હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
AAP સાંસદ રાઘવ ચઢ્ઢા બન્યા ‘ડિલિવરી બોય’: લક્ઝરી કાર છોડી બ્લિંકિટના યુનિફોર્મમાં સાયકલ પર નીકળ્યા, ગિગ વર્કર્સના સંઘર્ષને સમજવા લીધો મોટો નિર્ણય
“બોર્ડરૂમથી દૂર પાયાના સ્તરે”: રાઘવ ચઢ્ઢાએ શેર કર્યું દિલ જીતી લેતું ટીઝર, હેલ્મેટ પહેરેલા ‘બંધક’ ગણાતા ડિલિવરી પાર્ટનર્સના હક માટે ઉઠાવ્યો અવાજ

નવી દિલ્હી : આમ આદમી પાર્ટીના યુવા અને તેજસ્વી સાંસદ રાઘવ ચઢ્ઢા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે, પરંતુ આ વખતે કોઈ રાજકીય ભાષણને કારણે નહીં પણ તેમના અનોખા અવતારને કારણે. સોશિયલ મીડિયા પર રાઘવ ચઢ્ઢાએ એક ટીઝર શેર કર્યું છે જેમાં તેઓ કોઈ લક્ઝરી કારમાં નહીં પણ બ્લિંકિટ (Blinkit) કંપનીના ડિલિવરી પાર્ટનરના યુનિફોર્મમાં ડિલિવરી કરતા જોવા મળી રહ્યા છે.
ગિગ વર્કર્સની પીડા અનુભવવાનો પ્રયાસ
રાઘવ ચઢ્ઢાએ આ વિડીયો શેર કરતા લખ્યું કે, "બોર્ડરૂમથી દૂર, પાયાના સ્તરે. મેં તેમનો દિવસ જીવ્યો છે. ટ્યુન રહો!" આ ટીઝર દ્વારા તેઓ એ બતાવવા માંગે છે કે જે ગિગ વર્કર્સ (ડિલિવરી પાર્ટનર્સ) રાત-દિવસ મહેનત કરીને આપણા સુધી સામાન પહોંચાડે છે, તેમનું જીવન કેટલું મુશ્કેલ છે. તાજેતરમાં જ ગિગ વર્કર્સ દ્વારા ઓછી આવક અને અસુરક્ષિત કામના કલાકો સામે દેશવ્યાપી હડતાળ કરવામાં આવી હતી, જેને રાઘવ ચઢ્ઢાએ ખુલ્લું સમર્થન આપ્યું હતું.
‘હેલ્મેટ પહેરેલા બંધકો’ જેવી સ્થિતિ
સાંસદે અગાઉ રાજ્યસભામાં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે ડિલિવરી પાર્ટનર્સની સરખામણી "હેલ્મેટ પહેરેલા બંધકો" સાથે કરી હતી. તેમનું કહેવું છે કે ૧૦ મિનિટમાં ડિલિવરી આપવાના મોડેલને કારણે આ કામદારોના જીવ જોખમમાં મુકાય છે. વધુમાં, પ્લેટફોર્મ કંપનીઓ દ્વારા વારંવાર પેમેન્ટ સ્ટ્રક્ચરમાં કરવામાં આવતા ફેરફારોને કારણે આ ગરીબ મધ્યમ વર્ગના કામદારોનું શોષણ થઈ રહ્યું છે.
સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિસાદ
રાઘવ ચઢ્ઢાના આ પગલાની સોશિયલ મીડિયા પર પ્રશંસા થઈ રહી છે. ઘણા યુઝર્સે લખ્યું કે સાચા નેતા તે જ છે જે જમીની વાસ્તવિકતાનો અનુભવ કરે છે. જોકે, કેટલાક લોકોએ તેને પબ્લિસિટી સ્ટંટ પણ ગણાવ્યો છે. ગમે તે હોય, પણ એક સાંસદ જ્યારે જાતે ડિલિવરી બેગ લઈને નીકળે ત્યારે તે ચોક્કસપણે સિસ્ટમમાં રહેલી ખામીઓ તરફ લોકોનું ધ્યાન ખેંચે છે.
ગિગ વર્કર્સની માંગણીઓ જેવી કે વાજબી પગાર, સામાજિક સુરક્ષા અને ૧૦ મિનિટની ડિલિવરીની મર્યાદા હટાવવા માટે રાઘવ ચઢ્ઢા લાંબા સમયથી લડી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે આ પૂરો વિડીયો રિલીઝ થયા બાદ સરકાર કે કંપનીઓ આ ગરીબ કામદારો માટે કોઈ નવી નીતિ લાવે છે કે કેમ.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
