હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભારતના એ ‘દાનવીર’ રાજવી પરિવારનો એક યુગ આથમ્યો: ૧૯૬૨ના યુદ્ધમાં ૬૦૦ કિલો સોનું આપનાર મહારાણી કામસુંદરી દેવીનું ૯૬ વર્ષની વયે નિધન
જેમણે દેશને પહેલી યુનિવર્સિટી, પટણા મેડિકલ કોલેજ અને દરભંગા એરપોર્ટ આપ્યું તે રાજવી પરિવારના અંતિમ મહારાણી વિદાય થયા; ૩ લગ્ન છતાં નિઃસંતાન મહારાજાના વારસદારોએ સંભાળી અંતિમ વિધિ

દરભંગા: બિહારના સુપ્રસિદ્ધ દરભંગા રાજવી પરિવારના છેલ્લા કડી સમાન મહારાણી કામસુંદરી દેવીનું સોમવારે ૯૬ વર્ષની વયે નિધન થયું છે. છેલ્લા કેટલાક સમયથી બીમાર રહેલા મહારાણીએ કલ્યાણી નિવાસસ્થાન ખાતે અંતિમ શ્વાસ લીધા હતા. તેમની અંતિમયાત્રામાં જનમેદની ઉમટી પડી હતી અને દરભંગા રાજવી સંકુલના પવિત્ર મધેશ્વરનાથ મંદિર પરિસરમાં પરંપરાગત વિધિઓ સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
૬૦૦ કિલો સોનું અને વિમાનોનું દાન
દરભંગા રાજવી પરિવારની દાનવીરતાના કિસ્સાઓ ભારતીય ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલા છે. ૧૯૬૨ના ભારત-ચીન યુદ્ધ સમયે જ્યારે દેશને આર્થિક મદદની જરૂર હતી, ત્યારે દરભંગાના મહારાજા કામેશ્વર સિંહે ૧૫ મણ એટલે કે આશરે ૬૦૦ કિલો સોનું ભારત સરકારને દાનમાં આપ્યું હતું. એટલું જ નહીં, તેમણે ભારતીય વાયુસેનાને મદદ કરવા માટે પોતાના ૩ ખાનગી વિમાનો અને ૯૦ એકર જમીન પર ફેલાયેલું એરપોર્ટ પણ દેશને સમર્પિત કરી દીધું હતું, જે આજે દરભંગા એરપોર્ટ તરીકે ઓળખાય છે.
શિક્ષણ અને ગાંધીજીના પરમ સમર્થક
મહારાણી કામસુંદરી દેવી મહારાજા કામેશ્વર સિંહની ત્રીજી પત્ની હતા. આ રાજવી પરિવારે દેશને તેની પ્રથમ યુનિવર્સિટી આપી હતી. બનારસ હિન્દુ યુનિવર્સિટી (BHU) ની સ્થાપના માટે પણ આ પરિવારે ૫ લાખ રૂપિયાનું સૌથી મોટું દાન આપ્યું હતું. મહાત્મા ગાંધી જ્યારે દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યા અને આર્થિક મુશ્કેલીમાં હતા, ત્યારે દરભંગાના મહારાજાએ જ તેમને આર્થિક સંકટમાંથી ઉગાર્યા હતા. ગાંધીજીનો હસ્તલિખિત પત્ર આજે પણ આ પરિવાર પાસે સાચવેલો છે.
વારસાની જાળવણી અને વર્તમાન સ્થિતિ
મહારાજા કામેશ્વર સિંહને ત્રણ લગ્નો હોવા છતાં કોઈ સંતાન નહોતું. મહારાણી કામસુંદરી દેવીએ તેમના વારસા અને ટ્રસ્ટની જવાબદારી કુમાર કપિલેશ્વર સિંહને સોંપી હતી. વર્તમાન વારસદાર કપિલેશ્વર સિંહ દુઃખ સાથે જણાવે છે કે, જે પરિવારે પટણા મેડિકલ કોલેજ, પટણા યુનિવર્સિટી અને રેલવે માટે હજારો એકર જમીન દાનમાં આપી, આજે સરકાર તે પરિવારના ઈતિહાસને ભૂલી રહી છે. દરભંગા એરપોર્ટ જે આ પરિવારની જમીન પર બન્યું છે, ત્યાં મહારાજાનું નામ પણ રાખવામાં આવ્યું નથી તે કમનસીબી છે.
દરભંગા રાજ માત્ર સંપત્તિ માટે જ નહીં, પણ સંગીત અને કળાના આશ્રય માટે પણ જાણીતું હતું. પ્રખ્યાત શરણાઈ વાદક બિસ્મિલ્લાહ ખાન આ જ દરબારના રત્ન હતા. મહારાણીની વિદાય સાથે મિથિલાના એક ગૌરવશાળી પ્રકરણનો અંત આવ્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
