<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th January 2026

ન્યાયતંત્ર પર કલંક: ચાલતી ટ્રેનમાં દારૂ પીને જજે મહિલાની સીટ પર પેશાબ કર્યો; સુપ્રીમ કોર્ટ લાલઘૂમ- કહ્યું, “આ વર્તન માત્ર ઘૃણાસ્પદ જ નહીં, આઘાતજનક છે!”

“ન્યાયિક અધિકારી આટલી હદે નીચે કઈ રીતે જઈ શકે?”: મધ્યપ્રદેશના સિવિલ જજની બરતરફી રદ કરનાર હાઈકોર્ટને પણ સર્વોચ્ચ અદાલતે ખખડાવી; રક્ષક જ ભક્ષક બનતા કોર્ટે રાજ્ય સરકાર પાસે માંગ્યો જવાબ

નવી દિલ્હી: ભારતના ન્યાયતંત્રના ઇતિહાસમાં એક અત્યંત શરમજનક અને હચમચાવી નાખનારી ઘટના સામે આવી છે. મધ્યપ્રદેશના એક સિવિલ જજ, જેમના પર ચાલતી ટ્રેનમાં નશાની હાલતમાં એક મહિલા મુસાફરની સીટ પર પેશાબ કરવાનો ગંભીર આરોપ છે, તેમને લઈને સુપ્રીમ કોર્ટે સખત નારાજગી વ્યક્ત કરી છે. જસ્ટિસ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચે આ મામલે સુનાવણી કરતા કહ્યું કે, એક ન્યાયિક અધિકારી પાસેથી આવા વર્તનની કલ્પના પણ કરી શકાતી નથી.

શું હતી સમગ્ર ઘટના?

આ વિવાદ ૨૦૧૮નો છે જ્યારે આરોપી સિવિલ જજ ઇન્દોરથી જબલપુર જતી ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. આરોપ છે કે તેમણે કોઈને પણ જાણ કર્યા વિના રજા લીધી હતી અને મુસાફરી દરમિયાન ભારે માત્રામાં દારૂ પીધો હતો. નશામાં ધૂત થઈને તેમણે ટ્રેનમાં હંગામો મચાવ્યો, રેલવે સ્ટાફ સાથે ગેરવર્તન કર્યું અને હદ તો ત્યારે થઈ જ્યારે તેમણે એક મહિલા મુસાફરની સીટ પર જ પેશાબ કરી દીધો. આટલું જ નહીં, તેમણે મુસાફરોને ધમકાવવા માટે પોતાના 'જજ' હોવાના ઓળખપત્રનો પણ દુરુપયોગ કર્યો હતો.

હાઈકોર્ટના વલણ પર સુપ્રીમ કોર્ટના સવાલ

આ ઘટના બાદ ૨૦૧૯માં રાજ્યપાલના આદેશથી જજની સેવા સમાપ્ત કરવામાં આવી હતી. જોકે, મે ૨૦૨૫માં મધ્યપ્રદેશ હાઈકોર્ટે આ આદેશને ઉલટાવી દીધો અને જજને નિર્દોષ જાહેર કર્યા. સુપ્રીમ કોર્ટે આજે હાઈકોર્ટના આ નિર્ણય પર આકરા પ્રહારો કર્યા હતા. કોર્ટે પ્રશ્ન કર્યો કે, "આવા ગંભીર કેસમાં જ્યારે વિભાગીય તપાસમાં આરોપો સાબિત થયા હોય, ત્યારે હાઈકોર્ટે શિસ્તભંગની કાર્યવાહીમાં દખલ કેમ કરી?" કોર્ટે સ્પષ્ટ કર્યું કે સાક્ષીઓ ફરી જવાથી ગુનો ઓછો થઈ જતો નથી.

ન્યાય માટેની આખરી જંગ

હાઈકોર્ટની વહીવટી શાખાએ જ પોતે પોતાના જ ડિવિઝન બેન્ચના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. તેમની દલીલ છે કે ન્યાયાધીશનું આવું નૈતિક પતન ન્યાયતંત્રની છબી ખરાબ કરે છે અને તેમને સેવામાં પાછા લેવા એ જોખમી છે. સુપ્રીમ કોર્ટે હાલ આ મામલે રાજ્ય સરકાર પાસેથી જવાબ માંગ્યો છે.

(6:47 PM IST)