નાઈમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અન્નામલાઈએ આ ધમકીઓ પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું, "આદિત્ય ઠાકરે કે રાજ ઠાકરે કોણ છે જે મને ધમકી આપે છે? હું એક ખેડૂતનો પુત્ર છું અને ડરવાનો નથી. કેટલાક લોકો કહે છે કે જો હું મુંબઈ આવીશ તો મારા પગ કાપી નાખશે. હું મુંબઈ ચોક્કસ આવીશ, તાકાત હોય તો મારા પગ કાપવાનો પ્રયાસ કરજો." અન્નામલાઈએ રાજ ઠાકરેને અજ્ઞાની ગણાવતા કહ્યું કે મુંબઈ વિશ્વસ્તરીય શહેર છે તેનો અર્થ એવો નથી કે મરાઠી લોકોના પ્રદાનને નકારવામાં આવ્યું છે.
ઠાકરે ભાઈઓના મિલનથી નવું સમીકરણ
મુંબઈ પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માટે પિતરાઈ ભાઈઓ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે વર્ષો પછી એક મંચ પર આવ્યા છે. બંનેએ ભાજપના હિન્દુત્વને 'નકલી' ગણાવ્યું છે. રાજ ઠાકરેએ આ ચૂંટણીને 'મરાઠી માણસ માટેની છેલ્લી ચૂંટણી' ગણાવીને ભાવનાત્મક કાર્ડ ખેલ્યું છે.
ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું
મહારાષ્ટ્રમાં BMC સહિત ૨૯ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. ૧૫ જાન્યુઆરીએ મતદાન થશે અને ૧૬ જાન્યુઆરીએ પરિણામ આવશે. મુંબઈના મતદારો કોના પક્ષમાં જશે - ઠાકરે ભાઈઓના 'મરાઠી કાર્ડ' પર કે ભાજપના 'વિકાસ અને રાષ્ટ્રવાદ' પર - તે જોવું રસપ્રદ રહેશે.

(6:09 PM IST)