<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th January 2026

પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ વોશરૂમમાં અચાનક બેભાન થઈ જતાં એઈમ્સ (AIIMS)માં દાખલ; હૃદયની ગંભીર સમસ્યા બાદ કાર્ડિયોલોજી વિભાગમાં સારવાર હેઠળ

ગુરુગ્રામની હોસ્પિટલથી દિલ્હી ખસેડાયા: વારંવાર બેભાન થવાને કારણે ગત વર્ષે પદ પરથી આપ્યું હતું રાજીનામું; એન્જીયોપ્લાસ્ટી બાદ ફરી તબિયત લથડતા પરિવાર અને સમર્થકોમાં ચિંતાનો માહોલ

નવી દિલ્હી: ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની તબિયત ફરી એકવાર નાજુક થતાં તેમને દિલ્હીની પ્રતિષ્ઠિત એઈમ્સ (AIIMS) હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 

  પ્રાપ્ત વિગતો મુજબ, બે દિવસ પહેલા તેઓ વોશરૂમમાં અચાનક ચક્કર ખાઈને બેભાન થઈ ગયા હતા. શરૂઆતમાં તેમને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ વધુ સારવાર માટે સોમવારે બપોરે ૨ વાગ્યે દિલ્હી એઈમ્સના કાર્ડિયોલોજી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે.
જગદીપ ધનખડ છેલ્લા લાંબા સમયથી હૃદયની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. અગાઉ કચ્છના રણ, કેરળ અને ઉત્તરાખંડના પ્રવાસ દરમિયાન પણ તેઓ જાહેર કાર્યક્રમોમાં બેભાન થઈ ગયા હતા. ઉપરાષ્ટ્રપતિ પદ પર કાર્યરત હતા ત્યારે તેમની એન્જીયોપ્લાસ્ટી પણ કરવામાં આવી હતી. સતત બગડતી તબિયતને કારણે જ તેમણે ૨૧ જુલાઈ, ૨૦૨૫ના રોજ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
 ચિંતાજનક બાબત એ છે કે પદ છોડ્યાના પાંચ મહિના બાદ પણ પૂર્વ ઉપરાષ્ટ્રપતિને હજુ સુધી યોગ્ય સરકારી નિવાસસ્થાન ફાળવવામાં આવ્યું નથી. તેમના નજીકના સહયોગીઓના જણાવ્યા અનુસાર, તેમણે ઓગસ્ટ ૨૦૨૫માં મંત્રાલયને પત્ર લખી સત્તાવાર બંગલા માટે વિનંતી કરી હતી. નિયમ મુજબ, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ટાઈપ-૮ બંગલો, મેડિકલ સ્ટાફ અને અંગત સહાયકો મેળવવાના હકદાર છે, જે તેમની વર્તમાન તબિયત જોતા ખૂબ અનિવાર્ય છે. હાલમાં એઈમ્સના નિષ્ણાત તબીબોની ટીમ તેમના સ્વાસ્થ્ય પર સતત દેખરેખ રાખી રહી છે. હૃદયના ધબકારા અને અન્ય મહત્વના રિપોર્ટ્સ બાદ આગળનો નિર્ણય લેવામાં આવશે.

(8:04 PM IST)