<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th January 2026

અમેરિકામાં ‘આરપાર’ની જંગ: ડોનાલ્ડ ટ્રમ્પના ‘માસ ડિપોર્ટેશન’ મિશન સામે ૧૭ રાજ્યોએ બગાવત કરી; ગેરકાયદે પ્રવાસીઓને શરણ આપવા વોશિંગ્ટન અને કેલિફોર્નિયા બન્યા ‘ઢાલ’

ઈમિગ્રેશન એજન્સી ICE ના ગોળીબારમાં મહિલાના મોત બાદ કેલિફોર્નિયામાં ભડકો; ફેડરલ એજન્સીઓને રોકવા રાજ્યોએ બનાવ્યા પોતાના કાયદા, વ્હાઇટ હાઉસ અને સ્ટેટ્સ વચ્ચે બંધારણીય સંઘર્ષ તેજ

વોશિંગ્ટન: અમેરિકાના નવનિયુક્ત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળતાની સાથે જ ગેરકાયદેસર પ્રવાસીઓને દેશનિકાલ (Mass Deportation) કરવાનું અભિયાન વેગવંતુ બનાવ્યું છે. જોકે, ટ્રમ્પની આ કડકાઈ સામે અમેરિકાના જ ૧૭ રાજ્યો અને વોશિંગ્ટન ડીસીએ શિંગડા ભરાવ્યા છે. કેલિફોર્નિયામાં ઈમિગ્રેશન એજન્સી ICE દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં એક મહિલાનું મોત થતા પરિસ્થિતિ વધુ વણસી છે અને હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે.

શા માટે રાજ્યો આપી રહ્યા છે ગેરકાયદે પ્રવાસીઓને રક્ષણ?

અમેરિકાના અનેક લોકશાહી શાસિત રાજ્યો, જેમાં કેલિફોર્નિયા અને વોશિંગ્ટન મોખરે છે, તેઓ 'સેન્ચ્યુરી સ્ટેટ્સ' (Sanctuary States) તરીકે ઓળખાય છે. આ રાજ્યોનું માનવું છે કે ઈમિગ્રેશન એજન્સીઓ માનવ અધિકારોનું ઉલ્લંઘન કરી રહી છે. આ ૧૭ રાજ્યોએ એવા નિયમો બનાવ્યા છે જે અંતર્ગત સ્થાનિક પોલીસ અને તંત્ર ફેડરલ ઈમિગ્રેશન એજન્સીઓને (ICE) ગેરકાયદે પ્રવાસીઓને પકડવામાં કોઈ પણ પ્રકારની મદદ કરી શકશે નહીં. આ કાયદાકીય અવરોધને કારણે ટ્રમ્પ સરકારની એજન્સીઓ ઈચ્છવા છતાં પ્રવાસીઓ સુધી પહોંચી શકતી નથી.

કેલિફોર્નિયામાં હિંસક વિરોધ અને ICE ને ખતમ કરવાની માંગ

કેલિફોર્નિયામાં તાજેતરમાં બનેલી ગોળીબારની ઘટનાએ આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે. પ્રદર્શનકારીઓની માંગ છે કે ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) એજન્સીને સંપૂર્ણપણે નાબૂદ કરી દેવી જોઈએ. ઘણી જગ્યાએ પ્રદર્શનકારીઓ "ટ્રમ્પ મસ્ટ ગો" અને "એજન્સી બંધ કરો" ના નારા લગાવી રહ્યા છે. આ સંઘર્ષ હવે માત્ર કાયદાકીય રહ્યો નથી, પરંતુ તે વ્હાઇટ હાઉસ અને રાજ્ય સરકારો વચ્ચેના અસ્તિત્વની લડાઈમાં ફેરવાઈ ગયો છે.

બંધારણીય સંકટના એંધાણ

ટ્રમ્પ પ્રશાસન ફેડરલ ફંડ અટકાવવાની ધમકી આપી રહ્યું છે જેથી રાજ્યો નમતું જોખે. બીજી તરફ, આ ૧૭ રાજ્યોએ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ પોતાના સ્તરે પ્રવાસીઓના અધિકારોનું રક્ષણ કરશે. નિષ્ણાતો માને છે કે જો આ ખેંચતાણ ચાલુ રહેશે, તો અમેરિકામાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે મોટું બંધારણીય સંકટ ઉભું થઈ શકે છે.

(6:57 PM IST)